સુરતમાં મુશળધાર વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા, ધંધા-રોજગાર માટે નિકળેલા લોકો અટવાયા, ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા
સુરત: શહેરમાં વહેલી સવારથી જ આજે મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ વાતાવરણ સર્જાયું છે. મુશળધાર વરસાદને કારણે લોકો કામકાજ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સવારમાં જ ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આથી ધંધા-રોજગાર પર જનારા લોકો અટવાયા છે. જેથી ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળી રહ્યા છે
અવિરત વરસાદને લીધે સમગ્ર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે માત્ર એક બે કલાકમાં જ નીચાણવાળા વિસ્તારોમાં તેની અસર દેખાવા માંડી છે. કેટલીક સોસાયટીઓમાં તો કેટલાક માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. આજે દિવસભર આ જ રીતે વરસાદી માહોલ દેખાશે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે