વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં મારામારી ઘટના જાણો..
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. સમરસ હોસ્ટેલમાં તીખી અને મીઠી દાળના મુદે વિદ્યાર્થીઓ બાખડી પડ્યા હતા…
ઘટના અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહેલા આદિવાસી વિસ્તારનાં વિદ્યાર્થીઓ દ્વારા વારવાંર જમવામાં તિખીદાળની માંગણી કરવામાં આવી રહી છે. જયારે બીજી તરફ સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતનાં વિદ્યાર્થીઓ દ્વારા જમવામાં મીઠી દાળની માંગણી કરવામાં આવે છે. હોસ્ટેલમાં સરેરાશ 70 ટકા વિદ્યાર્થીઓ આદિવાસી અને 30 ટકા અન્ય વિદ્યાર્થીઓ રહેતા હોવાથી બંને જૂથ વચ્ચે તિખી અને મીઠી દાળની માંગણી મુદ્દે વોટીંગ પણ કરાવવામાં આવ્યું હતુ જેમાં આદિવાસી વિદ્યાર્થીઓનાં વોટ વધારે હોવાથી તીખી દાળ બનાવવાનું જ નક્કી થયુ હતુ. આ મામલે છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલી માથાકુટ મારામારીમાં પરિણમી હતી. જેમાં સૌરાષ્ટ્ર-મધ્યગુજરાતનાં વિદ્યાર્થીઓએ એકસંપ થઇ આદિવાસી વિદ્યાર્થીઓ ઉપર તુટી પડ્યા હતા, અને લાકડીનાં ફટકા વડે હુમલો કરતા ગામીત આશિષ અર્જુનભાઇ,મયુર સુભાષભાઇ વળવી અને વસાવા સાહિલ વિલાસભાઈ ને ઇજા પહોંચતા તેમને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આદિવાસી વિદ્યાર્થીઓને માર પડતા સમગ્ર મુદ્દો રાજકીય બન્યો હતો, જેમાં કોંગ્રેસનાં અસલમ સાયકલવાળાએ આદિવાસી વિદ્યાર્થીઓની તરફેણમાં પોલીસ ફરિયાદ દાખલ થાય તેવા પ્રયાસો કર્યા હતા. જયારે બીજી તરફ સૌરાષ્ટ્ર- મધ્યગુજરાતનાં વિદ્યાર્થીઓ દ્વારા પણ પોલીસ ફરિયાદ દાખલ નહીં થાય, અને જો પોલીસ ફરિયાદ નોંધાઇ તો બંને પક્ષે ફરિયાદ દાખલ થાય તેવું રાજકીય પ્રેશર ઉભુ કરાતા મામલો તંગ બન્યો હતો. મોડી રાતે વેસુ પોલીસ સ્ટેશનમાં બંને જુથોનાં વિદ્યાર્થીઓ ટોળેટોળા ભેગા થયા હતા.