મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૭૨ તથા શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળા ક્રમાંક ૧૬માં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો

મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૭૨ તથા શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળા ક્રમાંક ૧૬માં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૭૨ તથા શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળા ક્રમાંક ૧૬ ખાતે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે ભવ્ય પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલવાટિકામાં નવો પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને શાળાપ્રવેશ અપાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૅરમેન શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયા, ઈ.એમ. ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ શ્રી વલ્લભભાઈ સવાણી, શ્રી બાબુભાઈ વિરડીયા અને શ્રી રમેશભાઈ વાઘાણી, શાસનાધિકારી શ્રી ધર્મેશભાઈ પટેલ, નગરસેવક શ્રી સુરેશભાઈ ધામેલિયા, શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય શ્રી રાકેશભાઈ ભીકડિયા તેમજ નિરીક્ષકશ્રીઓ શ્રી કિશોરભાઈ અને શ્રી હસનભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો તથા વાલીઓની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને આનંદના માહોલ વચ્ચે સંપન્ન થયો હતો.
પ્રવેશોત્સવ દરમિયાન શાળાના પ્રવેશદ્વારેથી નાનાં બાળપુષ્પોને મહાનુભાવોએ આંગળી પકડીને મંચ સુધી દોરી લાવી શિક્ષણયાત્રાનો શુભ પ્રારંભ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓએ હારબંધ ઊભા રહી મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે શાસનાધિકારી શ્રી ધર્મેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન આપી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને આવકાર્યા હતા. શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય શ્રી રાકેશભાઈ ભીકડિયાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી વિવિધ સુવિધાઓ અને લાભોની વિગતવાર માહિતી આપી હતી. નગરસેવક શ્રી સુરેશભાઈ ધામેલિયાએ આરોગ્ય કાર્ડ તથા આરોગ્યલક્ષી સરકારી સેવાઓ અંગે માર્ગદર્શન આપી વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે વાલીઓને પ્રેરિત કર્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયાએ સુરત શહેરમાં આશરે ૬૦ નવી શાળાઓના આધુનિક ભવનોનાં નિર્માણના સંકલ્પ અંગે માહિતી આપી હતી. તેમણે વિવિધ શાળાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમોની વિગતો રજૂ કરી સમિતિ દ્વારા શિક્ષણક્ષેત્રે કરવામાં આવી રહેલા વિકાસકાર્યો તથા ઉપલબ્ધ સુવિધાઓ અંગે વાલીઓને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્યા શ્રીમતી વૈશાલીબેને આભારવિધિ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળા ક્રમાંક ૧૬ અને ૨૭૨ના વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક કર્યું હતું.
પ્રવેશોત્સવની પૂર્ણાહુતિ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલીઓ, વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોમાં ઉત્સાહ, આનંદ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આ ભવ્ય પ્રવેશોત્સવે નવા વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનનો યાદગાર અને પ્રેરણાદાયી પ્રારંભ કરાવ્યો હતો.



