એન્ટરટેઇનમેન્ટ

મલ્હાર ઠાકરે વિઝા હનુમાન મંદિરે માથું ટેકવ્યું પોતાના વિઝા માટે, ચાહકોને પણ પ્રાર્થના માટે કરી અપીલ

મલ્હાર ઠાકરે વિઝા હનુમાન મંદિરે માથું ટેકવ્યું પોતાના વિઝા માટે, ચાહકોને પણ પ્રાર્થના માટે કરી અપીલ

ફિલ્મ ‘શુભયાત્રા’ની શુભ શરૂઆત થઈ ગઈ છે. સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર અભિનીત આ ફિલ્મનું અનોખી રીતે પ્રમોશન દ્વારા આજથી શુભારંભ કરાયો છે.

મલ્હારે આજે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા વિઝા હનુમાન મંદિરે (ચમત્કારિક શ્રી હનુમાન મંદિર) દર્શન કરી પોતાને વિઝા મળી જાય તેની પ્રાર્થના કરી હતી. સાથે ચાહકોને પણ અપીલ કરી કે પોતાને વિઝા મળી જાય તે માટે પ્રાર્થના કરે. આ સમગ્ર પ્રસંગ અત્યંત રસપ્રદ બન્યો હતો જ્યારે મલ્હાર પોતાના ફિલ્મના પાત્રનું પ્રમોશન કરવા પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે આગામી એક સપ્તાહ સુધી આ ‘શુભયાત્રા’ અમદાવાદથી શરૂ થઈને ગુજરાતના અલગ-અલગ શહેરોમાં પણ યોજાશે અને ચાહકોનો પ્રેમ મેળવશે.

VIDEO LINK

https://www.instagram.com/p/CrDkKGVo812/

વાસ્તવમાં, મલ્હાર આજે નેશનલ એવોર્ડ વિનર ડિરેક્ટર મનીષ સૈની દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘શુભયાત્રા’માં પોતાના પાત્ર મોહનભાઈ પટેલ જે કોઈ પણ ભોગે અમેરિકા જવા માંગે છે તેના માટે વિઝાની અરજી કરવા વિઝા હનુમાન મંદિરે પહોંચ્યો હતો. અહીં તે પોતાના ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચ્યો હતો. આ પ્રસંગે મલ્હારની સાથે એક્ટર હેમિન ત્રિવેદી અને જય ભટ્ટ પણ તેની સાથે હાજર હતા. હનુમાનજીના દર્શન કરતી વખતે ચાહકો પણ તેને જોવા માટે ઉમટી પડ્યાં હતા.

મહત્વનું છે કે આ મંદિરને વિઝાની હેડ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે. લોકો એ મંદિરમાં વિઝા મંજૂર થવાની પ્રાર્થના કરે છે અને માન્યતા અનુસાર એ લોકોની ઈચ્છા પૂરી પણ થાય છે.

મલ્હારે વિઝા હનુમાનજીના દર્શન કર્યા બાદ કહ્યું હતું, મોહનભાઈને અમેરિકાના વિઝા મળી જાય અને મલ્હારને શુભયાત્રા માટે દર્શકોનો પ્રેમ મળી જાય તે માટે પ્રાર્થના કરવા આવ્યો હતો. આ ફિલ્મ મારા હૃદયની નજીક છે કારણ કે ફિલ્મમાં આખો મારો લૂક તમને અલગ જોવા મળશે, કોમેડીની સાથે ભાવુક કરી દેતા પણ કેટલાંક એવા દ્રશ્યો છે જે એક સમાજને મેસેજ પણ આપી જાય છે. હું દર્શકોને અપીલ કરીશ કે શુભયાત્રાની શરૂઆત થઈ ગઈ છે, મને વિઝા મળી જવાના છે અને તમારે તમામે મને ઍરપોર્ટ એટલે કે થિયેટર સુધી મૂકવા આવવાનું છે.

આ દરમ્યાન સૌથી રસપ્રદ ઘટના એ જોવા મળી કે આ ત્યાં હાજર કેટલાંક વૃદ્ધોએ પ્રમોશનને હકીકત માનીને મલ્હાર ઠાકરને વિઝા મળી જાય તે માટે આશીર્વાદ પણ આપ્યા હતાં. બીજી બાજુ હાજર ચાહકોએ મલ્હાર સહિત સમગ્ર ટીમને ફિલ્મ માટે શુભકામના પાઠવી હતી. લોકોએ કહ્યું કે મલ્હારભાઈ તમને અમેરિકાના વિઝા અને દર્શકોનો પ્રેમ ચોક્કસ મળશે તેવી પ્રાર્થના કરીશું.

12 એપ્રિલે ‘શુભયાત્રા’નું ઓફિશ્યલ ટ્રેલર રિલીઝ થયું હતું જે સોશ્યલ મીડિયા પર ગણતરીના કલાકોમાં જ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. એક જ દિવસમાં 20 લાખથી વધુ દર્શકોએ ટ્રેલર નિહાળ્યું હતું. ગુજરાત સહિત સાઉથના જાણીતા કલાકારોને ટ્રેલર પસંદ પડ્યું હતું અને ફિલ્મની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

Trailer Link : https://www.youtube.com/watch?v=6VfQEHBJc0

ફિલ્મના મુખ્ય કલાકારમાં મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર છે, જ્યારે સાથી કલાકારોમાં હેમિન ત્રિવેદી, હિતુ કનોડિયા, દર્શન જરીવાલા, ચેતન દહિયા, અર્ચન ત્રિવેદી, જય ભટ્ટ અને મગન લુહાર જેવા અન્ય કલાકારો પણ છે. ફિલ્મનું મ્યુઝિક કેદાર-ભાર્ગવે આપ્યું છે અને ડાયલોગ્સ મનીષ સૈની અને જય ભટ્ટે લખ્યાં છે.

ફિલ્મની સૌથી મહત્વની વાત કે સાઉથનું મોટું પ્રોડક્શન હાઉસ ધરાવતું સ્ટાર કપલ નયનતારા અને વિગ્નેશ શિવન પોતાના ‘રાઉડી પિક્ચર્સ’ બેનર હેઠળ આ ફિલ્મ સાથે કો-પ્રોડ્યુસર તરીકે જોડાયા છે. મહત્વનું છે કે નયનતારા સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ છે અને શાહરૂખ ખાન સાથે આગામી ફિલ્મ ‘જવાન’માં લીડ રોલમાં દેખાશે. નયનતારા અને વિગ્નેશ માટે આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે અને તેમનું કહેવું છે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ઉજળી તકો છે, અહીં ટેલેન્ટની ભરમાર છે, અમને આ વિષય પર કહાની પણ ગમી હતી એટલે અમે મનીષ સાથે મળીને આ તક અજમાવવા માંગતા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button