વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘હર ઘર તિરંગા’ સંકલ્પને આગળ વધારવા પ્રજાજનોને તિરંગા અર્પણ કરતાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
“હર ઘર તિરંગા અભિયાન’’
બમરોલી ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ઘરો, દુકાનો, લારીઓ પર તિરંગા લગાવી દેશભક્તિ અદા કરીઃ
આઝાદીના ૭૫ વર્ષની પૂર્ણતાના અવસરે દેશવાસીઓમાં ફરી એક વાર એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર જાગી છે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
સુરતઃસોમવારઃ- આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા માટે તા.૧૩ થી ૧૫મી ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘હર ઘર તિરંગા’ સંકલ્પને આગળ વધારવા માટે સુરત શહેરના બમરોલી વિસ્તારમાં ગૃહ અને રમતગમત રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પોતાના મત વિસ્તારના ઘરો, દુકાનો અને લારીઓ પર જાતે જઇ તિરંગા લગાવી તથા પ્રજાજનોને તિરંગા અર્પણ કરી દેશભક્તિ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પોતાના મત વિસ્તારના લોકોને સંબોધન કરી પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષની પૂર્ણતાના અવસરે દેશવાસીઓમાં ફરી એક વાર એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર જાગી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના હજારો ગામડાંઓ અને શહેરોમાં આઝાદીના અનેરા અવસરની ઉજવણી કરાઇ રહી છે. ત્યારે દરેક ઘરો, મહોલ્લાઓ, ઓફિસો પર તિરંગો ફરકાવીને આઝાદી માટે બલિદાન આપનારાઓને યાદ કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
વધુમાં કહ્યું કે, હજારો યુવાનો, ક્રાંતિકારીઓ, આઝાદીના લડવૈયાઓના બલિદાનના પ્રતાપે આજે દેશવાસીઓ મુક્તપણે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. રાષ્ટ્રધ્વજની આચારસંહિતામાં સુગમ બદલાવ કરીને કેન્દ્ર સરકારે કોઈ પણ સ્થળે, રાતદિન રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સ્વતંત્રતા આપી છે, ત્યારે વડાપ્રધાનશ્રીના ‘હર ઘર તિરંગા’ અને “મારી માટી, મારો દેશ” અભિયાનમાં ઉત્સાહથી જોડાવાની હિમાયત કરી હતી.
આ અવસરે કોપોરેટરશ્રીઓ, વિવિધ વોર્ડના પ્રમુખશ્રીઓ, વિદ્યાર્થીઓ, નાગરિકો જોડાયા હતા.