દેશ

કેરળમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના: ટનલના બાંધકામ સ્થળે ભેખડ ધસી પડતાં બે શ્રમિકોના મોત, ૬ ઇજાગ્રસ્ત

કેરળમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના: ટનલના બાંધકામ સ્થળે ભેખડ ધસી પડતાં બે શ્રમિકોના મોત, ૬ ઇજાગ્રસ્ત
વાયનાડ : દેશના અનેક ભાગોમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે કેરળના વાયનાડ જિલ્લામાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાયનાડના કલ્લાડી વિસ્તારમાં નિર્માણાધીન ટનલના બાંધકામ સ્થળે અચાનક મોટું ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થતાં બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અચાનક માટી ધસી પડી, તંત્ર એલર્ટ
મળતી માહિતી અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદને કારણે બાંધકામ સાઇટ પર અચાનક માટી અને કાટમાળનો મોટો જથ્થો ધસી પડ્યો હતો. જેને કારણે ત્યાં કામ કરી રહેલા કેટલાક શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ મીનંગડી અને કોઝિકોડથી એનડીઆરએફ (NDRF) ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. હાલ સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની દેખરેખ હેઠળ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
મુખ્યમંત્રી એક્શનમાં, મંત્રીઓ ઘટનાસ્થળે
દુર્ઘટનાની ગંભીરતાને જોતા કેરળ સરકાર પણ તાત્કાલિક સક્રિય થઈ ગઈ છે. મુખ્યમંત્રીના કડક નિર્દેશ બાદ રાજ્યના મહેસૂલ મંત્રી અને કૃષિ મંત્રીને તાબડતોબ ઘટનાસ્થળે પહોંચવા આદેશ અપાયા છે. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટર પોતે પણ ઘટનાસ્થળે હાજર રહીને સમગ્ર રાહત અને બચાવ કાર્યનું સીધું નિરીક્ષણ કરી રહ્યા છે.
આ કુદરતી આફત નથી, માનવીય બેદરકારી છે: મંત્રી ટી. સિદ્દીકી
બીજી તરફ, આ ઘટનાને લઈને તંત્રની મોટી ક્ષતિઓ પણ સામે આવી રહી છે. કેરળના મંત્રી ટી. સિદ્દીકીએ આ અકસ્માત અંગે તીખો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ માત્ર એક કુદરતી આપત્તિ નથી પરંતુ સ્પષ્ટપણે માનવીય બેદરકારીનો મામલો છે. બાંધકામ સ્થળ પર સુરક્ષાના નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નહોતું.
તેમણે વધુમાં ઉમેર્યું કે, જિલ્લા પ્રશાસન દ્વારા અગાઉ પણ આ વિસ્તારમાં ભૂસ્ખલનના જોખમ અંગે આગોતરી ચેતવણી આપવામાં આવી હોવા છતાં તેને ગંભીરતાથી લેવાઈ નહોતી. વાયનાડ અગાઉ પણ વિનાશક ભૂસ્ખલનનો સામનો કરી ચૂક્યું છે, જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આવી સ્થિતિમાં આવી ઘોર બેદરકારી ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં. હાલ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button