પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ જાણો શુ છે આ દિવસ…..
પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ
એક અશિક્ષિત શ્રમિક મહિલાએ ૬૦ મહિલાને સાથે જોડીને કચ્છના દરેક ગામના પાદરને પ્લાસ્ટિકના દૂષણથી મુકત કરવા ઉપાડી ઝુંબેશ
ગામડાઓમાં ઘર ઘરથી વેસ્ટ પોલીથીન એકત્ર કરીને અવધનગર ખાતે સખી મંડળની મહિલાઓ સાથે મળીને વણાટકામથી ઉપયોગી વસ્તુઓ બનાવી
સરકાર દ્વારા અપાતા માર્કેટીગ પ્લેટફોર્મરૂપી પ્રદર્શનીમાં ભાગ લઇને રાજીબેન અને મંડળની બહેનો આજે તેની કલાત્મક વસ્તુઓ દેશ-વિદેશમાં પહોંચાડી છે
ભુજ, રવિવાર કોઇપણ સમસ્યાને નાથવા માટે મનમાં નિર્ધાર હોવો જરૂરી છે. સમસ્યા કેટલી મોટી છે અને તેને દુર કરવા હું એકલો શું કરી શકીશ તે વિચારથી જ અનેક વ્યકિતઓ પીછેહઠ કરીને સમસ્યાને વધુ વિકરાળ બનાવે છે. રામસેતુના નિમાર્ણમાં એક ‘ખિસકોલી’ એ પણ પોતાનું યોગદાન આપીને બધા માટે નાનું તો નાનું પણ યોગદાન આપવું જોઇએ તેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ જ પથ પર કચ્છમાં ૬૦ બહેનો કામ કરી રહી છે. કચ્છના પર્યાવરણને પોલિથીન બેગના દૂષણથી મુકત કરવા માટે વરસાદના ટીપા સ્વરૂપે નાના પાયે એકત્ર થઇ કામગીરી પ્રારંભ કરનાર આ મહિલાઓ આજે નદીનો પ્રવાહ બનીને વહી રહી છે. વેસ્ટ પોલિથીનને લોકઉપયોગી ચીજવસ્તુનું નવું સ્વરૂપ આપીને કચ્છના પર્યાવરણને બચાવવા આ મહિલાઓ ખંતથી કાર્ય કરી રહી છે.
હા,વાત કરી રહ્યા છીએ અવધનગરના કુળદેવી કૃપા સખી મંડળની મહિલાઓ તથા તેના સાથે કચ્છના ગામે ગામેથી જોડાયેલી મહિલાઓની જે ઘરે ઘરે જઇને વેસ્ટ પોલિથીન એકત્ર કરીને તેમાંથી વણાટકામની કલા મારફતે અવનવી ચીજો બનાવી આજે સ્વરોજગારી તો મેળવી રહી છે સાથે પર્યાવરણને બચાવી રહી છે. ગર્વની બાબત એ છે કે, આ ઝૂંબેશમાં રોજ વધુને વધુ મહિલાઓ જોડાતી જઇ રહી છે.
ભુજ તાલુકાના અવધનગરમાં ગામે ગામેથી મુખ્યત્વે પોલિથીન એકત્ર કરીને તેમાંથી વસ્તુઓ બનાવવાની કામગીરી થાય છે. આ અંગે કુળદેવી કૃપા સખી મંડળના પ્રમુખ રાજીબેન વણકર કે જેઓ આ કામગીરીના જનેતા છે તેઓ જણાવે છે કે, તેની સાથે કચ્છના અનેક ગામની મહિલાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાઇ છે. જેમાં પ્રત્યક્ષ રીતે ૬૦ મહિલાઓ છે જેમાંથી ૫૦ જેટલી મહિલાઓ પોલિથીન ગામડાઓમાંથી એકત્ર કરીને તેને ધોઇને, કટીંગ કરીને અવધનગર પ્લાસ્ટીક વણાટકેન્દ્ર સુધી પહોંચાડવાનું કામ કરે છે. એક કિલો પ્લાસ્ટીક કાપવાના રૂ. ૧૨૦ લેખે મજૂરી બહેનોને ચૂકવાય છે. ઉપરાંત શાળાઓમાંથી અને પ્લાસ્ટિક વીણતા બહેનો પાસેથી પ્રતિ કિલો રૂ.૧૫ના હિસાબે પોલિથીન એકઠું કરવામાં આવે છે. જયારે બાકીની બહેનો ૧૩ વણાટ મશીન પર વણાટકામ કરી કાપડ બનાવવાનું કામ કરે છે. જેમાંથી હાલ પર્સ, થેલા, હેન્ડ પર્સ, વોલેટ, ચશ્માના કવર, ટ્રે, ફોલ્ડર, તાલ મેટ, લેપટોપ બેગ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે. દરેક બહેનને તેના કામ મુજબ મહેનતાણું આપવામાં આવે છે.
તેઓ જણાવે છે કે, નાનપણથી તેઓને વણાટકામ આવડતું હતું. પતિના મૃત્યુ બાદ ૩ બાળકોના ઉછેરની જવાબદારી આવતા મજૂરી કામ શરૂ કર્યું . થોડા સમય બાદ એક સંસ્થામાં વણાટ કામગીરીમાં તેઓ જોડાયા જયાં સંસ્થાની મુલાકાતે આવેલ ફ્રેન્ચ ડિઝાઇનર મહિલા પાસે ગામમાં ઉડતા નકામા પ્લાસ્ટીકમાંથી વણાટ કરીને કંઇ કરવાની પ્રેરણા તથા તાલીમ મળી. બસ ત્યારથી તેઓને નવતર વિચાર સ્ફૂર્યો અને કચ્છના દરેક ગામના પાદરને પ્લાસ્ટીકમુકત કરવા તેઓએ બીડું ઝડપીને ગામે ગામેની મહિલાઓને પોતાની સાથે જોડી. આજે તેઓએ અનેક બહેનોને વણાટકામ શીખવીને સ્વનિર્ભર બનાવી પોતાની સાથે જોડી છે અને હજુપણ આ પ્રયાસો જારી છે. તેઓની પ્લાસ્ટિકને રીસાઇકલ નહીં પરતું અપસાઇકલ કરવાની ઝુંબેશથી અનેક મહિલાઓના ઘર ચાલી રહ્યા છે. તેઓ ખરાઅર્થમાં વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અભિયાનને આત્મસાત કરી રહ્યા છે.
અત્યારસુધી તેઓનું સખીમંડળ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા યોજાતા પ્રદર્શની મેળામાં ભાગ લઇને પોતાની કળાના કામળ દેશ-વિદેશના કલારસીકો તથા પર્યાવરણ પ્રેમીઓ સુધી પહોંચાડી ચુકયા છે. આજે તેઓ પોતાના નામથી એક અલગ બ્રાન્ડ શરૂ કરીને વસ્તુઓનું વેચાણ કરે છે. જેમાં તેઓને ભારતના વિવિધ રાજયો અને વિદેશથી પણ ઓર્ડર મળે છે.
તેઓ સરકારશ્રીનો આભાર માનતા જણાવે છે કે, સરકાર દ્વારા આર્થિક તથા માર્કેટીંગ સહિતની જે સહાય આપવામાં આવે છે તેના કારણે મહિલાઓને સ્વનિર્ભર બનવા સ્વબળ મળે છે. બાયોડીગ્રેડેબલ અને પ્લાસ્ટીક વેસ્ટના ક્ષેત્રે રાજીબેનની કામગીરીની કદરરૂપે તાજેતરમાં જ તેઓને દિલ્લી ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.