શિક્ષા

PM SHRI મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. 272, સુરત ખાતે ‘જીવન કૌશલ્યમેળા’નું ભવ્ય અને સફળ આયોજન

PM SHRI મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. 272, સુરત ખાતે ‘જીવન કૌશલ્યમેળા’નું ભવ્ય અને સફળ આયોજન
600થી વધારે વિદ્યાર્થીઓએ રોજિંદા જીવનમાં ઉપયોગી કૌશલ્ય વિશે પ્રત્યક્ષ શિક્ષણ મેળવ્યું
સુરત: PM SHRI મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક 272, નાના વરાછા, સુરત ખાતે તારીખ 8 ઓગસ્ટ 2026, શનિવારના રોજ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ “જીવન કૌશલ્યમેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ નાનપણથી જ વ્યવહારિક જીવનમાં ઉપયોગી કૌશલ્યો પ્રાપ્ત કરે અને સ્વાવલંબી બને તેવા શુભ આશયથી આ કાર્યક્રમ યોજાયો હતો.
જીવન કૌશલ્ય મેળામાં શાળાના અનુભવી શિક્ષકો દ્વારા રોજિંદા જીવનમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોનું લાઈવ પ્રદર્શન અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. શ્રીમતી રૂપાબહેન દ્વારા વિદ્યાર્થીઓને પેપર ક્રાફ્ટની સમજ આપીને સુંદર ત્રિરંગી ટોપી બનાવી દર્શાવવામાં આવી હતી. શ્રીમતી રેખાબહેન વસોયા અને શ્રીમતી નયનાબહેન લાઠિયા દ્વારા જ્યુસર મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તથા તેમાં રાખવાની સાવચેતીઓ (‘શું કરવું અને શું ન કરવું’) અંગે લાઇવ ડેમો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શ્રીમતી હર્ષાબહેન ભીમાણીએ ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનો ઉપયોગ અને ઇલેક્ટ્રોનિક સાધનો વાપરતી વખતે રાખવાની સાવચેતીઓ વિશે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી, જેમાં એક વિદ્યાર્થીએ સ્વયં ઇસ્ત્રી કરીને બતાવી હતી. આ સાથે જ શ્રીમતી હર્ષાબેન પોપટ દ્વારા કપડાંની સરખી ઘડી કેવી રીતે કરવી તેની રીત શીખવવામાં આવી હતી. શ્રીમતી સંગીતાબહેન પટેલ દ્વારા બાળકોને શર્ટમાં બટન ટાંકવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી, જેમાં બાળકોએ જાતે સોય-દોરાથી બટન ટાંકીને કૌશલ્ય મેળવ્યું હતું. શ્રી હરસુખભાઈ રામોલિયા અને શ્રી ગીરીશભાઈ ગોધાણી દ્વારા ડ્રિલ મશીનના વિવિધ પ્રકારો, તેનો સુરક્ષિત ઉપયોગ અને લાઈવ ડેમો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અચાનક આગ લાગે ત્યારે કઈ સાવચેતી રાખવી તે માટે મોકડ્રિલ યોજવામાં આવી હતી. શ્રી નિલેશભાઈ સંઘાણી અને શ્રી ચમનભાઈ ચોપડા દ્વારા પાનું, આરી, પક્કડ, ત્રિકમ, કોદાળી અને પાવડો જેવાં સાધનોનો યોગ્ય ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તેની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી.
શાળાના આચાર્યશ્રી મિતેશભાઈ પ્રજાપતિના કુશળ માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો. આચાર્યશ્રીએ બાળકો સાથે જીવન કૌશલ્યો દ્વારા આજીવિકા અને કમાણી કેવી રીતે કરી શકાય તેની રસપ્રદ ચર્ચા કરી હતી તેમજ આગામી સમયમાં “નોન-ફાયર કુકિંગ સ્પર્ધા” યોજવાની ઉત્સાહવર્ધક જાહેરાત કરી હતી. કાર્યક્રમનો અંતિમ સારાંશ પણ વિદ્યાર્થીઓ દ્વારા જ રજૂ કરવામાં આવ્યો હતો.
સમગ્ર આયોજન દરમિયાન વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનું કાર્ય શ્રી રાજેશકુમાર ધામેલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ધોરણ 6 થી 8 ના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button