વિટામીન બી અને સી થી ભરપુર બાગાયત ખાતાની સરગવાની સિંગની ખેતીમાં સહાયનો લાભ લેવા અનુરોધ
વિટામીન બી અને સી થી ભરપુર બાગાયત ખાતાની સરગવાની સિંગની ખેતીમાં સહાયનો લાભ લેવા અનુરોધ
સરગવાની સિંગોમાં કાર્બોહાઈડ્રેટસ ૩.૭ %, પ્રોટીન ૨.૫% તેમજ વિપુલ પ્રમાણમાં ખનીજ તત્વો રહેલા છેઃ ડો.એમ.એમ.વહોરા
ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.૩૧.૦૫.૨૦૨૩ સુધી ખુલ્લુ મુકાયું
વલસાડ : માનવ આહારમાં શાકભાજીની અગત્યતા શરીરની સૌમ્યતા જાળવવાની સાથે સાથે આયુવૈદીક દ્રષ્ટીએ પણ ખૂબ જ અગત્યની હોવાથી શાકભાજી પાકોનું મહત્વ વધી રહ્યું છે. બાગાયતી ખેતીની ઉજળી તકોને કારણે શાકભાજી પાકો અને ફળપાકોની ખેતી હેઠળ દિવસે દિવસે વિસ્તાર વધી છે. શાકભાજીમાં સરગવાની સિંગ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સરગવાની સિંગોમાં વિટામીન “બી” અને “સી” ભરપુર પ્રમાણમાં હોય છે. સરગવાની સિંગોમાં કાર્બોહાઈડ્રેટસ ૩.૭ %, પ્રોટીન ૨.૫% તેમજ વિપુલ પ્રમાણમાં ખનીજ તત્વો રહેલા છે. આ ઉપરાંત મૂળ, ફૂલ અને છાલમાં પણ ઔષધીય ગુણ સમાયેલા છે. વિશેષમાં સરગવાની સિંગના માવામાં દીપન ગુણને કારણે મંદાગ્નીમાં, સંધિવા, શરીરનું અકડાઈ જવુ, પક્ષાઘાત, અનામત, સોજા, પથરી તેમજ ચામડી રોગોમાં રાહત આપે છે. હેડકી અને શ્વાસની બિમારીમાં પણ સરગવાના પાનનો રસ રાહત આપે છે. આમ સરગવો એ શાક્ભાજી તરીકે ખૂબજ ઉપયોગી સાબિત થયો છે. સરગવાની સિગનું શાક તથા કઢી, પાન અને ફૂલની ભાજી રૂપે, મૂળ અથાણા રૂપે, રસમ, દાળ વગેરેમાં વપરાય છે એમ વલસાડ જિલ્લાના મદદનીશ બાગાયત નિયામક ડો.એ.એમ.વહોરાએ જણાવ્યું છે.
બાગાયત વિભાગ, ગુજરાત રાજય દ્વારા સરગવાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે “સરગવાની ખેતીમાં સહાય” યોજના કાર્યરત છે. આ યોજનાના ધારાધોરણો મુજબ (૧) પ્લાંન્ટીગ મટીરીયલ ખરીદીમાં રૂ.૮૦૦૦/- યુનીટ કોસ્ટ સામે સામાન્ય જાતિના ખેડુતને રૂ.૪૦૦૦/ હેકટર અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને રૂ. ૬૦૦૦ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે (૨) સરગવાની ખેતી ખર્ચ માટે સહાય ઘટક મુજબ રૂ.૧૭૦૦૦ યુનીટ કોસ્ટ સામે સામાન્ય જાતિના ખેડુતને રૂ.૮૫૦૦ હેકટર અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિ જનજાતિના ખેડૂતને રૂ.૧૨૭૫૦ હેકટરની મર્યાદામાં સહાય આપવામા આવશે.
બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.૩૧.૦૫.૨૦૨૩ સુધી સરકારશ્રી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવેલ છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓન લાઈન કરેલ અરજીની પ્રિંટ નકલ જરૂરી સાધનીક કાગળો જેવા કે ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ,પહેલો માળ, એચ.ડી.એફ.સી.વલસાડ બેંક શાખાની સામે, તિથલ રોડ,વલસાડ-૩૯૬૦૦ ટેલીફોન નંબર-૦૨૬૩૨-૨૪૩૧૮૩ ખાતે જમા કરાવવાની રહેશે એમ નાયબ બાગાયત નિયામકશ્રી, વલસાડ કચેરીની અખબાર યાદીમાં જણાવેલ છે.