ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર, વલસાડ જિલ્લાનું પરિણામ ૪૬.૯૨ ટકા આવ્યું
ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર, વલસાડ જિલ્લાનું પરિણામ ૪૬.૯૨ ટકા આવ્યું
કુલ ૪૪૨૬માંથી ૪૪૧૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨૦૭૩ વિદ્યાર્થીઓ પાસ થયા
એ ૧ ગ્રેડમાં એક માત્ર વિદ્યાર્થી જ્યારે એ ૨ ગ્રેડમાં ૨૩ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું
જિલ્લાના મુખ્ય પાંચ કેન્દ્રો પૈકી વલસાડ કેન્દ્રએ ૫૪.૬૭ ટકા સાથે જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો
વલસાડ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૩માં લેવાયેલી ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે તા. ૨ મે ૨૦૨૩ના રોજ જાહેર થતા રાજ્યનું કુલ પરિણામ ૬૫.૫૮ ટકા આવ્યું છે. જ્યારે વલસાડ જિલ્લાનું કુલ પરિણામ ૪૬.૯૨ ટકા આવ્યુ છે. જિલ્લાના ૨૪ પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાયેલી પરીક્ષામાં કુલ ૪૪૨૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૪૪૧૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૨૦૭૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ૨૩૫૩ વિદ્યાર્થીઓને સુધારાની જરૂર (Needs Improvement) છે.
ગાંધીનગર બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સનું પરિણામ સવારે જાહેર કરાયા બાદ વલસાડ જિલ્લામાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં એ ૧ ગ્રેડ (૯૧-૧૦૦ ટકા) માં એક માત્ર વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું હતું. જ્યારે એ ૨ ગ્રેડ (૮૧-૯૦ ટકા) માં ૨૩, બી ૧ ગ્રેડ (૭૧-૮૦ ટકા) માં ૧૦૬, બી ૨ ગ્રેડ (૬૧-૭૦ ટકા) માં ૨૨૨, સી ૧ ગ્રેડ(૫૧-૬૦ ટકા) માં ૪૯૪, સી ૨ ગ્રેડ (૪૧-૫૦ ટકા)માં ૮૭૪, ડી ગ્રેડ (૩૩-૪૦ ટકા) માં ૩૪૯, ઈ ૧ ગ્રેડ (૨૧-૩૨ ટકા) માં ૪ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું. જ્યારે ૨૩૫૩ વિદ્યાર્થીઓને પરિણામમાં સુધારાની જરૂર (Needs Improvement) વાળા વિદ્યાર્થીઓની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લાના મુખ્ય ૫ કેન્દ્રોના પરિણામની વાત કરીએ તો ૫૪.૬૭ ટકા સાથે વલસાડ કેન્દ્ર પ્રથમ ક્રમે આવ્યું છે. જેમાં કુલ ૧૦૪૧ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાંથી ૧૦૩૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૫૬૮ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. જ્યારે ૪૭૩ વિદ્યાર્થીઓમાં સુધારાની જરૂર છે. ૪૫.૫૯ ટકા સાથે બીજા ક્રમે વાપી કેન્દ્ર આવ્યું છે. જેમાં ૧૩૮૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જ્યારે ૧૩૮૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૬૩૧ વિદ્યાર્થી પાસ થયા જ્યારે ૭૫૬ને સુધારાની જરૂર છે. ૪૫.૦૬ ટકા સાથે ધરમપુર કેન્દ્ર ત્રીજા ક્રમે આવ્યું છે. આ કેન્દ્ર પર કુલ ૯૨૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૯૨૧ એ પરીક્ષા આપી હતી. જેમાંથી ૪૧૫ પાસ થયા છે જયારે ૫૦૭ને સુધારાની જરૂર છે. ડુંગરી કેન્દ્રએ ૪૪.૮૪ ટકા સાથે ચોથો ક્રમ મેળવ્યો હતો. આ કેન્દ્ર પર કુલ ૪૪૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૪૪૬એ પરીક્ષા આપી હતી. જેમાંથી ૨૦૦ પાસ થયા જ્યારે ૨૪૮ વિદ્યાર્થીને સુધારાની જરૂર છે. જ્યારે પારડી કેન્દ્ર ૪૧.૨૪ ટકા સાથે જિલ્લામાં સૌથી પાછળ રહ્યું છે. આ કેન્દ્ર પર ૬૨૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે તમામે પરીક્ષા આપી હતી. જેમાંથી ૨૫૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્યારે ૩૬૯ને સુધારાની જરૂર છે. આમ પાંચેય કેન્દ્ર મળીને વલસાડ જિલ્લાનું કુલ પરિણામ ૪૬.૯૨ ટકા નોંધાયું છે.
શિક્ષક દંપતિના પુત્રએ જિલ્લામાં એ ૧ ગ્રેડમાં એક માત્ર સ્થાન મેળવ્યું
વલસાડ જિલ્લામાં એ ૧ ગ્રેડમાં સ્થાન મેળવનાર એક માત્ર વિદ્યાર્થી ઉત્સવ ધર્મેશકુમાર સોલંકી વલસાડ તાલુકાની સેગવી ગામની સર્વોદય હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે. જે મૂળ વાંકલના ગામના વતની છે પરંતુ હાલમાં વલસાડ શહેરના તિથલ રોડ પર અનુપમ એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહે છે. પિતા ધર્મેશકુમાર અમૃતસિંહ સોલંકી ધરમપુર તાલુકાના કરંજવેરી ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં આચાર્ય છે જ્યારે માતા ભાવિનીબેન નવસારી જિલ્લા પંચાયત સંચાલિત જુની ભૈરવી પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. શિક્ષક દંપતિના પુત્રએ ધો. ૧૨ સાયન્સની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યુ છે. જે બદલ શાળાના આચાર્ય રવિન્દ્રભાઈ પટેલ અને પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા.
ઉત્સવ સોલંકીએ ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ અને કેમેસ્ટ્રીમાં ૯૬ માર્ક મેળવ્યા
એ-૧ ગ્રેડમાં જિલ્લામાં એક માત્ર સ્થાન મેળવનાર ઉત્સવ સોલંકીની માર્કશીટ પર એક નજર કરીએ તો ઈંગ્લિશમાં ૧૦૦માંથી ૮૪, ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦, કેમેસ્ટ્રીમાં ૧૦૦માંથી ૯૬, કેમેસ્ટ્રી પ્રેક્ટીકલમાં ૫૦માંથી ૪૨, ફિઝિક્સમાં ૧૦૦માંથી ૮૮, ફિઝિક્સ પ્રેકટિકલમાં ૫૦માંથી ૪૮, કમ્પ્યુટરમાં ૧૦૦માંથી ૯૦ અને કમ્પ્યુટર પ્રેક્ટિકલમાં ૫૦માંથી ૫૦ માર્ક મેળવ્યા છે. આમ ઉત્સવે કુલ ૬૫૦માંથી ૫૯૮ માર્ક સાથે ૯૨ ટકા મેળવ્યા છે.જ્યારે ઓવરઓલ પર્સન્ટાઈલ રેંક ૯૯.૯૫ ટકા મેળવ્યા છે.
મોબાઈલના ઉપયોગનું ઉત્તમ દ્રષ્ટાંત ઉત્સવે આપ્યું
વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મોબાઈલ ફોન દિનપ્રતિ દિન ખતરારૂપ બની રહ્યો છે. પરંતુ આ જ મોબાઈલનો સમજણપૂર્વક સદઉપયોગ ઉપયોગ કરવામાં આવે તો મોબાઈલ આશીર્વાદરૂપ પણ બની શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં જિલ્લામાં એ ૧ ગ્રેડમાં એક માત્ર સ્થાન મેળવનાર વિદ્યાર્થી ઉત્સવ સોલંકીએ પુરૂ પાડ્યું છે. પોતાની સફળતા અંગે ઉત્સવ કહે છે કે, મોબાઈલના ઉપયોગ વડે જ વિવિધ વિષયના તજજ્ઞ શિક્ષકોના વીડિયો નેટ પરથી જોઈને અભ્યાસ કર્યો હતો અને શાળામાં એનસીઈઆરટીના પુસ્તકોનું વાંચન તેમજ શાળાના શિક્ષકોના માર્ગદર્શન થકી આ ઝળહળતી સફળતા મેળવી છે. આખો દિવસ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ ઘરે આવી મોબાઈલ પર એપ્લિકેશન વડે રોજના ૩ થી ૪ કલાક અભ્યાસ કરતો હતો. માઈન્ડ ફ્રેશ કરવા માટે જમતી વેળા માત્ર ૨૦ મીનિટ ટીવી જોતો હોવાનું ઉત્સવે ઉમેર્યુ હતું.
ઉત્સવે આઈઆઈટીમાં એડમિશન માટેનું સપનુ સાકાર કરવા જેઈઈ એડવાન્સની તૈયારી પણ શરૂ કરી
પિતા ધર્મેશ સોલંકીએ જણાવ્યું કે, ઉત્સવ ધો.૧માં ભણતો ત્યારથી પરીક્ષા આપીને ઘરે આવે ત્યારે કેટલા ટકા આવશે તે કહી દેતો હતો અને તે મુજબ જ રિઝલ્ટ આવતુ હતું. આ વખતે પણ ધો. ૧૨ સાયન્સની પરીક્ષા આપીને ઘરે આવ્યા બાદ નોટબુકમાં લખ્યુ હતું કે, મેથ્સમાં ૧૦૦માંથી ૧૦૦ ટકા આવશે અને તે મુજબ જ માર્ક આવ્યા છે. ધો. ૧૦માં ૯૮.૮૩ ટકા મેળવ્યા હતા. જેઈઈની પરીક્ષા પ્રથમ વાર ૯૭.૨૭ ટકા સાથે અને બીજી વાર ૯૭.૪૨ ટકા સાથે પાસ કરી છે. આઈઆઈટીમાં કમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ માટે ઉત્સવ હાલમાં જેઈઈ એડવાન્સની તૈયારી કરી રહ્યો છે. તેનું નાનપણથી આઈઆઈટીમાં એડમિશન માટેનું સપનુ હતુ. જેને સાર્થક કરવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યો છે. મોટી દીકરી હેત્વીએ નડિયાદની ડી.ડી.યુ. કોલેજમાંથી આઈટી એન્જિનિયરની ડિગ્રી મેળવી હાલમાં ઈન્ટર્નશીપ કરી રહી છે.