માઉન્ટ આબુનાં શ્રી સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનીરિંગ ખાતે ખડક ચઢાણ તાલીમ કાર્યક્રમ યોજાયો
માઉન્ટ આબુનાં શ્રી સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનીરિંગ ખાતે ખડક ચઢાણ તાલીમ કાર્યક્રમ યોજાયો
(વાપી તાલુકાની દેગામ મુખ્ય પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલ તથા કપરાડા તાલુકાની ગવાંટકા પ્રાથમિક શાળાનાં શિક્ષક વિમલ ટંડેલ આ તાલીમમાં જોડાઈને બાળકો માટે પ્રેરણારૂપ બન્યાં)
શ્રી સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનીરિંગ, માઉન્ટ આબુ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ખડક ચઢાણ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તારીખ ૧૮/૫/૨૩ થી ૨૭/૫/૨૩ દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં ૮૫ જેટલાં યુવાઓ નિષ્ણાંત કોચ મિત્રો દ્વારા તાલીમબદ્ધ થયાં હતાં. ૧૦ દિવસીય તાલીમ દરમિયાન પ્રતિદિન નિયત સમયપત્રક મુજબ સવારનાં ચાર કલાકથી રાત્રિનાં દસ કલાક સુધી રોક કલાઈમ્બિંગ, રેપ્લીંગ, થીયોરિતિકલ ક્લાસીસ, પર્વતારોહણમાં ઉપયોગી સાધનોની જાણકારી તબક્કાવાર આપવામાં આવી હતી. ઉપરાંત ખડક ચઢાણ સ્પર્ધાનાં આયોજન સાથે બેઝિક પર્વતારોહણનું પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાપી તાલુકાની દેગામ મુખ્ય પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલ તથા કપરાડા તાલુકાની ગવાંટકા પ્રાથમિક શાળાનાં શિક્ષક વિમલ ટંડેલે આ કાર્યશાળામાં ભાગ લઈ રાષ્ટ્રીય કક્ષાની તાલીમમાં A ગ્રેડ પ્રાપ્ત કરવાની સિદ્ધિ હાંસલ કરેલ છે. વેકેશનનો સદુપયોગ કરી શાળાનાં બાળકોને સાહસિકતા તરફ આગળ ધપાવવાનો પ્રેરણાદાયી અભિગમ દાખવનારા આ ગુરુજનોનાં સંનિષ્ઠ પ્રયાસને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ બિરદાવી સહર્ષ અભિનંદન પાઠવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્સાહી શિક્ષક અશ્વિન ટંડેલે ગત ડીસેમ્બર માસમાં એમની શાળાનાં ૨૪ બાળકોને જૂનાગઢ ખાતે આવી નિઃશુલ્ક તાલીમથી લાભાન્વિત કર્યાં હતાં.
આ તાલીમ કાર્યક્રમ સંદર્ભે વધુ માહિતી આપતાં અશ્વિન ટંડેલે જણાવ્યું હતું કે બાળકો સહિત યુવા વર્ગ સાહસિક પ્રવૃત્તિઓ તરફ પ્રેરાય અને ભાવિ ભારત સશક્ત નાગરિકોથી સમૃદ્ધ બને એવાં શુભ સંકલ્પ અને શુભેચ્છાઓ સાથે સમાપન સમારોહમાં તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. આ તકે સૌએ આગામી કેમ્પમાં એડવાન્સ તાલીમ લેવાની બાંહેધરી આપી હતી.