અડાજણમાં પોલા પડેલા રસ્તામાં રેતી ભરેલા ડમ્પરનું પેંડુ ફસાયું
સુરત શહેરમાં સામાન્ય વરસાદ પડતાં સરકારી તંત્રની પોલ ઉઘાડી પડી

Surat News: સુરત પાલિકાના પ્રિમોન્સુન કામગીરી સામે વરસાદ શરુ થતાની સાથે જ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. શહેરમાં સામાન્ય કહેવાતા વરસાદમાં પણ અનેક જગ્યાએ રસ્તા પોલા થવા કે ભુવા પડવાના બનાવ શરૂ થઈ ગયાં છે. આજે સવારે શહેરના ગુજરાત ગેસ સર્કલ નજીક રોડમાં બિલ્ડીંગ મટીરીયલ્સ ભરેલી ટ્રકનું એક પૈડું ખુપી ગયું હતું. મુખ્ય રોડની બાજુમાં ટ્રક ફસાઈ છે તેમાંથી મટીરીયલ્સ બહાર કાઢવાનું કામ શરૂ થયું છે. તેનાથી ટ્રાફિકની સમસ્યા પર પણ અસર થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરતમાં હજી માંડ વરસાદ શરૂ થયો છે અને આ વરસાદના કારણે સુરતીઓને ગરમીમાંથી રાહત મળે તે પહેલાં સુરતીઓના માથે વધુ એક આફત આવી રહી છે. સુરત પાલિકાની નબળી પ્રિમોન્સુન કામગીરીના કારણે અનેક જગ્યાએ પાણીના ભરાવા સાથે સાથે રોડ બેસી જવાની ઘટના પણ બની રહી છે. બે દિવસ પહેલા શહેરના અઠવા ઝોનમાં રસ્તાની વચ્ચે મોટો ભુવો પડ્યો હતો તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ હતી.