નવી સિવિલ હોસ્પિટલમાં માતાપિતાથી વિખૂટી પડી ગયેલી બાળકીના માતાપિતાને શોધીને સહીસલામત સુપ્રત કરતા સિક્યુરીટી કર્મચારીઓ

Surat News: શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલમાં માતાપિતાથી વિખૂટી પડી ગયેલી 4 વર્ષની બાળકીના માતાપિતાને શોધીને સિક્યુરીટી ગાર્ડે સહીસલામત રીતે બાળકી સુપ્રત કરી હતી અને નિષ્ઠાયુક્ત ફરજનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સાંજે 5 વાગ્યાના સુમારે, આશરે 4 વર્ષની બાળકી ઓ.પી.ડી. પેસેજના દાદર પર બેસી રડી રહી હતી. તેની સાથે કોઇ વ્યક્તિ ન હતો. સિક્યુરીટી ગાર્ડની નજર બાળકી પર પડતાં, તેમણે તરત જ બાળકીને સિક્યુરીટી ઓફિસમાં લઈ ગયા. ત્યાં હોસ્પિટલના સિક્યુરીટી ઓફિસરે બાળકીને પ્રેમથી સમજાવીને તેનું અને તેના માતા-પિતાનું નામ પૂછતાં, બાળકીએ પોતાનું નામ શાલિની અને માતાનું નામ વનિતા તથા પિતાનું નામ પ્રશાંત સ્વૈન જણાવ્યુ હતું.
સિક્યુરીટી ઓફિસરે દર 10 મિનિટે માઇક ઉપર એનાઉન્સમેન્ટ કર્યું અને સિક્યુરીટી વોટ્સએપ ગ્રુપમાં બાળકીનો ફોટો મૂકી તેના માતા-પિતાની શોધખોળ શરૂ કરી. સાંજે 6:10 વાગ્યે બાળકીના માતા-પિતા મળી આવતાં, બાળકી સાથે તેમનું સુખદ પુન:મિલન થયું.
સિક્યુરીટી ગાર્ડ કર્મચારીઓએ સમયસુચકતા અને જવાબદારીપૂર્વક કામગીરી દર્શાવી પ્રશંશનીય કાર્ય કર્યું.