કૃષિ

ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ (લૂ) સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી

ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ (લૂ) સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી

ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા હીટવેવ (લૂ) સામે સાવચેતી રાખવા માટે એડવાઈઝરી જાહેર કરી

મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને યોગ્ય કાળજી લેવા અનુરોધ કરાયો

ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય કાળજી લેવા અનુરોધ કરાયો છે.

આ એડવાઈઝરીમાં જણાવાયું છે કે, હીટવેવ દરમિયાન ખેતરમાં ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. મગફળી, મગ, અડદ, બાજરી, જુવાર, તલ વગેરે પાકમા વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું. ખેતરની જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવાં માટે પાકનાં અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું. પિયત માટે બની શકે તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો. પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું. બપોરના કલાકો દરમ્યાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી. શાકભાજી અને બાગાયતી પાકોને શણના કંતાનથી અથવા જુવાર-બાજરી જેવા પાકોની કડબની આડશ કરવી.

વધુમાં જણાવાયું છે કે, વાવણી કરેલ પાકોમાં આંતરખેડ તથા નિંદામણ કરવુ, આગામી દિવસોમાં દિવસના તાપમાનમાં સામાન્ય વધારો થવાની સંભાવના હોઈ તથા જમીનના પ્રત ધ્યાનમાં લઈ જરૂરીયાત મુજબ પિયત આપવુ. રોગ કે જિવાતનો ઉપદ્રવ જણાય તો, ખુલ્લા હવામાન દરમ્યાન ભલામણ મુજબના પાક સંરક્ષણના પગલા લેવા. તાપમાનમાં વધારો થવાથી ભીંડામાં પાન કથિરીના નિયંત્રણ માટે ફેનાઝાક્વીન ૧૦ ઇસી ૧૦ મિલી અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસ.સી. ૮ મિલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવીને પાક પર હવામાન ચોખ્ખુ હોય ત્યારે છંટકાવ કરવો.

આ ઉપરાંત તાપમાનમાં વધારો થવાથી રીંગણમાં પાન કથિરીના નિયંત્રણ માટે પ્રોપાર્ગાઇટ ૫૭ ઇસી ૨૦ મિલી અથવા ફેનાઝાક્વીન ૧૦ ઇસી ૧૦ મિલી અથવા ઇટોક્ષા સોઝેલ ૧૦ એસ સી ૮ મિલી અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસ.સી. ૮ મિલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવીને પાક પર હવામાન ચોખ્ખુ હોય ત્યારે છંટકાવ કરવો. કેળા, દાડમ, લીંબુ, આંબાના બગીચામા યોગ્ય ભેજ જાળવવા તથા તાપની અસર ના થાય તે માટે સાંજ અથવા સવારના સમયે ટૂંકા અંતરે હળવું પિયત આપવું તથા પાક અવશેષોનું આવરણ કરવુ, તેમ વધુમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button