શિક્ષાસ્પોર્ટ્સ

ઓલપાડ તાલુકાની અસનાડ પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો ગ્રામ્ય કલા મહોત્સવ રંગેચંગે ઉજવાયો

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત પ્રેરિત તાલુકા પંચાયત, ઓલપાડ તથા બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજિત ગ્રામ્ય કલા મહોત્સવ-૨૦૨૩ નું ભવ્ય આયોજન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત અસનાડ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. કલા, સાહિત્ય અને સંસ્કૃતિ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતાં બાળકોની સુષુપ્ત શક્તિઓને ખીલવવા તેમજ ગ્રામ્ય કલા વારસાને જીવંત રાખવાનાં શુભ હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતનાં પ્રમુખ અમિતભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ કિશોરભાઇ રાઠોડ, તાલુકા પંચાયતનાં સદસ્ય જિજ્ઞેશભાઇ પટેલ, ગામનાં સરપંચ શ્રીમતી રાધાબેન રાઠોડ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા હોદ્દેદારો, લુના કેમિકલનાં મેનેજર એ.કે.સિંઘ ઉપરાંત મોટી સંખ્યામાં સ્પર્ધક બાળકો, સારસ્વતમિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.
મહાનુભવોએ દીપ પ્રજવલન કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. સ્થાનિક શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કર્યા હતાં. શાળાનાં આચાર્ય નિલેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતાં. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલે કાર્યક્રમનો ચિતાર રજૂ કરી સૌ સ્પર્ધક બાળકોને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતનાં પ્રમુખ અમિતભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે સાંસ્કૃતિક કલા વારસો તેમજ સંગીત અને સાહિત્ય એ આપણી ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ છે જે આવનારી પેઢીમાં પણ જીવંત રહે તે માટે આવા કાર્યક્રમો સાર્થક ગણાશે.
સદર કલા મહોત્સવમાં આદિવાસી નૃત્ય, પ્રાદેશિક લોકનૃત્ય, અભિનયગીત, દેશભક્તિગીત, લોકગીત, રાસ, ગરબા, નિબંધ લેખન, ચિત્રકલા, રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સ્ટેજ પર રજૂ થયેલ એક થી એક ચડિયાતી કૃતિઓ નિહાળી ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ થઇ હતી.
કાર્યક્રમનાં દ્વિતીય ચરણમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા સમગ્ર સ્પર્ધાનું પરિણામ ઘોષિત કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિજેતાઓને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે ટ્રોફી તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, શાસક પક્ષનાં નેતા વનરાજસિંહ બારડ, ઉપસરપંચ ચેતનભાઈ કંથારિયા, બીટ નિરીક્ષકો હર્ષદભાઇ ચૌહાણ તથા ભરતભાઈ ટેલર, ઓલપાડ તાલુકા ટીચર્સ સોસાયટીનાં સેક્રેટરી મહેશભાઈ પટેલ, શ્રીજી એકટીવીટી ગૃપનાં ડૉ. દિપકભાઇ શાહ તથા કલ્પેશભાઈ શાહ એસ.એમ.સી. અધ્યક્ષ ઇલાબેન પટેલ ઉપરાંત ગામનાં અગ્રણી મોહનભાઈ પટેલ, નર્મદાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફગણ, ઓલપાડનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર હર્ષદભાઈ ચૌહાણ, ગામનાં સરપંચ, ઉપસરપંચ, યુવાનો તથા અગ્રણી ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશભાઇ પટેલે સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ યજમાન શાળાનાં આચાર્ય તથા સ્ટાફગણ, સંઘનાં હોદ્દેદારો, ગામનાં સરપંચ, ઉપસરપંચ, યુવાનો, વડીલો, નિર્ણાયક મિત્રો ઉપરાંત માર્ગદર્શક શિક્ષકોની કામગીરીને બિરદાવી સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશભાઈ મહેતા તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ રાજેશભાઇ પટેલે ઉદઘોષક તરીકે ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button