ઈંગ્લેન્ડના દર્શકોએ વૉર્નર-ખ્વાજા સાથે ઝપાઝપી કરી બેફામ ગાળો ભાંડી
ઈંગ્લેન્ડના દર્શકોએ વૉર્નર-ખ્વાજા સાથે ઝપાઝપી કરી બેફામ ગાળો ભાંડી !
ઑસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટના પાંચમા દિવસે બનેલો બનાવ: જૉની બેરિસ્ટોના વિવાદિત રીતે સ્ટમ્પ આઉટ થયા બાદ દર્શકો ભડક્યા’ને ઑસ્ટ્રેલિયન ખેલાડીઓને ‘ચીટર’ કહેવા લાગ્યા: એમસીસીએ ત્રણ સભ્યો સસ્પેન્ડ
ધ એશેઝ-2023નો રોમાંચ તેના ચરમ પર છે. શ્રેણીની બીજી ટેસ્ટના પાંચમા દિવસે એક મોટો વિવાદ ઈંગ્લીશ બેટર જૉની બેરિસ્ટોના આઉટ થયા બાદ શરૂ થયો છે. બેરિસ્ટોના વિવાદિત રીતે રનઆઉટ થયા બાદ સ્ટેડિયમમાં હાજર ઈંગ્લેન્ડના દર્શકોએ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ ઉપર ‘બેઈમાની’નો આરોપ લગાવ્યો હતો.
લંચબ્રેક માટે જ્યારે ટીમના ખેલાડીઓ પેવેલિયન તરફ જઈ રહ્યા હતા ત્યારે પણ દર્શકોએ તેમને ‘ધોખેબાજ, ધોખેબાજ’ કહીને ચીડવ્યા હતા. ડ્રેસિંગ રૂમના રસ્તામાં ‘લોંગ રૂમ’માં એમસીસીના સભ્યોએ ઑસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વૉર્નર અને ઉસ્માન ખ્વાજા સાથે દુવ્યર્વહાર પણ કર્યો હતો જેના કારણે એમસીસીએ આકરી કાર્યવાહી કરતા ત્રણ સભ્યોને સસ્પેન્ડ કર્યા છે.
આ પછી મેરીલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ ઑસ્ટ્રેલિયન ટીમની માફી પણ માંગી હતી સાથે જ કહેવાયું કે ઑસ્ટ્રેલિયન ખેલાડીઓને ગાળો આપનારા તેમજ ઝપાઝપી કરનારા લોકોની તપાસ કરવાની ખાતરી પણ આપી હતી. એટલું જ નહીં ત્રણ સભ્યોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. વાત એમ છે કે બેરિસ્ટોએ કેમરુન ગ્રીનના બાઉન્સર બોલને વિકેટકિપર સુધી જવા દીધો હતો. આ પછી તે બોલને ડેડ થતા પહેલાં જ ક્રિઝમાંથી બહાર નીકળ્યો હતો અને બીજા છેડે ઉભેલા પોતાના સાથી પાસે જવા લાગ્યો ત્યારે જ વિકેટકિપર એલેક્સ કૈરીએ બોલને સ્ટમ્પ પર ફેંક્યો હતો.
આ જોઈને બેરિસ્ટો અવાચક થઈ ગયો હતો. આ અંગે થર્ડ અમ્પાયરે રિપ્લે જોયા બાદ તેને સ્ટમ્પ આઉટ જાહેર કર્યો હતો. બેરિસ્ટો નિરાશામાં પોતાનું માથું હલાવતાં પેવેલિયન તરફ નીકળ્યો હતો. કેપ્ટન સ્ટોક્સે આ નિર્ણય વિરુદ્ધ મેદાનના અમ્પાયરો પર ગુસ્સો પણ ઠાલવ્યો હતો. આ બધાની વચ્ચે લોર્ડસમાં હાજર દર્શકો ઑસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ ધોખેબાજ ધોખેબાજના સૂત્રો પોકારવા લાગ્યા હતા.
આ સમયે ઈંગ્લેન્ડનો સ્કોર છ વિકેટે 193 રન હતો. ટીમને જીત માટે વધુ 178 રનની જરૂર હતી પરંતુ આ સમયે 62 રને બેટિંગ કરી રહેલા સ્ટોક્સે ગ્રીન પર પોતાનો ગુસ્સો કાઢતા તેની ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકારી દીધા હતા. તેણે આ બોલરની આગલી ઓવરમાં ચોગ્ગો અને પછી હેટ્રિક છગ્ગો લગાવી પોતાની સદી પૂર્ણ કરી લીધી હતી. આ ઓવરમાં ઈંગ્લેન્ડે 24 રન લીધા હતા. સ્ટોક્સે 62 રનથી 100 રન સુધી પહોંચવા માટે માત્ર 16 બોલ લીધા હતા.