કૃષિ
રાજ્યપાલશ્રીએ ગાય આધારિત ખેતીના કાર્યોને બિરદાવ્યા
ભુજ, મંગળવાર: લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે દિશામાં સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા કાર્યરત છે. જળ સંરક્ષણ, વૃક્ષારોપણ, આપત્તિ સમયે બચાવ કામગીરી, લોક સ્વાસ્થ્ય જેવા માનવતાના કાર્યોમાં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રથમ હરોળમાં હોય છે એમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છ જિલ્લાના ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિર આયોજિત નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવ પ્રસંગે ગૌ-મહિમા કૃષિ સંમેલનમાં કહ્યું હતું. બદ્રિકાશ્રમ ખાતે રાજ્યપાલશ્રીએ સુંદર કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન આપ્યા હતા.
૨૦૦ વર્ષ પહેલાં માનવતાની સેવા કાજે સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ગૌ-માતા સંરક્ષણ અને સંવર્ધન સાથે ગાય આધારિત ખેતીનો વ્યાપ વધારવા સ્વામિનારાયણ સંપ્રદાય સતત માર્ગદર્શન અને સહયોગ આપે છે. લોકોની સેવા જ ઈશ્વરની પૂજા છે, એમ જણાવીને રાજ્યપાલશ્રીએ સંપ્રદાયની કામગીરી બિરદાવી હતી. ગૌ – મહિમા પ્રદર્શનને અદભુત ગણાવીને તેમણે જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ગાય પ્રત્યે શ્રદ્ધા પેદા કરનારું છે.
રાજ્યપાલશ્રીએ ધનનો ઉપયોગ પરોપકારમાં કરવો જોઈએ એવો અનુરોધ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના ભુજના માનવ કલ્યાણના સેવાના કાર્યોની પ્રસંશા કરી હતી. તેઓએ ઉમેર્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રેરણાથી લાખો ખેડૂતો મારફતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે ગાય આધારિત ખેતી કેવી રીતે કરી શકાય તેના વિશે વિસ્તૃત રીતે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. રાસાયણિક ખેતીથી જમીન બિન ઉપજાઉ બની રહી છે આથી ગાય આધારિત ખાતર કે છાણનો ઉપયોગ કરવા માટે તેઓએ અનુરોધ કર્યો હતો. રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળીએ તો પાક ઉત્પાદનમાં ઘટાડો આવે છે તે વાતને મિથ્યા ગણાવીને લાંબા ગાળે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે રાજ્યપાલશ્રીએ છણાવટ કરી હતી. સમગ્ર રાજ્યમાં ૧૦-૧૦ ગામના ક્લસ્ટર બનાવીને ગાય આધારિત ખેતીનો વ્યાપ વધારવા સંકલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે, તેના વિશે તેઓએ માહિતી આપી હતી.
સ્વામિનારાયણ મંદિર, ભુજ દ્વારા આયોજિત શ્રી નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવ નિમિત્તે અભિનંદન આપતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આ સુંદર આયોજનમાં અનુશાસન અને સંતોની હાજરીથી પ્રાચીન ભારતનું સ્વરૂપ ઊભું થયું છે.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ગાય આધારિત ખેતી ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા ખેડૂત શ્રી દિનેશભાઈ વેલાણીનું પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કર્યું હતું. પંચગવ્ય નિર્મિત ઔષધિઓની ભેટ ખેડૂતોને આપી હતી. રાજ્યપાલશ્રીએ ગૌ – મહિમા પ્રદર્શનની મુલાકાત લઈને ગાયની વિવિધ જાતો, દ્વિ-શતાબ્દી ગૌ-શાળા, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ફાર્મ, માંડવા પદ્ધતિ, બાગાયત ખેતી, ટપક પદ્ધતિ વગેરે વિભાગો વિષે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, ગૌ મહિમા દર્શન અંતગર્ત તૈયાર કરાયેલી ડોક્યુમેન્ટરીને નિહાળી હતી. પંચગવ્ય ચિકિત્સા અને ગોબરની વિવિધ બનાવટોના સ્ટોલની મુલાકાત લઈને રાજ્યપાલશ્રીએ જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ પ્રસંગે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ, શ્રી લાલજી મહારાજ, મહારાજ વ્રજેન્દ્રપ્રસાદજી, મહંત શ્રી ધર્મનંદનદાસજી, મહંત શ્રી જાદવજી ભગતજી, ઉપ મહંત શ્રી ભગવતજીવનદાસજી, સતગુરુ શ્રી હરિદાસજી, સ્વામી દેવચરણદાસજી, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલ, કચ્છ કલેકટર શ્રી અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિ, ભુજ પ્રાંત અધિકારી શ્રી મેહુલ બરાસરા, ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી વિવેક બારહટ, અગ્રણીઓ અને ગૌ-મહિમા પ્રદર્શની તૈયાર કરનાર મેઘજીભાઈ હિરાણી, સ્વામિનારાયણ મંદિરના સર્વે ટ્રસ્ટી મહોદયશ્રીઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહભાગી થયા હતા.
ગૌતમ પરમાર