રાજેશ ધામેલિયા લિખિત ‘ગૌરવવંતાં પથદર્શકો’ પુસ્તકનું વિમોચન અને સન્માન સમારોહ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો
*રાજેશ ધામેલિયા લિખિત ‘ગૌરવવંતાં પથદર્શકો’ પુસ્તકનું વિમોચન અને સન્માન સમારોહ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો*
*બીજાના ગુણને પોતાની કલમ દ્વારા કંડારવા એ ત્યાગની ભાવના છે. – શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા*
રાજેશ ધામેલિયા લિખિત ‘ગૌરવવંતાં પથદર્શકો’ પુસ્તકનું વિમોચન અને સન્માન સમારોહનું આયોજન જે.ડી.ગાબાણી હોલ, સૌરાષ્ટ્ર પટેલ ભવન, મિનિ બજાર,વરાછા -સુરત ખાતે તા. 12-08-2023 ને શનિવારે રાત્રે 8:30 થી 11:00 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, પૂજ્ય પી. પી. સ્વામી (પ્રયોશા પ્રતિષ્ઠાન), શ્રી ગોવિંદભાઈ ધોળકિયા (શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ), શ્રી લાલજીભાઈ પટેલ અને શ્રી તુલસીભાઈ પટેલ (ધર્મનંદન ડાયમંડ્સ), શ્રી કેશુભાઈ ગોટી (ગ્લો સ્ટાર), શ્રી કાનજીભાઈ ભાલાળા (પ્રમુખશ્રી, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ), માનનીય નિરંજનાબા કલાર્થી ( મંત્રીશ્રી, સ્વરાજ આશ્રમ), ડૉ. પ્રજ્ઞાબહેન (ટ્રસ્ટીશ્રી, મુકુલ ટ્રસ્ટ, બારડોલી), શ્રી હર્ષદભાઈ શાહ (ઉપ પ્રમુખ શ્રી, માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન) શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી (મુખ્ય સંયોજક શ્રી, ‘સમન્વય’), શ્રી રાકેશભાઈ દુધાત (શ્રીહરિ ગ્રૂપ, આફ્રિકા), શ્રી નરેશભાઈ વરિયા (તંત્રીશ્રી, ધબકાર), શ્રી વિજયભાઈ ધામેલિયા, શ્રી વાલજીભાઈ ડાંગસિયા, શ્રી મૂળજીભાઈ ધામેલિયા, શ્રી ધનજીભાઈ ઝડફિયા વગેરે અનેક મહાનુભાવો તેમજ બુઢણા યુવક પ્રગતિ મંડળ, શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, સમસ્ત ધામેલિયા પરિવારના સભ્યો, વિવિધ શાળાઓના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો અને શિક્ષણપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમના શુભારંભે શ્રીમતી રેખાબહેન વસોયાએ સુમધુર કંઠે પ્રાર્થના રજૂ કરી હતી. મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યવિધિ કરવામાં આવી. આયોજક શ્રી હેતલબહેન ધામેલિયાએ શબ્દપુષ્પથી સૌનું સ્વાગત કર્યું હતું. મંચસ્થ મહાનુભાવોને શાલ, પુસ્તક અને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યાં.
લેખક શ્રી રાજેશ ધામેલિયાએ પુસ્તકમાં સમાવિષ્ટ 21 મહાનુભાવોનો અતિ સંક્ષિપ્ત પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી લાલજીભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી કેશુભાઈ ગોટી, શ્રી નિરંજનાબા કલાર્થી, શ્રી હર્ષદભાઈ શાહ, શ્રી નરેશભાઈ વરિયા વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યાં હતાં. શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે “લેખન એ ઊછીનું ન મળે, એ અંતરનું સર્જન છે, હૃદયની લાગણી છે. વાચન એ મગજની કસરત છે. બીજાના ગુણને પોતાની કલમ દ્વારા કંડારવા એ ત્યાગની ભાવના છે.”
મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા પરિવાર, શિક્ષક સંઘ પરિવાર તેમજ અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓએ લેખક શ્રી રાજેશભાઈ ધામેલિયાનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મહેશભાઈ ધામેલિયાએ કર્યું હતું.