વ્યાપાર

ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ અંતર્ગત બોટ્સ્વાનાના હાઇ કમિશ્નર અને ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ સેન્ટરના ટ્રેડ એટેચીના ડાયરેકટર સાથે મિટીંગ મળી

*ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ અંતર્ગત બોટ્સ્વાનાના હાઇ કમિશ્નર અને ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ સેન્ટરના ટ્રેડ એટેચીના ડાયરેકટર સાથે મિટીંગ મળી*

 

*બોટ્સ્વાનાના ઓફિશિયલ્સ દ્વારા સુરતના ઉદ્યોગ સાહસિકોને બોટ્સ્વાના ખાતે ડાયમંડ કટીંગ અને પોલિશીંગ તેમજ ટેક્ષ્ટાઇલ, ફાર્માસ્યુટિકલ અને એગ્રીકલ્ચર ક્ષેત્રે રોકાણ કરવા આમંત્રણ અપાયું*

 

*સુરત.* ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સોમવાર, તા. ૧૩ મે ર૦ર૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આફ્રિકન દેશ બોટ્સ્વાનાના હાઇ કમિશનની સાથે ઇન્ટરેકટીવ બીટુબી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોટ્સ્વાના હાઇ કમિશનના હાઇ કમિશ્નર હીઝ એકસલન્સી ગીલબર્ટ શિમાને મંગોલે અને બોટ્સ્વાનાના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ સેન્ટરના ટ્રેડ એટેચીના ડાયરેકટર શ્રી દિપોપેગો જુલિયસ શેકો તથા સુરતના ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહયા હતા.

 

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ મિટીંગમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની પ્રાથમિક વિગતો આપી ભારત તથા તેમના દેશની ઇકોનોમીને વધુ મજબુત બનાવવા હેતુ મિશન ૮૪ પ્રોજેકટના મહત્વ વિશે સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય સેવ્યું છે અને એના માટે તેઓએ ભારતના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટ માટેનો ટારગેટ આપ્યો છે. વડાપ્રધાનશ્રીના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે સહયોગ આપવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિશન ૮૪ અંતર્ગત સુરત, ગુજરાત અને ભારતથી રૂપિયા ૮૪,૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ કરવા માટે પ્રયાસો કરાઇ રહયા છે.

 

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ભારત અન્ય દેશોની સાથે બોટ્સ્વાના પાસેથી રફ ડાયમંડની ખરીદી કરે છે અને વિશ્વના ૧૦ ડાયમંડમાંથી ૯ ડાયમંડ સુરતથી પોલિશ થઇને વિશ્વભરમાં એક્ષ્પોર્ટ થાય છે, આથી સુરત વિશ્વમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. ડાયમંડ ઉપરાંત સુરતથી ટેક્ષ્ટાઇલ અને ફાર્માસ્યુટિકલની કવોલિટી પ્રોડકટ પણ વિશ્વભરમાં એક્ષ્પોર્ટ થાય છે ત્યારે બોટ્સ્વાનાએ આ દિશામાં વિચારી આ પ્રોડકટની પણ આયાત કરવી જોઇએ તેમ કહી તેઓને ભારત સાથે વેપાર વધારવા અનુરોધ કર્યો હતો.

 

બોટ્સ્વાના હાઇ કમિશનના હાઇ કમિશ્નર હીઝ એકસલન્સી ગીલબર્ટ શિમાને મંગોલે જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગ સાહસિકો બોટ્સ્વાનામાં ડાયમંડ અને ટેક્ષ્ટાઇલનું મેન્યુફેકચરીંગ કરીને સાઉથ આફ્રિકાના પ૪ દેશો ઉપરાંત અમેરિકામાં એક્ષ્પોર્ટ કરી શકે છે. જેના થકી થયેલી આવકને તેઓ સુરત, ગુજરાત અને ભારતમાં લાવી શકે છે. એના પર તેમની સરકારનું કોઇ પ્રતિબંધ નથી. વધુમાં તેમણે કહયું હતું કે, બોટ્સ્વાનામાં ભારતની જુદી–જુદી સંસ્કૃતિના લોકો રહે છે અને ગુજરાતી લોકો પણ તેમના ત્યાં રહીને બિઝનેસ કરે છે, આથી તેમણે બોટ્સ્વાનામાં બિઝનેસ હેતુ રોકાણ કરવા સુરતના ઉદ્યોગ સાહસિકોને આમંત્રણ આપ્યું હતું.

 

તેમણે બોટ્સ્વાનામાં ઓકટોબર/નવેમ્બરમાં તેમની સરકાર દ્વારા યોજાતા ‘ગ્લોબલ એક્ષ્પો બોટ્સ્વાના’ વિશે માહિતી આપી હતી. આ એક્ષ્પો દરમિયાન ત્યાંના ઉદ્યોગકારો અને આયાતકારો તેમજ નિર્યાતકારો સાથે વન ટુ વન બિઝનેસ મિટીંગ કરી શકાય છે, આથી આ એક્ષ્પોની મુલાકાત લેવા માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળને તેમજ તેના નેજા હેઠળ સુરતના ઉદ્યોગકારોને આમંત્રણ આપ્યું હતું.

 

બોટ્સ્વાનાના ટ્રેડ એટેચીના ડાયરેકટર શ્રી દિપોપેગો જુલિયસ શેકોએ જણાવ્યું હતું કે, બોટ્સ્વાના એ આખા વિશ્વમાં સુરક્ષિત દેશોમાંથી એક ગણાય છે. વર્ષ ર૦રરમાં બોટ્સ્વાનાથી ૮.૩ બિલિયન યુએસ ડોલરનું એક્ષ્પોર્ટ કરવામાં આવ્યું હતું. સાઉથ આફ્રિકા, નામિબિયા, ઝામ્બીયા અને ઝિમ્બાબ્વે જેવા દેશો બોટ્સ્વાનાના બોર્ડર પર છે. તેમના ત્યાં ખાસ કરીને રફ ડાયમંડનું પ્રોડકશન થાય છે. ડાયમંડ તેમના દેશના જીડીપીમાં ૪ર ટકા યોગદાન આપે છે, આથી સુરત તેમના દેશ માટે ઘણું અગત્યનું છે.

 

બોટ્સ્વાનામાં માઇનીંગ સોર્ટીંગ, એગ્રીગેશન, રફ સેલ્સ, કટીંગ એન્ડ પોલિશીંગ, જ્વેલરી મેન્યુફેકચરીંગ, રિટેઇલીંગ થાય છે, આથી તેમણે સુરતના હીરા ઉદ્યોગકારોને બોટ્સ્વાના ખાતે ડાયમંડ કટીંગ અને પોલિશીંગ માટે યુનિટ સ્થાપવા આમંત્રણ આપ્યું હતું. બોટ્સ્વાના ખાતે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં યુનિટ સ્થાપવાથી તેમજ રોકાણ કરવાથી તેમની સરકાર દ્વારા વિવિધ ઇન્સેન્ટીવ આપવામાં આવે છે.

 

ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ના સીઇઓ શ્રી પરેશ ભટ્ટે જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દર વર્ષે સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કરે છે. આ વર્ષે પણ ઓગષ્ટ મહિનામાં સ્પાર્કલ એકઝીબીશન યોજાશે ત્યારે બોટ્સ્વાનાના ડાયમંડ અને જ્વેલરી મેન્યુફેકચરર્સના બિઝનેસ ડેલીગેશનને સ્પાર્કલ એકઝીબીશનની મુલાકાત માટે તેમજ સુરતના હીરા ઉદ્યોગકારો અને જ્વેલર્સ સાથે બીટુબી મિટીંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું, જેનો બોટ્સ્વાના હાઇ કમિશનના ઓફિશિયલ્સે સહર્ષ સ્વીકાર કર્યો હતો.

 

ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ના કો–ઓર્ડિનેટર શ્રી સંજય પંજાબીએ મિટીંગના હેતુ સાથે કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને મિટીંગમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. મિશન ૮૪ની કોર કમિટીના સભ્ય શ્રી જમનભાઇ રામોલિયા તથા સુરતના ઉદ્યોગ સાહસિકો મિટીંગમાં ઉપસ્થિત રહયા હતા. મિશન ૮૪ના સીઈઓ શ્રી પરેશ ભટ્ટે સમગ્ર મિટીંગનું સંચાલન કર્યું હતું.

 

સુરતના ઉદ્યોગ સાહસિકોએ બોટ્સ્વાના ખાતે ડાયમંડ પોલિશીંગ અને ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરીંગ ઉપરાંત કૃષિ ક્ષેત્રે રોકાણ કરવા માટે ત્યાંની સરકારની ટ્રેડ પોલિસી વિશે વિવિધ સવાલો કર્યા હતા, જેના બોટ્સ્વાના હાઇ કમિશનના બંને ઓફિશિયલ્સ દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ મિટીંગનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button