શિનોર તાલુકામાં રાત્રિચોરીનો આતંક, શિનોર પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા ચોરો

શિનોર તાલુકામાં રાત્રિચોરીનો આતંક, શિનોર પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા ચોરો

શિનોર તાલુકામાં રાત્રિના તસ્કરો ફરી સક્રિય બનતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. એક જ રાત્રિ દરમિયાન બે અલગ–અલગ સ્થળોએ ચોરી તથા ચોરીના પ્રયાસની ઘટનાએ શિનોર પોલીસની રાત્રિ પેટ્રોલિંગ વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
શિનોર તાલુકાના ભેખડા ગામે તારીખ 8 જાન્યુઆરીના વહેલી સવારના લગભગ 3 વાગ્યાના અરસામાં અજાણ્યા તસ્કરોએ એક મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ તિજોરી તોડી અંદાજે 500 ગ્રામ ચાંદી તેમજ રોકડા ₹10,000 મળી કુલ રૂપિયા એક લાખથી વધુની માલમત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી તસ્કરોએ શિનોર પોલીસને સીધો પડકાર ફેંક્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ જ રાત્રે લગભગ 2 વાગ્યાના અરસામાં સાધલી મુકામે તાજેતરમાં મનન વિદ્યાલયમાં થયેલી ચોરીના સ્થળ સામે આવેલ કમ્પાઉન્ડમાં રહેલા પંકજભાઈ પંચાલ અને પ્રવીણભાઈ મિસ્ત્રીના ઘરોમાં પણ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચોરોએ ઘરના દરવાજા તથા જાળીઓ તોડવાનો પ્રયાસ કરતાં અવાજ થતાં જ ઘરમાલિકો જાગી ગયા હતા. તેમણે તરત જ ફોન દ્વારા આજુબાજુના રહેવાસીઓને જાણ કરતાં લોકો ભેગા થઈ ગયા હતા, જેને કારણે તસ્કરો ભાગી છૂટ્યા હતા. સ્થાનિકોની સતર્કતાને કારણે આ ચોરીનો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો હતો.
એક જ દિવસે બે સ્થળોએ ચોરીનો પ્રયાસ અને એક સ્થળે સફળ ચોરીની ઘટનાએ સમગ્ર શિનોર તાલુકામાં ચકચાર મચાવી છે. આ બનાવો શિનોર પોલીસની રાત્રિ પેટ્રોલિંગ વ્યવસ્થા પર સવાલો ઊભા કરે છે. પોલીસે બંને સ્થળોની તપાસ કરી હોવા છતાં સમાચાર લખાય ત્યાં સુધી ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો નથી, જે અંગે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.



