કૌશલમ્ ઇ-ટૅકનો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ‘AI’ના સદુપયોગ દ્વારા ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો

કૌશલમ્ ઇ-ટૅકનો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ‘AI’ના સદુપયોગ દ્વારા ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો
વિવિધ રમૂજી ઉદાહરણો દ્વારા જોડણીના નિયમોની સમજ કેળવવાથી હજારો શબ્દોની સાચી જોડણી ખૂબ સહેલાઈથી શીખી શકાય તેમ છે. – રાજેશ ધામેલિયા
કૌશલમ્ ઇ-ટૅકનો ઇન્ટરનેશનલ સ્કૂલ, પાસોદરા – સુરત ખાતે આજે તા. 05-06-2026 ને શુક્રવારે 10:00થી 4:00 દરમિયાન ‘AI’ના સદુપયોગ દ્વારા ‘ભાષાસજ્જતા’ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનો શુભારંભ સમૂહપ્રાર્થનાથી કરવામાં આવ્યો. શાળાના ઉચ્ચ-પ્રાથમિક વિભાગના આચાર્યા ક્રિષ્નાબહેને તજ્જ્ઞ શ્રી રાજેશકુમાર ધામેલિયાનો પરિચય કરાવ્યો હતો અને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સવજીભાઈ પાઘડારે ખેસ પહેરાવીને તેમજ પુસ્તક અર્પણ કરીને સ્વાગત કર્યું હતું.
આજના સેમિનારમાં ‘માતૃભાષાની મોજ – શબ્દો ભેગા કે છૂટા લખવાથી થતો અર્થભેદ’, ‘AI અને માતૃભાષા સજ્જતા’, ‘સ્વ-મૂલ્યાંકન (ગુજરાતી-અંગ્રેજી)’, ‘વિચારપ્રેરક પ્રશ્નોત્તરી’, ‘ગુજરાતી-અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ’, ‘સાચી જોડણી સહેલાઈથી શીખવાની પ્રયુક્તિઓ’ વગેરેની સંવાદરૂપે વિવિધ રમૂજી ઉદાહરણો, વાર્તાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા રસપ્રદ રીતે રજૂઆત કરવામાં આવી. ‘AI’ માતૃભાષા સજ્જતા માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે તે પ્રત્યક્ષ રીતે સમજાવવામાં આવ્યું. ગુજરાતી જોડણી અઘરી લાગવાનાં કારણો અને તેના ઉપાયો વિશે સુંદર રજૂઆત કરવામાં આવી. સૌ શિક્ષકોને ચાર જૂથમાં વહેંચીને ગમ્મત સાથે જોડણીના નિયમો શીખવવામાં આવ્યા. પોતાનું જૂથ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે, તેવા ભાવ સાથે તમામ શિક્ષક ભાઈઓ-બહેનો ખૂબ ઉત્સાહથી સહભાગી થયાં હતાં.
તજ્જ્ઞ શ્રી રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ગુજરાતી જોડણી ઘણી સહેલી છે, પણ ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’નો ઉપયોગ ન કરવાને કારણે અઘરી લાગે છે. વિવિધ રમૂજી ઉદાહરણો દ્વારા જોડણીના નિયમોની સમજ કેળવવાથી હજારો શબ્દોની સાચી જોડણી ખૂબ સહેલાઈથી શીખી શકાય તેમ છે. ‘AI’ પણ માતૃભાષા સજ્જતા માટે ઉપયોગી નીવડે તેમ છે. હાલમાં ‘AI’ દ્વારા જે માહિતી મળે છે, તેમાં અનુસ્વારની ઘણી ભૂલો જોવા મળે છે, આ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ અને ભૂલો ન થાય તે માટે યોગ્ય સાવધાની રાખવી જોઈએ.”
સેમિનારનો પ્રતિભાવ આપતાં શિક્ષકોએ જણાવ્યું હતું કે, “આજ સુધીમાં ઘણી તાલીમોમાં ભાગ લીધો, પણ આજે ખૂબ નવું શીખવા મળ્યું. ગુજરાતી જોડણી અંગેના નિયમો વિશે ક્યારેય જાણ્યું ન હતું, તે આજે જાણવા મળ્યું. તાલીમ શરૂ થયા પહેલાં એમ થતું હતું કે, ‘ભાષાસજ્જતા’માં તે શું શીખવાનું હોય? તાલીમમાં પાંચ કલાકનો સમય કેવી રીતે વીતી ગયો તેનો ખ્યાલ જ ન રહ્યો!”
તાલીમના અંતે સૌ શિક્ષકોના ચહેરા પર અનેરી પ્રસન્નતા જણાતી હતી. આજે બાકી રહેલા મુદ્દાઓ માટે આગામી સમયમાં ફરીથી તાલીમ યોજાય તે માટે સૌ શિક્ષકોએ વિનંતી કરી હતી.
સેમિનારના અંતે પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રી શોભનાબહેન ચોથાણીએ સુંદર તાલીમનું આયોજન કરવા બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સવજીભાઈ પાઘડારનો અને ગમ્મત સાથે જ્ઞાન આપવા બદલ તજ્જ્ઞ શ્રી રાજેશકુમાર ધામેલિયાનો તેમજ ઉત્સાહથી સહભાગી થવા બદલ સૌ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.



