સ્પોર્ટ્સ

ચેમ્બર ઓફ કોમર્સના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ‘હેલ્ધી અર્થ, હેલ્ધી સેલ્ફ’ની થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

ચેમ્બર ઓફ કોમર્સના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ‘હેલ્ધી અર્થ, હેલ્ધી સેલ્ફ’ની થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

સુરત મહાનગર પાલિકાની મદદથી શહેરને ગ્રીન સુરત બનાવવા માટે સરસાણા ખાતે ચેમ્બર ઓફ કોમર્સના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું

 

*સુરતઃ* ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા બુધવાર તા.૦૫ જૂન ૨૦૨૪ના રોજ સવારે ૦૬:૩૦ કલાકે, પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે ‘હેલ્ધી અર્થ, હેલ્ધી સેલ્ફ’ની થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં સેમ્સ પર્ફોમન્સ કોચિંગ દ્વારા શહેરીજનોને ફિટનેસ રૂટીન અને યોગની માહિતી આપવામાં આવી હતી. સાથે જ સુરત મહાનગર પાલિકાની મદદથી શહેરને ગ્રીન સુરત બનાવવા માટે સરસાણા ખાતે ચેમ્બર ઓફ કોમર્સના પટાંગણમાં લીમડો, આસોપાલવ, પીપળો, વડ, બહુમિયા, તિબુંલિયાના છોડ વાવવામાં આવ્યા હતા.

 

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ તેમજ પ્રેસિડન્ટ ઈલેક્ટ વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે શહેરીજનોને સુરતના પર્યાવરણને સ્વચ્છ અને હેલ્ધી અર્થ બનાવવાની અપીલ કરી હતી. જ્યારે આપણે અર્થને હેલ્ધી રાખવાની વાત કરીએ, ત્યારે સૌથી અગત્યનું છે કે, સૌપ્રથમ પોતે સ્વસ્થ (હેલ્ધી) રહીએ. જેથી પર્યાવરણની જાળવણી સક્ષમ રીતે કરી શકીએ. શહેરના પાંડેસરા વિસ્તારના ઔદ્યોગિક એસોસિએશન દ્વારા પર્યાવરણની જાળવણીની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. તેમને ૬ મધુવન બનાવીને ૧૦,૦૦૦ છોડ વાવ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.

 

સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશ્નર શ્રીમતી ગાયત્રી જરીવાલાએ જણાવ્યું હતું કે, ‘વિશ્વમાં પર્યાવરણનું સ્તર નીચે આવ્યું છે. આપણે આજુબાજુના પરિસરમાં ગરમી, ભૂગર્ભ જળનું ઘટતું પ્રમાણ જેવા અનેક પરિણામો અનુભવી રહ્યા છીએ, ત્યારે પર્યાવરણની જાળવણી અને સ્વસ્થ પર્યાવરણ સૌની નૈતિક જવાબદારી છે. સુરત મહાનગર પાલિકાએ આ વર્ષે શહેરમાં ૧૦ લાખ વૃક્ષારોપણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમણે જૂન મહિનો વૃક્ષારોપણ કરવા માટે યોગ્ય હોવાનું જણાવતાં કહ્યું હતું કે, જૂન મહિનામાં વૃક્ષારોપણ કરવામાં આવતાં છોડના મૂળનો યોગ્ય વિકાસ થાય છે.’

ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના રિજીયોનલ ચેરમેન ડો.જિજ્ઞાબેન ઓઝાએ જણાવ્યું હતું કે, ‘વૃક્ષારોપણ પર્યાવરણની જાળવણીમાં મોટો ભાગ ભજવે છે. વૃક્ષો પર્યાવરણને શુદ્ધ ઓક્સિજન પુરૂ પાડે છે અને કોરોના કાળ દરમિયાન લોકોએ ઓક્સિજનની અછત અનુભવી છે. તેવી સ્થિતીમાં આપણે સૌ કુદરતી ઓક્સિજન તરફ દુર્લક્ષ નહીં કરી શકીએ. વર્ષ ૨૦૨૪ની થીમ જમીન પુનઃસ્થાપન, રણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા છે. જે ‘આપણી જમીન’ સૂત્ર હેઠળ જમીન પુનઃસંગ્રહ, રણ અને દુષ્કાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.’

સેમ્સ કોચિંગ સેન્ટરના ડિરેક્ટર પિનલ શેખે જણાવ્યું હતું કે, ‘દૈનિક જીવનમાં નિયમિત યોગ કરતા વ્યક્તિમાં શિસ્ત, માનસિક સ્વાસ્થ્ય, શારિરીક સ્વાસ્થ્ય જોવા મળે છે. મેડિટેશન વ્યક્તિને માનસિક શાંતી પ્રદાન કરે છે. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિતોને દૈનિક જીવનમાં કરી શકાય તે માટે મેડિટેશન, એરોબિક્સ, વોર્મ-અપ એક્ટિવિટીઝ કરાવી હતી.’

ચેમ્બર ઓફ કોમર્સના વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન કૃતિકા શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને સેલના એડવાઈઝર સ્વાતિ શેઠવાલાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સેલના કો-ચેરપર્સન નિમિષા પારેખે સેમ્સ કોચિંગ સેન્ટરના ડિરેક્ટર પિનલ શેખનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમમાં સેલના કો-ચેરપર્સન રોશની ટેલર અને ચેમ્બરના ગ્રૃપ ચેરમેન ડો.બંદના ભટ્ટાચાર્ય, ચેમ્બરની જીએફઆરઆરસી કમિટીના ચેરમેન ગિરધર ગોપાલ મુંદડા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સેલના એડવાઈઝર જ્યોત્સના ગુજરાતીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button