કૃષિ

રાજ્યના ખેડૂતો ડિજિટલ બને તે માટે સ્માર્ટફોન ખરીદી પર ૪૦ ટકા સુધીની સહાય આપતી રાજ્ય સરકાર

રાજ્યના ખેડૂતો ડિજિટલ બને તે માટે સ્માર્ટફોન ખરીદી પર ૪૦ ટકા સુધીની સહાય આપતી રાજ્ય સરકાર
I-Khedut પોર્ટલ મારફતે સ્માર્ટફોન ખરીદી સહાય યોજનાની અરજી કરી શકાશે
ખેતી ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા રાજ્ય સરકારની સ્માર્ટફોન ખરીદી સહાય યોજના
ડિજિટલ ક્રાંતિના યુગમાં કૃષિક્ષેત્રે પણ આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ સેવાનો વ્યાપ સતત વધી રહ્યો છે. રાજ્યના ખેડૂતોને હવામાન, જમીનની સુધારણા, ખાતર, બિયારણ તેમજ ખેતી સંબંધિત અન્ય તમામ અધ્યતન માહિતી સમયસર મળી રહે અને તેઓ ખેતીવાડી ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ ઘરે બેઠા જ સરળતાથી ઓનલાઈન અરજી કરીને મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨થી ‘સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના’ મંજૂર કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ડિજિટલ માધ્યમો સાથે જોડીને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે.
આ યોજના અંતર્ગત રાજ્યમાં જમીન ધરાવતા તમામ ખેડૂતો આ સહાય મેળવી શકશે. જો ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ જમીનના ખાતા ધરાવતા હશે, તો પણ આ યોજના હેઠળ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. આ ઉપરાંત, સંયુક્ત જમીન ખાતાના કિસ્સામાં ગામના નમૂના નં. ૮-અ માં દર્શાવેલ તમામ ખાતેદારો પૈકી કોઈપણ એક જ ખાતેદારને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
યોજના હેઠળ મળતી નાણાકીય સહાયના ધોરણો મુજબ, પાત્રતા ધરાવતા ખેડૂતને તેમણે ખરીદેલા સ્માર્ટફોનની મૂળ ખરીદ કિંમતના ૪૦ ટકા અથવા રૂ. ૬,૦૦૦ એ બે માંથી જે ઓછું હોય તે મુજબની રકમ સહાય પેટે સીધી ચૂકવવામાં આવશે.
અરજી કરવાની પ્રક્રિયા અંતર્ગત ખેડૂતોએ સરકારના અધિકૃત I-Khedut પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી પૂર્ણ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ મેળવીને અરજદાર ખેડૂતે પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે. આ યોજનાનું સંપૂર્ણ અમલીકરણ જિલ્લા કક્ષાએ ‘જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી’ દ્વારા કરવામાં આવે છે.
અરજી કરતી વખતે ખેડૂતોએ જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે. જેમાં આધાર કાર્ડની નકલ, ૮-અ ની નકલ, બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક, સ્માર્ટફોન ખરીદીનું GST નંબર ધરાવતું અસલ બિલ અને મોબાઈલનો IMEI નંબર જરૂરી છે. આ ઉપરાંત, જો લાગુ પડતું હોય તો અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર અને દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
આ યોજના અંગેની વધુ વિગતો અને ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતો સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ અથવા https://dag.gujarat.gov.in/ ની મુલાકાત લઈ શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button