સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે કવિતા કુલકર્ણીની ભારત અને દક્ષિણ એશિયા માટે ચીફ ટેક્નોલોજી એન્ડ ઓપરેશન્સ ઓફિસર તરીકે નિમણૂંક કરી

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે કવિતા કુલકર્ણીની ભારત અને દક્ષિણ એશિયા માટે ચીફ ટેક્નોલોજી એન્ડ ઓપરેશન્સ ઓફિસર તરીકે નિમણૂંક કરી
27 જુલાઈ, 2026, ભારત – સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે આજે જાહેરાત કરી હતી કે કવિતા કુલકર્ણી બેન્કમાં ભારત અને દક્ષિણ એશિયા માટે ચીફ ટેક્નોલોજી એન્ડ ઓપરેશન્સ ઓફિસર (સીટીઓઓ) તરીકે જોડાયા છે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડમાં કવિતા ભારત કન્ટ્રી મેનેજમેન્ટ ટીમના સભ્ય રહેશે અને તેમનું કાર્યસ્થળ મુંબઈ રહેશે. તેઓ ટેક્નોલોજી અને ઓપરેશન્સ વ્યૂહરચનાના અસરકારક અમલીકરણનું નેતૃત્વ કરશે તેમજ ભારત અને દક્ષિણ એશિયા ક્ષેત્રની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
કવિતા બેન્કિંગ, વેલ્થ મેનેજમેન્ટ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં 25 વર્ષથી વધુનો નેતૃત્વનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે. તેમણે ભારત, યુકે અને અમેરિકા સ્થિત વિવિધ બહુરાષ્ટ્રીય નાણાંકીય સંસ્થાઓમાં વરિષ્ઠ હોદ્દાઓ પર કામગીરી સંભાળી છે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડમાં જોડાતા પહેલાં કવિતા બાર્કલેઝ બેન્કમાં પ્રાઇવેટ બેન્કિંગ અને વેલ્થ મેનેજમેન્ટ વિભાગ માટે મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે કાર્યરત હતા. આ ભૂમિકામાં તેમણે વૈશ્વિક ટેક્નોલોજી અને ઓપરેશન્સ ટીમોનું નેતૃત્વ કર્યું હતું તેમજ વિવિધ કામગીરી પ્રક્રિયાઓમાં ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું.
તેમણે કર્ણાટક યુનિવર્સિટી (ભારત)માંથી કમ્પ્યુટર સાયન્સમાં બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી તેમજ ન્યૂ યોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસ (અમેરિકા)માંથી ફાઇનાન્સમાં એમબીએની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
આ નિમણૂક અંગે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ભારત અને દક્ષિણ એશિયાના સીઈઓ પીડી સિંહે જણાવ્યું હતું કે, “સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડમાં કવિતાનું સ્વાગત કરતાં અમને અત્યંત આનંદ થાય છે. અમે સતત નવીનતા ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યા છીએ અને અમારી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. કવિતાની ઊંડી નિપુણતા અને વૈશ્વિક સ્તરે નેતૃત્વનો વિશાળ અનુભવ અમારા ગ્રાહકોને વધુ સરળ, ઝડપી અને વિશ્વસનીય બેન્કિંગ અનુભવ પૂરો પાડવામાં મદદરૂપ બનશે. સાથે જ તે પ્રદેશમાં અમારી લાંબા ગાળાની વિકાસની મહત્વાકાંક્ષાઓને સાકાર કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.”



