આરોગ્ય

સુરત મનપા આરોગ્ય વિભાગની મેગા ફૂડ સેફ્ટી ડ્રાઈવ

સુરત મનપા આરોગ્ય વિભાગની મેગા ફૂડ સેફ્ટી ડ્રાઈવ
૨૮૦ હોટેલ-રેસ્ટોરન્ટ અને ઢાબાનું ચેકિંગ, ૧૪૧૩ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

છેલ્લા ૩ દિવસમાં ગંદકી અને નિયમભંગ બદલ ૧૪ હોટેલ-રેસ્ટોરન્ટો સીલ કરી રૂ.૪.૬૯ લાખથી વધુનો વહીવટી દંડ વસૂલાયો
સુરત શહેરમાં આરોગ્ય અધિકારીની સૂચના મુજબ આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી અધિકારીઓ અને ઝોનના સેનિટેશન સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે સુરત મહાનગરપાલિકાના દરેક ઝોનમાં અલગ અલગ ટીમ બનાવી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હોટેલો, રેસ્ટોરન્ટો તેમજ ખાદ્યપદાર્થોનું વેચાણ કરતાં એકમોમાં વિશેષ ઇન્સપેક્શન કરાયું હતું. વિશેષ ફૂડ સેફ્ટી ડ્રાઇવ હેઠળ કિચન એરિયાની સાફ-સફાઈ, વાસી કે એક્સપાયરી ડેટવાળા ખોરાકનો સંગ્રહ, ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ અનેપેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, વપરાશમાં લેવાતાં પાણીની શુદ્ધતા તથા કચરાના યોગ્ય નિકાલની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે.
આ તપાસ ઝુંબેશ દરમિયાન વિવિધ હોટેલ અને રેસ્ટોરન્ટમાં વાપરવામાં આવતા ડેરી પ્રોડક્ટ્સ જેવા કે પનીર, ચીઝ, બટર, છાશ તેમજ એડિબલ ઓઇલ બાબતે ડિસ્પ્લેબોર્ડ અને મેનુ કાર્ડ પર વિગતો દર્શાવેલ છે કે નહીં તેની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, સંબંધિત સંસ્થાઓમાં ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ- પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, કિચન એરિયાની સ્વચ્છતા, કચરાના યોગ્ય નિકાલ, ડસ્ટબીનની સુવિધા, ડીપ ફ્રિજની સ્થિતિ તથા અનાજ સ્ટોરેજ જેવી વિવિધ બાબતોનું ઝીણવટપૂર્વક ઈન્સ્પેક્શન કરાયું હતું.
છેલ્લા ૩ દિવસમાં સેન્ટ્રલ ઝોનમાં ૧૩ હોટેલ-રેસ્ટોરન્ટ તપાસી ૪૯ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો અને ૯ને નોટીસ આપી રૂ. ૮૫,૯૦૦ દંડ વસૂલાયો હતો. ઇસ્ટ ઝોન-એ માં ૪૯ હોટેલ અને ૮ ઢાબા ચેક કરી ૩૧.૮ કિલો જથ્થાનો નાશ, ૯ ને નોટીસ, ૧ એકમ બંધ કરાવાયો અને રૂ. ૨૦,૯૦૦ દંડ લેવાયો, જ્યારે ઇસ્ટ ઝોન-બી માં ૯ હોટેલ અને ૧૦ ઢાબા તપાસી ૫૫ કિલો જથ્થાનો નાશ કરી ૨૦ સંસ્થાને નોટીસ આપી રૂ.૩૭,૫૦૦નો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો હતો. વેસ્ટ ઝોનમાં ૨૧ હોટેલ ચેક કરી ૮૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ, ૧૬ને નોટીસ, ૧ એકમ બંધ અને રૂ. ૭૦,૫૦૦ દંડ લેવાયો હતો. નોર્થ ઝોનમાં ૧ હોટેલ અને ૨૦ ઢાબા તપાસી ૧૬૫ કિલો જથ્થાનો નાશ કરી ૧૭ ને નોટીસ, સૌથી વધુ ૮ એકમો બંધ અને રૂ. ૨૧,૦૦૦ દંડ કરાયો હતો.
તે જ રીતે, સાઉથ ઝોન-એ માં ૯ હોટેલ તપાસી સૌથી વધુ ૭૮૭ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો, ૯ ને નોટીસ, ૨ એકમ બંધ અને રૂ. ૬૮,૦૦૦ દંડ વસૂલાયો. સાઉથ ઝોન-બી માં ૨૭ હોટેલ ચેક કરી ૨૧ કિલો અખાદ્ય ખોરાક નાશ કરી અને ૧૭ ને નોટીસ આપી રૂ.૨૪,૭૦૦ દંડ કરાયો હતો. સાઉથ વેસ્ટ ઝોનમાં ૮૦ હોટેલ અને ૫ ઢાબા તપાસી ૧૬૨ કિલો જથ્થાનો નાશ, ૨૯ને નોટીસ, ૨ એકમ બંધ કરી રૂ.૬૮,૫૦૦ દંડ વસૂલ કરાયો હતો. તેમજ સાઉથ ઇસ્ટ ઝોનમાં ૨૮ ઢાબા તપાસી ૫૮ કિલો ખોરાકનો નાશ કરી ૨૮ સંસ્થાને નોટીસ આપી રૂ.૭૨,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
મનપાની ટીમો દ્વારા કુલ ૨૦૯ હોટેલ-રેસ્ટોરન્ટો અને ૭૧ ઢાબા મળીને કુલ ૨૮૦ એકમોમાં સઘન તપાસ કરી હતી. આ ઝુંબેશ દરમિયાન કુલ ૧૫૪ સંસ્થાઓને નોટીસ અપાઈ હતી અને સ્થળ પરથી ૧૪૧૩.૮ કિલો અસાત્વિક તથા અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરાયો છે. આ ઉપરાંત ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે લેબોરેટરી પૃથક્કરણ અર્થે ૧૩ ફોર્મલ નમૂના અને ૨૯ ઇન-ફોર્મલ નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલ્યા હતા. ગંદકી અને નિયમભંગ બદલ એકમો પાસેથી કુલ રૂ. ૪.૬૯ લાખથી વધુનો વહીવટી દંડ વસૂલાયો છે. તથા ગંભીર ક્ષતિઓ ધરાવતી ૧૪ સંસ્થાઓને ત્વરિત સીલ કરવામાં આવ્યા હતા.
સુરત મનપા નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે કટિબદ્ધ અને સજાગ છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કે ફૂડ સેફ્ટી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ એકમ સામે કડક પગલાં લેવાશે એવી હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને તાકીદ કરવામાં આવી હતી. તમામ ખાદ્ય વિક્રેતાઓએ ગુણવત્તા, સ્વચ્છતા અને પ્રમાણપત્રોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. આ સાથે મનપા દ્વારા નાગરિકોને પણ અપીલ કરાઈ છે કે, બહાર જમતી વખતે પરિસરની સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટીની અચૂક ખાતરી કરવી તેમજ અકુદરતી રંગ, વાસ કે શંકાસ્પદ ચીકાશ ધરાવતો ખોરાક ખાવાનું ટાળો. જો ક્યાંય પણ અસ્વચ્છતા કે નિયમોનું ઉલ્લંઘન જણાય, તો તુરંત જ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગનો સંપર્ક કરવો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button