દેશ

બનારસ બિએનાલેમાં અદાણી ગ્રુપના સહયોગથી BHUના 500 વિદ્યાર્થીઓની 800 કલાકૃતિઓનું ભવ્ય પ્રદર્શન

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે 'બનારસ: એક કલ્પના' કેટલોગનું અનાવરણ; નમો ઘાટ ખાતે વાંસના અનોખા ઇન્સ્ટોલેશનમાં કલાનો અદભૂત સંગમ

વારાણસી, 29 નવેમ્બર 2026: ભારતની પ્રાચીન સાંસ્કૃતિક નગરી કાશીના ભવ્ય વારસાને યુવા પેઢીની નજરે રજૂ કરવા માટે પ્રથમ ‘બનારસ બિએનાલે’માં એક અનોખો કલા મહોત્સવ આકાર પામ્યો છે. અદાણી ગ્રુપના સહયોગથી બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના આશરે 500 વિદ્યાર્થીઓએ એકસાથે આવીને બનારસના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને દર્શાવતી 800 જેટલી અદભૂત કલાકૃતિઓ તૈયાર કરી છે.
આ પહેલના એક યાદગાર પડાવરૂપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને કાયમી દસ્તાવેજ તરીકે સાચવતા સ્મૃતિ કેટલોગ ‘બનારસ: એક કલ્પના – વોલ્યુમ I, 2026’નું અનાવરણ કર્યું હતું. આ પ્રકાશન દ્વારા વિદ્યાર્થીઓનો બનારસ પ્રત્યેનો કલાત્મક દ્રષ્ટિકોણ બિએનાલે પૂર્ણ થયા બાદ પણ લોકો સુધી પહોંચતો રહેશે. ખાસ વાત એ છે કે દરેક કલાકૃતિના કોપીરાઇટ જે-તે વિદ્યાર્થી સર્જક પાસે જ સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
અદાણી ગ્રુપના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને બિએનાલેની સ્ટીયરિંગ કમિટીના સભ્ય શ્રીમતી નમ્રતા અદાણીની વિશેષ પરિકલ્પના હેઠળ આ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, “આપણો વારસો એવી વસ્તુ નથી જેને આપણે માત્ર ભૂતકાળ તરફ જોઈને સાચવી શકીએ. જ્યારે દરેક નવી પેઢી તેની સાથે જોડાય છે, તેનું અર્થઘટન કરે છે અને તેને આગળ ધપાવવાનો પોતાનો માર્ગ શોધે છે, ત્યારે જ તે જીવંત રહે છે. આ પહેલનો ઉદ્દેશ્ય યુવા કલાકારોને બનારસ પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવાની અને તેના સાંસ્કૃતિક ભવિષ્યની ગાથાનો ભાગ બનવાની તક આપવાનો છે.”
‘ટાઈમ વોવન ઈન લાઈટ: પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર ઓફ બનારસ’ થીમ હેઠળ તૈયાર થયેલી કલાકૃતિઓમાંથી પસંદગીની 300 કૃતિઓને વારાણસીના નમો ઘાટ ખાતે ‘NDTV ક્રિએટર્સ મંચ’ની સાથે તૈયાર કરાયેલા આકર્ષક વાંસના ઇન્સ્ટોલેશનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય 100 કલાકૃતિઓ BHUના સ્વતંત્રતા ભવન ખાતે પ્રદર્શનમાં મુકાઈ છે. આ પહેલ અંતર્ગત આશરે 30 ઉત્કૃષ્ટ વિદ્યાર્થી કલાકારોનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે.
આ સમગ્ર પહેલ BHUના વાઇસ-ચાન્સેલર પ્રો. અજિત કુમાર ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. જાણીતા ક્યુરેટર શ્રી સત્યજીત દવેએ આ પહેલને સર્જનાત્મક દિગ્દર્શન અને કલાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે BHUના વિઝ્યુઅલ આર્ટ્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. આશિષ ગુપ્તા અને શ્રી દવેએ મળીને શ્રેષ્ઠ કલાકૃતિઓની પસંદગી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા આયોજિત પ્રથમ બનારસ બિએનાલે 27 નવેમ્બરથી 31 ડિસેમ્બર 2026 દરમિયાન ‘કાશી/લાઇટ: સિટી એઝ સેન્સોરિયમ’ થીમ પર યોજાઈ રહ્યું છે, જેમાં સંસ્કૃતિ મંત્રાલય, પર્યટન મંત્રાલય અને ઉત્તર પ્રદેશ સરકાર સહયોગી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button