10 સપ્ટેમ્બર, “વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ”
10 સપ્ટેમ્બર, “વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ”
ઉદાસીને પણ આલિંગન આપીને જવા દેવું જોઈએ; પકડી ન રાખવું જોઈએ
જિંદગીએ પુછેલા સિલેબસ બહારનાં સવાલોનાં જવાબો પણ જુસ્સાથી આપવા જોઈએ
‘ભૂલવી જ હોય જો ખુદ કેરી વ્યથા તો અન્યનાં આંસુ લુછી જુઓ’
આજે દિવસે દિવસે વધતા જતા તણાવને કારણે દુનિયાભરમાં આત્મહત્યાનાં કિસ્સા વધતા જઈ રહ્યા છે ત્યારે તેને રોકવા ખૂબ જ જરૂરી છે. આ માટે લોકોને જાગૃત કરવા માટેના ઉદ્દેશ્યથી દર વર્ષે 10 સપ્ટેમ્બરે “વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ” ઉજવવામાં આવે છે. આત્મહત્યા પાછળ હંમેશા મનોચિકિત્સક, સામાજીક, આર્થિક, પરિવારિક અને વ્યક્તિગત કારણ હોય છે. દેશમાં પાછલા વર્ષની સરખામણીમાં દર વર્ષે આત્મહત્યાનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આત્મહત્યા માટે ધંધા-રોજગારીનો અભાવ, આર્થિક ભીંસ,મંદી, પ્રેમ કે આકર્ષણમાં નિષ્ફળતા, વ્યાજખોરોનું દુષણ, કૌટુંબિક સમસ્યા, વિદ્યાર્થીઓમાં ભણતરનો ભાર,પતિ પત્ની વચ્ચે સંઘર્ષ,દેખાદેખી,દૂષપ્રેરણા ,અંધશ્રદ્ધા,ખોટી ચિંતા કે તણાવ,સગાઈ તૂટી જવી,શારીરિક શોષણ જેવા કારણો મુખ્ય જોવા મળે છે. આત્મહત્યાને રોકવા કે આત્મહત્યાનાં વિચારને રોકવા માટે જીવન પ્રત્યે સંતુલિત દ્રષ્ટિકોણ રાખવો ખુબ જરૂરી છે. સારા કે ખરાબ બંને જીવન જીવવા માટેના પાસા છે. જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે, બંને એક સિક્કાની બે બાજુઓ જેવા જ છે. પોતાની ભૂલોમાંથી કાયમ શીખવું જોઈએ. ક્યારેક એવું થાય છે કે કાંઇ ગમતું નથી. ક્યારેક જીંદગી અટકી ગઈ હોય એવું લાગે છે. મન ખૂબ ઉદાસ થઇ જાય છે, પણ આ બધું શું નોર્મલ નથી? આપણે માણસ છીએ તો ખુશીની લાગણીની જેમ ઉદાસીની લાગણી પણ થાય જ. આપણે ખુશીઓ સ્વીકારવા કેટલા ઉત્સુક હોઈએ છીએ, તો એવી જ રીતે ક્યારેક ઉદાસીને પણ ગળે વળગાડી દઇએ. બસ એને પકડી ના રાખીએ. એને પણ એક આલિંગન આપીને જવા દઈએ. ઉદાસ હોવું કે દુઃખી હોવું એ પણ આપણા માણસ હોવાની સાબિતી જ તો છે. બસ ઉદાસીને ડીપ્રેશનમાં પરિવર્તિત ન થવા દેવું જોઈએ. અત્યારની આ ગળાકાપ હરિફાઈની દુનિયામાં નિષ્ફળતા પણ મળવાની જ છે. જો કોઇ એક પરીક્ષા માટે 100 માણસ પ્રયત્નો કરતા હોય તો તેમાં તે બધા જ થોડા પાસ થવાના છે? કોઈક તો નાપાસ થશે જ. પણ તે નિષ્ફળતા કાયમી થોડી છે? અને દરેક જણ પરફેક્ટ અને પૂર્ણ જ થોડું હોય? જો એવું હોય, તો પછી કોઈ સામાન્ય (ordinary) રહેશે જ નહીં. દુનિયાની કોઈપણ કિતાબમાં જવાબો શોધી લો. પણ જીંદગી તો રોજ તમને સિલેબસ બહારનાં જ સવાલો પૂછવાની! તો ચાલો પોતાની જાતને નિષ્ફળ કે નબળા સમજવાને બદલે, જીંદગીએ પૂછેલા સવાલોનો ખુલ્લા મને અને ખુલ્લા દિલે હિંમતભેર જવાબ આપીએ.જો મનમાં વારંવાર આત્મહત્યાના વિચાર આવે ત્યારે આવી રીતે પોતાની જાતને મદદ કરવી જોઈએ. આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની જિંદગી હેલ્પલાઈન 1096′ પર કે ભારત સરકારની ‘જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330’ પર ફોન કરી શકો છો. અન્ય જુદા જુદા ઉપાયો થકી પણ નકારાત્મક વિચારોને દૂર કરી શકાય છે:
1. કોઈ સાથે વાત કરો:
કોઈ સાથે પોતાની લાગણીઓને શેર કરવી એક મહત્વપૂર્ણ કાર્ય છે. કારણ કે, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. માટે તેને પ્રેમ, સ્નેહ, હૂંફ અને સાથ- સહકારની જરૂર હોય છે. જો તમે દુઃખી હોય અને આત્મહત્યાના વિચાર આવે ત્યારે પોતાની જાતને પોતાની રીતે નિયંત્રણમાં રાખવાની જીદ છોડી અન્યની મદદ લેવી. જેમ કે પોતાના મિત્ર, પરિવારજન, નજીકના સગાઓની અને જરૂર પડ્યે મનોચિકિત્સકની મદદ લેવી પણ ઉચિત છે.
2. એકલા બિલકુલ ન રહો:
આજના સમયમાં મોટાભાગના યુવાનો શહેરમાં પરિવારથી દૂર એકલા રહેવાનું પસંદ કરે છે ત્યારે આત્મઘાતી વિચારો આવે તો થોડા સમય માટે કોઈને સાથે રહેવા બોલાવી લેવા જોઈએ.
3. થેરાપી અને ઉપચાર લો:
જો તમને મહેસુસ થાય કે, મનમાં એવા વિચાર આવે છે તો થેરાપીસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ.
4. યોગ,સૂર્યપ્રકાશ,શાકાહાર,સંતુલિત જીવન શૈલી અપનાવો. ખોટી હાય વોય છોડી દો. રાગ, દ્વેષ, ઈર્ષા, મોહ, મત્સર, કામ, ક્રોધ, વ્યસન જેવાં દુષણોથી દુર રહો.
5. પશુ, પક્ષીઓ સાથેની મૈત્રી : પશુ, પક્ષીઓ નિર્દોષ હોય છે. તેમની સાથેની મિત્રતા ડીપ્રેશનમાંથી બહાર નીકળવાનો સુંદર રસ્તો છે, કારણ કે તેમના જેવી નિર્દોષ અને અપેક્ષા વગરની મૈત્રી કોઈ ન આપી શકે.
6. નાના બાળકો સાથે સમય વીતાવો : નાના બાળકો સાથે કિલ્લોલ, તોફાન મસ્તી જિંદગીમાં નવી ઉર્જા ભરી દેતી હોય છે તેથી એવો પણ પ્રયત્ન કરવો જોઈએ કે આસપાસનાં, પાડોશનાં કે પોતાના બાળકો સાથે દિવસમાં એક કલાકનો સમય જરૂર વિતાવવો જોઈએ.
7. સતત પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ : જો ઉત્પાદક પ્રવૃત્તિ મળતી હોય તો ખુબ સારું પરંતુ જો ઉત્પાદક પ્રવૃત્તિ ન જ મળે તો કોઈ પણ સાત્વિક, ભલે ને બિનઉત્પાદક હોય તેવી પ્રવૃત્તિમાં જાતને વ્યસ્ત રાખવી જોઈએ. વ્યસ્તતા ખુબ હોય તેવી વ્યક્તિઓને નકારાત્મક વિચારો આવવાની સંભાવના ખુબ ઘટી જતી હોય છે અને રાત્રિ પડ્યે શરીર ખુબ થાકી જાય એવું હોય એટલે શરીરને પણ પથારીમાં ગયા સિવાય કોઈ છુટકો રહેતો નથી અને તરત જ ઊંઘ આવવા લાગે છે જેથી નકારાત્મક વિચારો કરવા માટે મનને પણ કોઈ સમય મળતો નથી. આ રીતે પરોક્ષ રીતે પણ આત્મહત્યાનાં વિચારોને અટકાવી શકાય છે.
8. પરોપકારી પ્રવૃતિઓમાં તન, મન, ધનથી સક્રિય થવું જોઈએ. પરોપકારી પ્રવૃતિઓમાં સક્રિય થવાથી માણસને ખ્યાલ આવે છે કે એના કરતા તો લાખો, કરોડો લોકો, અબોલ જીવો ખુબ દુઃખી છે અને આપણે તેમને નાનકડી મદદ કરીએ તો તેમનું દુઃખ સુખમાં પરીણમી શકે છે અને આમ કરવાથી આપણા દુઃખ પર પણ મલમ સરીખી રાહત મળી શકે છે. ‘ ભૂલવી જ હોય જો ખુદ કેરી વ્યથા તો અન્યનાં આંસુ લુછી જુઓ.’
ઉદાસીને પણ આલિંગન આપીને જવા દેવું જોઈએ પકડી ન રાખવું જોઈએ
જિંદગીએ પુછેલા સિલેબસ બહારનાં સવાલોનાં જવાબો પણ જુસ્સાથી આપવા જોઈએ