આરોગ્ય

ચોર્યાસી તાલુકાના હજીરા ગામના પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે ૧૦૮ ઈમરજન્સી સેવા બની લાઈફલાઈન

સુરત: બુધવાર: ચોર્યાસી તાલુકાના હજીરા ગામના પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે ૧૦૮ ઈમરજન્સી સેવા લાઈફલાઈન સાબિત થઈ હતી. તા.૧લીએ ૧૦૮ના ઉગત ગામ લોકેશન ઉપર વહેલી સવારે ૫:૨૪ વાગ્યે પ્રસુતિનો ઈમરજન્સી કોલ મળ્યો હતો. જેમાં હજીરા ગામના સિંગોતર માતા ફળીયામાં રહેતા પરિવારની એક ૨૭ વર્ષીય સગર્ભા મહિલાને પ્રસવ પીડા ઉપડતા ૧૦૮ ને કૉલ કર્યો હતો. ગણતરીની મિનિટોમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગમે તે ઘડીએ પ્રસૂતિ થઈ જવાની ભીતિ હોવાથી મહિલાને અન્યત્ર ખસેડવી જોખમી હતું. જેથી તાત્કાલિક ઘટનાસ્થળે જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. સ્ટાફે વધુ સમય ન બગાડતા સાવધાનીપૂર્વક સ્થળ પર જ પ્રસુતિ કરાવતા પ્રસૂતા માતાએ બે કિગ્રાની સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.
અમદાવાદ ૧૦૮ ની હેડઓફિસના ડો.પરમારના માર્ગદર્શન હેઠળ બાળકીને ન્યુ બોર્ન કેર આપીને માતા-બાળકીને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. સફળતા પૂર્વક ડિલીવરી થતાં સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો, અને ૧૦૮ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો એમ ૧૦૮ સેવાના સુરત જિલ્લા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ સુપરવાઈઝર પરાગ હડીયાએ વિગતો આપતા જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button