ધોરણ-12ના પરિણામમાં સુરતની વરાછા અને મોટા વરાછાની શાળાઓનો દબદબો

ધોરણ-12ના પરિણામમાં સુરતની વરાછા અને મોટા વરાછાની શાળાઓનો દબદબો
તપોવન, પી.પી. સવાણી, સંસ્કારતીર્થ સાથે હરેકૃષ્ણ અને નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ ગૌરવ વધાર્યું
સુરત : ધોરણ-12 બોર્ડના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં સુરત શહેરની શાળાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવી શિક્ષણક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે. અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ A1 અને A2 ગ્રેડ મેળવી શાળાનું તથા શહેરનું ગૌરવ વધાર્યું છે.
તપોવન વિદ્યાલયે આ વર્ષે પણ શાનદાર પરિણામ નોંધાવ્યું છે. કોમર્સ પ્રવાહમાં 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 165 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે કુલ પરિણામ 98 ટકા નોંધાયું છે. સાયન્સ પ્રવાહમાં 6 વિદ્યાર્થીઓએ A1 અને 29 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવતા 98.33 ટકા પરિણામ નોંધાયું છે. રાજ્ય સ્તરે ટોપ-3માં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓએ પણ શાળાનું નામ રોશન કર્યું છે.
પી.પી. સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. કુલ 84 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. શાળાના વિદ્યાર્થી હેમલ મેઘાણીએ 500 માંથી 486 માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. અન્ય વિદ્યાર્થીઓએ પણ ઉચ્ચ ગુણ મેળવી શાળાની પ્રતિષ્ઠા વધારી છે.

સંસ્કારતીર્થ જ્ઞાનપીઠે પણ ઉત્તમ પરિણામ નોંધાવ્યું છે. સાયન્સ પ્રવાહમાં 14 વિદ્યાર્થીઓ અને કોમર્સ પ્રવાહમાં 25 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાનું કુલ પરિણામ 98 ટકા થી 100 ટકા વચ્ચે નોંધાયું છે. ઉપરાંત, અનેક વિદ્યાર્થીઓએ 100 પ્લસ ગુણ મેળવી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.

યોગીચોક ખાતે આવેલી હરેકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે. આ વર્ષે 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 18 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી સફળતા મેળવી છે. શાળા સંચાલકમંડળે વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનને આ સફળતાનું શ્રેય આપ્યું છે.

પુણાગામ વિસ્તારની નાલંદા વિદ્યાલયે 87.05 ટકા પરિણામ મેળવી વિસ્તારની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન મેળવ્યું છે. શાળાના 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 29 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

“આશાદીપ શાળાના સંચાલક મહેશભાઈ રામાણીએ જણાવ્યું હતું કે,કોમર્સની વાત કરવા જઉં તો અત્યાર સુધીનું જે હાઈએસ્ટ પરિણામ હતું 686 એનો રેકોર્ડ આજે બ્રેક આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલે કર્યો છે. અને લોટ્સ ઓફ વિદ્યાર્થી હજી કાઉન્ટિંગ ચાલુ છે. તો અત્યાર સુધીના સૌથી હાઈએસ્ટ A1 ગ્રેડ પણ આજે કોમર્સમાં મેળવ્યા છે અને અત્યાર સુધી હાઈએસ્ટ ટકાવારી પણ મેળવી છે. સાયન્સની વાત કરવા જઉં તો એમાં પણ ગુજરાતમાં ટોપ પરિણામ મેળવ્યું છે. બે વિદ્યાર્થી ગુજરાત ટોપમાં પણ સંભવિત છે. એમાં સ્પેશિયલી કહી શકાય કે એજ્યુકેશન સોસાયટીએ આપ્યા છે. તૈયારીની વાત કરવા જઉં તો આશાદીપ પહેલેથી ટીમ વર્કમાં જ માને છે અને ટીમ વર્કને કારણે જ આ પરિણામ આવે છે. વિદ્યાર્થીઓ એટલી હાર્ડ વર્ક કરે છે, શિક્ષકો પણ એટલી મહેનત કરાવે છે, શાળાનું મેનેજમેન્ટ પણ એટલું સપોર્ટમાં હોય છે અને પેરેન્ટ્સનો પણ સપોર્ટ હોય છે. આ ચારેયના સંગમને કારણે આ પરિણામ શક્ય બને છે.”
આ રીતે સુરત શહેરની વિવિધ શાળાઓએ ઉત્કૃષ્ટ પરિણામ નોંધાવી શિક્ષણક્ષેત્રે શહેરની મજબૂત સ્થિતિ ફરી એકવાર સાબિત કરી છે. શાળાઓના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને સંચાલકમંડળે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.



