શિક્ષા

મહારાણા પ્રતાપ પ્રા. શાળા ક્ર. 272માં ‘માતૃભાષા સજ્જતા’ કાર્યશાળાનો શુભારંભ કરાયો

મહારાણા પ્રતાપ પ્રા. શાળા ક્ર. 272માં ‘માતૃભાષા સજ્જતા’ કાર્યશાળાનો શુભારંભ કરાયો
ધોરણ-૬થી જ વિદ્યાર્થીઓને વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા જોડણીના નિયમો શીખવવામાં આવે તો ખૂબ સુંદર પરિણામો પ્રાપ્ત થઈ શકે : રાજેશ ધામેલિયા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક – 272, નાના વરાછામાં શાળાના આચાર્યશ્રી મિતેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આજે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘માતૃભાષા સજ્જતા’ કાર્યશાળાનો તા. 10-06-2026ના રોજ શુભારંભ કરાયો.
ગત વર્ષે પ્રાર્થનાસભામાં નિયમિત રીતે ‘ભાષાસજ્જતા’ માટે કાર્ય કરવામાં આવ્યું હતું. 21 ફેબ્રુઆરીના ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ નિમિત્તે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શબ્દો અને વાક્યો લખાવીને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રવૃત્તિઓના આધારે શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ગત વર્ષે શીખવેલા જોડણીના નિયમો વિદ્યાર્થીઓને કેટલા યાદ રહ્યા છે તેની ચકાસણી થઈ શકે અને તેના આધારે આ વર્ષે ફરીથી નિયમિત રીતે ‘માતૃભાષા સજ્જતા’ માટે આયોજનબદ્ધ કાર્ય થઈ શકે તે બાબતોને ધ્યાનમાં રાખીને આજે પૂર્વજ્ઞાન-ચકાસણીના ભાગરૂપે વારંવાર વપરાતા ૪૮ શબ્દો લખાવવામાં આવ્યા હતા. આ શબ્દોની ચકાસણી દરમિયાન તે શબ્દો કયા નિયમને અનુસરે છે તેની સમજ પણ આપવામાં આવી હતી.
આજે જે શબ્દો લખાવવામાં આવ્યા તે શબ્દો પૂર્વ-કસોટી સ્વરૂપે શિક્ષકોના સેમિનારમાં પણ લખાવવામાં આવે છે. વિદ્યાર્થીઓનું પરિણામ સંતોષકારક જણાયું હતું. આ પરથી તારણ કાઢી શકાય છે કે ધોરણ-૬થી જ વિદ્યાર્થીઓને વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા જોડણીના નિયમો શીખવવામાં આવે તો માતૃભાષા સજ્જતાના ક્ષેત્રે ખૂબ જ ઉત્તમ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button