ક્રાઇમ

અધિકારીની ખોટી ઓળખ આપી રૂપિયા ઉસેટી લેનાર મહાઠગને ઝડપાયો

સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મહાઠગને પકડવામાં મોટી સફળતા મળી છે. સુરત શહેર ઉપરાંત રાજ્યના જુદા જુદા શહેરોમાં વીજ કંપની, નગરપાલિકા અને ગેસ કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપતો હતો. અધિકારીનો સ્વાંગ રચી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. નવા બંધાતા બિલ્ડિંગો તેના સોફ્ટ ટાર્ગેટ રહેતી હતી. અધિકારીના નામે મીટર જોડાણ આપવાના બહાને રૂપિયા પડાવી છેતરપિંડી કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મહાઠગની અમદાવાદથી ધરપકડ કર્યા બાદ તપાસ કરતા 30થી વધુ ગુનાઓ આચાર્યા હોવાની કબૂલાત આપી હતી.

રાજ્યમાં જુદા જુદા શહેરોમાં અધિકારીની ખોટી ઓળખ આપી રૂપિયા ઉસેટી લેનાર મહાઠગને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે અમદાવાદના પાલડી ખાતેથી મહાઠગ કિશોર રમેશભાઇ રાઠોડ ઉર્ફે કિશોર વાળંદને ઝડપી પાડ્યો હતો. સુરતના ઉમરા અને અમરોલી પોલીસ મથકે ગુજરાત ગેસ કંપનીના જોડાણ આપવાના બહાને રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરનાર આરોપીને શોધવા સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ ટીમ મહેનત કરી રહી હતી. દરમિયાન બાતમીને આધારે કિશોર વાળંદને અમદાવાદથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરતા કિશોર વાળંદે વર્ષ 2021માં અમરોલીની જય ભવાની સોસાયટીમાં નવા બંધાતા મકાનના માલિકને ગુજરાત ગેસ કંપનીના અધિકારી હોવાની ઓળખ આપી હતી. ગેસના જોડાણ આપવાના બહાને રૂપિયા 50,000 પડાવી લીધા હતા. આ ઉપરાંત કિશોર વાળંદે તેના સાગરિત રોહિત જરવલિયા સાથે મળીને ઉમરા વિસ્તારમાં એક મકાન માલિક પાસેથી ગેસ જોડાણ આપવાના બહાને રૂપિયા 25000 પડાવી લીધા હતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આરોપી કિશોર વાળંદની પૂછપરછ અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે માત્ર સુરતમાં જ નહીં પરંતુ રાજ્યના જુદા જુદા શહેરોમાં સરકારી અધિકારીઓની ખોટી ઓળખ આપી અને તેનો સ્વાંગ રચી છેતરપિંડી કરી લીધી છે. ખાસ કરીને આરોપી વીજ કંપની, ગેસ કંપની અને નગરપાલિકા કે મહાનગરપાલિકાના અધિકારીની ઓળખ આપીને રૂપિયા ખંખેરી લેતો હતો. પોલીસે તેની તપાસમાં સમગ્ર રાજ્યમાં 30થી વધુ આ જ રીતે ગુના કર્યા હોવાની કબુલાત કરી છે. જ્યારે રાજ્યના જુદા જુદા શહેરોમાં આ જ રીતે આચરવામાં આવેલા 420ના છેતરપિંડીના 13થી વધુ ગુનામાં તેની ધરપકડ પણ થઈ ચૂકી છે.

આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, વર્ષ 2012થી કિશોર વાળંદ ગુનાખોરીના રવાડે ચડી ગયો છે અને અધિકારીઓની ખોટી ઓળખ બતાવવાની આ જ પ્રકારની એમ.ઓ. દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, વેરાવળ, રાજકોટ સહિતના શહેરમાં 30થી વધુ ગુના આચરેલ હોવાની કબુલાત કરી છે. આ તમામમાં આરોપી જ્યાં પણ નવી બિલ્ડિંગ કે ઘર બંધાતું હોય તેને વધુ શિકાર બનાવતો હતો. ગેસના મીટર ઉપરાંત વીજ કંપનીના મીટરના નામે રૂપિયા પડાવી લેતો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button