ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આજે વલસાડના તડકેશ્વર મંદિરના પ્રાંગણમાં યોગ કાર્યક્રમ યોજાશે

ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આજે વલસાડના તડકેશ્વર મંદિરના પ્રાંગણમાં યોગ કાર્યક્રમ યોજાશે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે આઈકોનિક પ્લેસ પર કાર્યક્રમ થઈ રહ્યા છે
વલસાડ : સમગ્ર દેશમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલી રહી છે. જેને સમર્થન આપવા દેશના દરેક નાગરિક સ્વસ્થ અને નિરોગી બને તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ના પ્રોટોકોલની પ્રેક્ટિસ દરેક જિલ્લામાં આઇકોનિક પ્લેસ એટલે કે પ્રતિષ્ઠિત સ્થળ પર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે તા. ૩૦ એપ્રિલે સવારે ૬ કલાકે તડકેશ્વર મંદિરના પ્રાંગણમાં યોગ કાર્યક્રમ યોજાશે.
વલસાડના પારનેરા પારડી સ્થિત સુપ્રસિદ્ધ સંકટ હરન હનુમાનજી મંદિર થી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન શ્રીસંકટ હરન હનુમાનજી સંસ્થાપન ટ્રસ્ટ પારનેરા પારડી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી કરવામાં આવ્યું હતું. મંચ સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું. સિનિયર યોગ કોચ જાગૃતિબેન દેસાઈ અને નિલેશભાઈ કોશિયા મંચથી કાર્યક્રમના સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પારનેરા પારડીના ગ્રામજનો, યોગબોર્ડ સાથે જોડાયેલા યોગ ટ્રેનરો અને યોગ સાધકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. હવે આ શૃંખલાનો બીજો કાર્યક્રમ વલસાડના સુપ્રસિધ્ધ તડકેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં તા. ૩૦ એપ્રિલ ના રોજ સવારે ૬ વાગ્યે યોજાશે. જેમાં મોટી સંખ્યામાં લોકોને લાભ લેવા યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.