પિતાની મજબૂરી પોલીસ બની આધાર

સુરતમાં માતા વિહોણી 6 વર્ષની દીકરીના પિતાએ આપઘાત કરી લેતા મહિલા પીએસઆઈએ માસૂમને આપ્યો પ્રેમ
સરથાણામાં માતા વગરની 6 વર્ષની દીકરીને સુવડાવી રત્નકલાકાર પિતાનો ફાંસો
સુરતના સરથાણામાં રત્નકલાકારે માતા વિહોણી પુત્રીને સુવડાવી ફાંસો ખાઈ લીધો હતો. મુળ ભાવનગરના અને અગાઉ લંબેહનુમાન રોડ રેણુકાભવન પાસે રહેતા ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોડ(40) અગાઉ હીરાના કારખાનામાં કામ કરતા હતા. તેમના પત્નીનું અગાઉ અવસાન થઈ ગયું હતું. શનિવારે તેઓ તેમની 6 વર્ષીય દીકરી સાથે વતનથી સુરત આવ્યા હતા અને સારોલી બીઆરટીએસથી વનમાળી જંક્શન બીઆરટીએસ બસ સ્ટેન્ડની વચ્ચે કેનાલની બાજુમાં આંબાના ઝાડ પાસે રાત્રે આશરો લીધો હતો. રાત્રે દીકરીને સુવડાવી દીધા બાદ ધર્મેન્દ્રભાઈએ પોતે આંબાના ઝાડની ડાળી સાથે દોરી વડે ફાંસો ખાધો હતો. જેથી નિરાધાર બનેલી માસૂમ દીકરીની વ્હારે સરથાણા પોલીસ આવી હતી. મહિલા પીએસઆઈ બી.ડી. મારૂએ માસૂમ દીકરીનું પ્રેમ પૂર્વક જતન કરી રહ્યાં છે.
પોલીસ બની યશોદા
6 વર્ષની માસૂમ દીકરીએ માતા ગુમાવ્યા બાદ પિતાએ આપઘાત કરી લેતા અનાથ બની ગઈ હતી. જેથી સરથાણા પોલીસ પાસે હાલ માસૂમ દીકરી છે. આખો દિવસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ યશોદા બન્યો હોય તે રીતે બાળકીનું લાલન પાલન કર્યું હતું. બાદમાં રાત્રિના સમયે પીએસઆઈ બી.ડી. મારું બાળકીને પોતાના ઘરે લઈ ગયા હતાં. જ્યાં તેણીને નવડાવી ધોવડાવી, જમાડીને બીજે દિવસે વળી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ આવ્યાં હતાં. હાલ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ બાળકીને કંઈ ઓછું ન આવે તેનું ધ્યાન રાખી રહ્યો છે.
બાળકીના પિતાની સ્યુસાઈડ નોટ મળી
પોલીસે દીકરીની પુછપરછ કરતા તેણે તેની માતાનું અગાઉ અવસાન થઈ ગયું હોવાનું તેમજ શનિવારે જ વતનથી સુરત આવ્યા હોવાનું અને પિતા હીરાના કારખાનામાં કામ કરવા માટે જવાના હોવાનું જણાવ્યું હતું. જોકે, પિતાએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. ધર્મેન્દ્રભાઈ પાસે એક ડાયરી મળી આવી હતી. જેમાં તેમણે `હું મારી રીતે જાઉ છુ, કોઈનો વાંક નથી કોઈને હેરાન કરતા નહી` તેવી સ્યુસાઈડ નોટ લખી હતી. બનાવ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.