એક પરીક્ષા… કરોડો આશાઓ… અને પારદર્શિતાની જરૂરિયાત

એક પરીક્ષા… કરોડો આશાઓ… અને પારદર્શિતાની જરૂરિયાત
ગુજરાત સહિત સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે NEET હવે માત્ર એક પ્રવેશ પરીક્ષા નથી રહી; તે લાખો પરિવારોના સપનાઓ, વર્ષોની મહેનત અને ભાવનાત્મક યાત્રાનું પ્રતિક બની ગઈ છે. વર્ષ 2025માં દેશભરમાં આશરે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ NEET-UG પરીક્ષા આપી હતી, જ્યારે સમગ્ર ભારતમાં MBBS માટે આશરે 1.26 લાખ જેટલી બેઠકો ઉપલબ્ધ હતી. એટલે કે લગભગ દરેક 17થી 18 વિદ્યાર્થીઓ સામે માત્ર 1 MBBS બેઠક ઉપલબ્ધ બને છે. આ આંકડા સ્પર્ધાની ગંભીરતા દર્શાવે છે અને સમજાવે છે કે કેમ NEET આજે દેશની સૌથી સંવેદનશીલ અને પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંની એક બની ગઈ છે.
જો દરેક વિદ્યાર્થી સાથે સરેરાશ ચારથી પાંચ પરિવારજનોની આશાઓ અને લાગણીઓ જોડાયેલી ગણીએ, તો સીધી કે પરોક્ષ રીતે એક કરોડથી વધુ લોકો NEETની પ્રક્રિયાથી પ્રભાવિત થાય છે. હકીકતમાં NEET માટેની તૈયારી માત્ર વિદ્યાર્થી જ નથી કરતો; ઘણા પરિવારોમાં ધોરણ 9 અથવા 10થી જ “મારો દીકરો કે દીકરી ડૉક્ટર બનશે” એવું સ્વપ્ન જીવાતું શરૂ થઈ જાય છે. માતા-પિતા કોચિંગ, પુસ્તકો, શાળા અને માર્ગદર્શન માટે પોતાના ખર્ચા ઓછા કરે છે, દાદા-દાદી પ્રાર્થના કરે છે, ભાઈ-બહેન પ્રોત્સાહન આપે છે અને આખું કુટુંબ વિદ્યાર્થીની પ્રગતિ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે. તેથી જ્યારે paper leak જેવી ઘટનાઓ સામે આવે છે ત્યારે માત્ર એક પરીક્ષાની વિશ્વસનીયતા જ નહીં, પરંતુ લાખો પરિવારોનો વિશ્વાસ પણ હચમચી જાય છે.
દેશના અનેક શિક્ષણવિદો, IITના પૂર્વ ડિરેક્ટરો અને ટેક્નોલોજી નિષ્ણાતો હવે માને છે કે NEETને સંપૂર્ણ Computer Based Test (CBT) તરફ લઈ જવું સમયની જરૂરિયાત છે. Artificial Intelligence, biometric verification, encrypted question papers અને real-time monitoring જેવી ટેક્નોલોજી દ્વારા paper leak અને ગેરરીતિઓને મોટા પ્રમાણમાં રોકી શકાય છે. કેટલાક નિષ્ણાતોએ વર્ષમાં બે કે ત્રણ વખત પરીક્ષા લેવાની અને aptitude આધારિત evaluation system વિકસાવવાની પણ સલાહ આપી છે જેથી વિદ્યાર્થીઓ પરનો એકદિવસીય માનસિક દબાણ ઘટે.
હાલમાં ભારતમાં આશરે 780થી વધુ મેડિકલ કોલેજો કાર્યરત છે અને કુલ MBBS બેઠકોનો આંકડો આશરે 1.26 લાખ સુધી પહોંચ્યો છે. છતાં દેશની લગભગ 150 કરોડની વસ્તી સામે ડૉક્ટરોની જરૂરિયાત હજુ પણ ખૂબ મોટી છે. આરોગ્ય ક્ષેત્રના અનેક અભ્યાસો દર્શાવે છે કે ભારતને ભવિષ્યમાં વધુ ગુણવત્તાસભર ડૉક્ટરો, હોસ્પિટલો અને આરોગ્યસેવાઓની જરૂર પડશે. કદાચ એ જ કારણ છે કે સમાજમાં ડૉક્ટર બનવું આજે પણ અત્યંત પ્રતિષ્ઠિત અને સન્માનજનક માનવામાં આવે છે અને મર્યાદિત બેઠકોને કારણે કેટલીક અસામાજિક તાકાતો paper leak જેવી ગેરરીતિઓ તરફ આકર્ષાય છે.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં હાલમાં આશરે 41થી 43 મેડિકલ કોલેજો કાર્યરત છે અને કુલ MBBS બેઠકો આશરે 7,000થી 7,500 વચ્ચે છે. જેમાં સરકારી તેમજ ખાનગી બંને મેડિકલ કોલેજોનો સમાવેશ થાય છે. વર્ષ 2025માં ગુજરાતમાંથી આશરે 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ NEET પરીક્ષામાં બેઠા હતા. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં પણ મેડિકલ શિક્ષણ માટેની સ્પર્ધા અત્યંત કઠિન અને પડકારજનક બની રહી છે.
ડૉક્ટર બનવાની સફર પણ સહેલી નથી. વિદ્યાર્થી ધોરણ 12 પછી MBBSમાં પ્રવેશ મેળવે છે, ત્યારબાદ લગભગ 5.5 વર્ષ MBBS અને internship પૂર્ણ કરે છે. ત્યાર પછી MD/MS અથવા specialization માટે વધુ 3થી5 વર્ષનો સમય લાગે છે. એટલે કે એક વિદ્યાર્થી સંપૂર્ણ નિષ્ણાત ડૉક્ટર બનતા બનતા ઘણીવાર 28થી30 વર્ષની ઉંમરે પહોંચે છે. આ લાંબી સફર દરમિયાન સતત અભ્યાસ, માનસિક દબાણ, પરિવારનો સહકાર અને સમાજની અપેક્ષાઓ જોડાયેલી રહે છે.
આ પરિસ્થિતિમાં જરૂરી છે કે NEET જેવી રાષ્ટ્રીય પરીક્ષા સંપૂર્ણ પારદર્શક, ટેક્નોલોજી આધારિત અને વિશ્વસનીય બને. દેશના લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોની મહેનત, વિશ્વાસ અને સપનાઓ સાથે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે સમગ્ર સમાજ અને વ્યવસ્થાની સામૂહિક જવાબદારી છે.
સંજય આર. પટેલ
શિક્ષણવિદ્



