મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પલસાણા તાલુકાના જોડાવા ગામે ‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ની ઉજવણી સંપન્ન
મહિલાઓના ઉત્કર્ષ માટેનો ‘નારી વંદન ઉત્સવ’ ૨૦૨૩
મહિલાઓને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપવામાં આવીઃ
સુરત:સોમવાર: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી થઈ રહેલા ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહના અંતિમ દિને પલસાણા તાલુકાના જોળવા ગામે ‘મહિલા અને બાળ આરોગ્ય દિન’ તેમજ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા મહિલાઓ અને બાળકો માટે ચાલતી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની ઝાંખી કરાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત સી.ડી.પી.ઓશ્રીમતી જસ્મીનાબેને પૂરક પોષણ કાર્યક્રમ હેઠળ અપાતા THR (ટેક હોમ રોશન)ની માહિતી આપતા જણાવ્યું હતું કે, આંગણવાડીમાંથી આપવામાં આવતા બાળશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ પ્રીમિક્ષ પેકેટ સૂક્ષ્મ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. જે કુપોષિત બાળકો, ગર્ભવતી અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓને સર્વોત્તમ આહાર પુરો પાડે છે. વિવિધ અનાજોથી બનેલા પ્રી-મિક્ષથી તૈયાર થતી વાનગીઓ તેમના શરીરમાં ખૂટતા વિટામિન, પ્રોટીન, મિનરલ સહિતના અનેક પોષક તત્વો જાળવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
આયુર્વેદ તબીબ ડૉ. રિંકુબેને કાર્યક્રમમાં હાજર તમામ મહિલા અને બાળકીઓને રોજિંદા જીવનમાં આયુર્વેદનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે દરેકને આયુર્વેદ દિનચર્યાનું પાલન કરવાનો અનુરોધ કરી નિયમિત કસરત તેમજ પ્રાણાયામ કરવાની અપીલ કરી હતી.
આ અવસરે અમદાવાદના સાર્થક આર્ટ ફાઉન્ડેશને જ્ઞાન સાથે ગમ્મત કરાવતું નાનકડું નાટક ભજવ્યું હતું. તો સખી વન સ્ટોપ સેન્ટરના મમતાબેને બાળકો અને મહિલાઓ માટે કાર્યરત અનેકવિધ આરોગ્યલક્ષી યોજનાઓ, સખી વન સ્ટોપ સેન્ટર, અભયમ, પી.બી.એસ.સી, નારી સંરક્ષણ ગૃહ, વ્હાલી દીકરી, મહિલા સ્વાવલંબન, વિધવા પુનર્લગ્ન, ગંગા સ્વરૂપા જેવી વિવિધ યોજનાઓની વિસ્તૃતમાં માહિતી આપી હતી.
મહિલા અને બાળ આરોગ્ય દિન તેમજ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં બાળકીઓ અને મહિલાઓ માટે નિ:શુલ્ક આરોગ્ય તપાસ તેમજ આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા પ્રીમિક્ષ પેકેટમાંથી તૈયાર થતા ઇદડાં, પૂડા, શીરો, ખીચું, થેપલા, મૂઠિયાં, સુખડી, ખિચડી સહિતની અનેક વાનગીઓનું પ્રદર્શન પણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીશ્રી બી.જે.ગામિત, દહેજ પ્રતિબંધક અને સંહરક્ષણ અધિકારીશ્રીઓ ડી.પી.વસાવા અને કે.વી.લકુમ, ડિસ્ટ્રિક્ટ કો ઓર્ડીનેટરશ્રીમતી સ્મિતાબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકીઓ ઉપસ્થિત રહ્યા હતા.