DoJ કેસથી વિકસિત ભારત સુધી: ગૌતમ અદાણીએ વિશ્વાસ, નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણના મૂલ્યો પર વ્યક્ત કર્યા વિચારો

DoJ કેસથી વિકસિત ભારત સુધી: ગૌતમ અદાણીએ વિશ્વાસ, નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણના મૂલ્યો પર વ્યક્ત કર્યા વિચારો
અમદાવાદ, 12 ઓગસ્ટ 2026: ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વભૂમિકા વચ્ચે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ‘અપની બાત, અપનો કે સાથ’ના બીજા સંસ્કરણમાં વિશ્વાસ, નેતૃત્વ, સંઘર્ષમાંથી મળતા બોધપાઠ અને રાષ્ટ્રનિર્માણમાં દરેક પેઢીની જવાબદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા.
10 ઓગસ્ટે અમેરિકાની U.S. District Court for the Eastern District of New York (EDNY) દ્વારા તેમના વિરુદ્ધ અમેરિકન ન્યાય વિભાગ (DoJ)નો ફોજદારી કેસ બરતરફ કરવામાં આવ્યા બાદ તેમણે કહ્યું કે આ સમગ્ર અનુભવથી કાયદાના શાસન પ્રત્યેની શ્રદ્ધા વધુ મજબૂત બની છે અને નમ્રતા તથા મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ ગાઢ બની છે.
હિન્ડનબર્ગના આક્ષેપો અને ત્યારબાદની DoJ કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં શ્રી અદાણીએ કહ્યું કે મુશ્કેલી વ્યક્તિત્વનું નિર્માણ કરતી નથી, પરંતુ તેને ઉજાગર કરે છે. તેમણે ઉમેર્યું કે લાંબા સમયનો વિશ્વાસ પોતાના વચનો નિભાવવાથી, મૂલ્યો પર અડગ રહેવાથી અને મુશ્કેલ સમયમાં પણ યોગ્ય કાર્ય કરવાથી પ્રાપ્ત થાય છે.
આ સંદર્ભમાં તેમણે અદાણી ગ્રુપ દ્વારા ₹20,000 કરોડનો FPO પાછો ખેંચવાનો નિર્ણય યાદ કરતાં કહ્યું: “Trust is greater than any legal right.” તેમણે સમજાવ્યું કે કાયદો અધિકારો આપે છે, પરંતુ એ અધિકારોનો ઉપયોગ ક્યારે કરવો તે મૂલ્યો નક્કી કરે છે.
700થી વધુ સ્થળોએ કાર્યરત ત્રણ લાખથી વધુ કર્મચારીઓ અને ભાગીદારો ધરાવતા અદાણી પરિવારને સંબોધતા શ્રી અદાણીએ કહ્યું કે ભારત જ્યારે ‘વિકસિત ભારત’ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દરેક વ્યક્તિએ પોતાને એક પ્રશ્ન પૂછવો જોઈએ—“આપણી પેઢીને કયા કાર્ય માટે યાદ કરવામાં આવશે?”
કાનૂની પ્રક્રિયા દરમિયાન પણ ગ્રુપે પોતાના વ્યવસાય, પ્રોજેક્ટ્સ અને પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું. આ સમયગાળામાં કર્મચારીઓ, કામદારો, સપ્લાયર્સ, કોન્ટ્રાક્ટર્સ, વેન્ડર્સ અને ભાગીદારોએ અડગ સમર્પણ સાથે કામગીરી ચાલુ રાખી, જેને શ્રી અદાણીએ અદાણી પરિવારની સાચી શક્તિ ગણાવી.
ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કના યુવા એન્જિનિયર અમિત કુમાર સાથેની વાતચીતને યાદ કરતાં તેમણે કહ્યું કે વિકાસનો અર્થ માત્ર વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવો નથી, પરંતુ લોકોમાં આશા જગાવવી, તેમની ગરિમા પુનઃસ્થાપિત કરવી અને જીવનમાં પરિવર્તન લાવવું પણ છે.
સ્વાતંત્ર્યની શતાબ્દી તરફ આગળ વધતા શ્રી અદાણીએ અદાણી પરિવાર અને ભાગીદારોને નમ્રતા, પ્રામાણિકતા અને નવા હેતુભાવ સાથે આગળ વધવા આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે આગામી લક્ષ્ય માત્ર વિશ્વસ્તરીય વ્યવસાયો ઊભા કરવાનું નહીં, પરંતુ વ્યક્તિઓ કરતાં લાંબા સમય સુધી ટકી રહે તેવી સંસ્થાઓ ઊભી કરવાનું છે, જે તકોનો વિસ્તાર કરે અને વધુ મજબૂત, આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપે.

