’જનસેવા એ જ પ્રભુસેવા’ના ભાવ સાથે જન્મદિવસની અનોખી ઉજવણી
’જનસેવા એ જ પ્રભુસેવા’ના ભાવ સાથે જન્મદિવસની અનોખી ઉજવણી
ધારાસભ્ય સંગીતાબેન પાટીલે લિંબાયતમાં સેવાકાર્યો સાથે જન્મદિવસની ઉજવણી કરી
૫૧ વિદ્યાર્થિનીઓને સાયકલ, ૫૦૧ ભૂલંકાઓને સ્કૂલ બેગ અને રેઇનકોટ, ૧૦૦થી વધુ ગંગાસ્વરૂપ બહેનોને કિટ્સનું વિતરણ
લિંબાયતવાસીઓની સુખાકારી, શિક્ષણ, આરોગ્ય એ મારી પ્રાથમિકતા છેઃધારાસભ્ય સંગીતાબેન પાટીલ
જન્મદિવસ માત્ર વ્યક્તિગત આનંદનો નહીં, પરંતુ સમાજઋણ ચૂકવવાનો અવસર છે એવી ઉદાત્ત ભાવનાને સાર્થક કરતા લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકીય અને જનહિતલક્ષી કાર્યો થકી કરી હતી.
નીલગીરી સર્કલ સ્થિત કાર્યાલય ખાતે શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સુરક્ષાને આવરી લઇને સેવા કાર્યો ઉપરાંત નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં સામાન્ય આરોગ્ય તપાસ, તબીબી માર્ગદર્શન તેમજ આંખોની નિઃશુલ્ક તપાસ અને સારવાર કરાઈ હતી. મોટી સંખ્યામાં નાગરિકોએ આ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
શિક્ષણને પ્રોત્સાહન આપવા અને મહત્તમ દીકરીઓ શાળાએ જાય તે હેતુથી ૫૧ વિદ્યાર્થિનીઓને સાયકલ વિતરણ તેમજ ૫૦૧ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને રેઇનકોટ, સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગની ચિંતા કરી ૧૦૦થી વધુ ગંગાસ્વરૂપ અને અસહાય બહેનોને જીવનજરૂરી કરિયાણું અને દૈનિક વપરાશની વસ્તુઓ ધરાવતી કિટ્સનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, “જન્મદિવસ માત્ર વ્યક્તિગત ઉજવણીનો દિવસ નથી, પરંતુ સમાજ પ્રત્યેની આપણી જવાબદારી નિભાવવાનો અવસર છે. લિંબાયતના દરેક નાગરિકોની સુખાકારી, શિક્ષણ, આરોગ્ય અને કલ્યાણએ મારી પ્રાથમિકતા છે. સેવા દ્વારા સમાજના અંતિમ વ્યક્તિ સુધી સહાય પહોંચે અને સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તે જ જન્મદિવસની સાચી ઉજવણી હોવાનું તેમણે કહ્યું હતું.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “લિંબાયતના વિકાસ અને લોકોના કલ્યાણ માટે સતત કાર્ય કરવાનો મારો સંકલ્પ છે. સેવા, સંવેદના અને સમાજહિતના કાર્યો દ્વારા આપણે સૌ મળીને વધુ સશક્ત અને સમૃદ્ધ લિંબાયતના નિર્માણ સાથે સુરત શહેરને વધુ ઉન્નત બનાવી શકીશું.


