ગુજરાત

નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ મહારાષ્ટ્રના યુવકની છાતીમાં ઘૂસી ગયેલી છરી ૩ કલાકની જટિલ સર્જરી બાદ સફળતાપૂર્વક બહાર કાઢી નવજીવન આપ્યું

નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ મહારાષ્ટ્રના યુવકની છાતીમાં ઘૂસી ગયેલી છરી ૩ કલાકની જટિલ સર્જરી બાદ સફળતાપૂર્વક બહાર કાઢી નવજીવન આપ્યું
છરીની ધારદાર અણી ફેફસામાં વાગવાથી ફેફસામાં કટ પડ્યો હતો અને છરીની અણી હૃદયના ઉપરના આવરણ (મેમ્બ્રેન) ની એકદમ નજીક સુધી પહોંચી ગઈ હતી
ભારે રક્તસ્ત્રાવથી દર્દીનો જીવ અત્યંત જોખમમાં હતો: કુશળ તબીબોની ટીમે કાળજીપૂર્વક સર્જરી કરી જીવ બચાવ્યો
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાગામ પાંખરી ખાતે રહેતા ૪૦ વર્ષીય નિતેશભાઈ ગાવિત માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબો દેવદૂત સાબિત થયા છે. ૧૦ ઓગસ્ટના રોજ છાતીના ડાબા ભાગમાં છરીથી ગંભીર ઈજા થયા બાદ અત્યંત નાજુક સ્થિતિમાં નિતેશભાઈને નંદુરબારથી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. છરીનો અડધો ભાગ છાતીમાં ઘુસેલો હતો અને એ જ સ્થિતિમાં નવી સિવિલમાં આવતા નવી સિવિલના કુશળ તબીબોની ટીમે ૩ કલાકની અત્યંત જટિલ અને પડકારજનક સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને દર્દીનો જીવ બચાવી લીધો છે.
છરીની ધારદાર અણી ફેફસામાં વાગવાથી ફેફસામાં કટ પડ્યો હતો અને છરીની અણી હૃદયના ઉપરના આવરણ (મેમ્બ્રેન) ની સાવ નજીક સુધી પહોંચી ગઈ હતી. આના કારણે છાતીના અંદરના ભાગમાં ભારે રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો અને દર્દીનો જીવ અત્યંત જોખમમાં હતો. પરંતુ કુશળ તબીબોની ટીમે દર્દીની સમયસર અને કાળજીપૂર્વક સર્જરી કરી જીવ બચાવ્યો હતો.
દર્દીને છાતીના ડાબા ભાગમાં છરી ઘૂસેલી સ્થિતિમાં તા.૧૦મીએ સાંજના સુમારે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે કેઝ્યુઅલિટી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટર્સ ડૉ. જાહ્નવી મિરજગવે અને ડૉ. યશ રાણપરિયાએ સહેજ પણ સમય બગાડ્યા વિના પ્રાથમિક સારવાર આપી ત્વરિત ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કર્યા હતા. ત્યારબાદ એસોસિયેટ પ્રોફેસર ડૉ. દેવેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્જરી ટીમના સહાયક પ્રોફેસર ડૉ. રોહન ગુપ્તા તથા સિનિયર રેસિડેન્ટ ડૉ. પાર્થ પટેલ દ્વારા સર્જરી શરૂ કરવામાં આવી હતી.
ડૉ. રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, ડાબી બાજુથી છાતી ખોલીને અત્યંત સાવચેતીપૂર્વક હૃદયની બિલકુલ નજીક પહોંચેલી છરીને બહાર કાઢવામાં આવી હતી. અંદર જમા થયેલું લોહી દૂર કરી, ફેફસામાં પડેલા કટ પર ટાંકા લઈને તેને સફળતાપૂર્વક રિપેર કરવામાં આવ્યું હતું. સતત ૩ કલાકની ભારે જહેમત બાદ આ જટિલ સર્જરી સફળ રહી હતી.
સર્જરી બાદ દર્દીને આઈસીયુ (ICU) માં રાખવામાં આવ્યા બાદ હવે તેમની સ્થિતિ ભયમુક્ત અને સ્થિર જણાતાં જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. દર્દી હવે સંપૂર્ણ સ્વસ્થ છે. સમયસર અને સચોટ સારવાર આપી નવજીવન બક્ષવા બદલ દર્દીના પરિજનોએ નવી સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો આભાર માન્યો હતો.
નવી સિવિલના તબીબી અધિક્ષક ડો. પારૂલ વડગામાએ સફળ સર્જરી બદલ તબીબી ટીમને બિરદાવી હતી. સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા પાડોશી રાજ્યોના દર્દીઓને પણ શ્રેષ્ઠ અને સંતોષકારક સારવાર સેવા મળી રહી છે, ત્યારે સિવિલના નિષ્ણાત તબીબો ઉત્તમ સારવાર આપવા સાથે જટિલ અને પડકારજનક સર્જરીઓ થકી હજારો દર્દીઓ માટે પ્રાણદાતા બન્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button