સરકારી જાહેરાતો મૃગજળ સમાન: સાધલી આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની ગેરહાજરીથી દર્દીઓ રામભરોસે

સરકારી જાહેરાતો મૃગજળ સમાન: સાધલી આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની ગેરહાજરીથી દર્દીઓ રામભરોસે
શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલ એક કરોડના ખર્ચે બનેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં ડોક્ટર રૂપી પુજારીઓ ના હોવાના કારણે દર્દીઓ માટે ધર્મ ધક્કાનું સ્થાન બનેલ છે.
સરકાર એક તરફ આરોગ્ય બાબતે મસ મોટા ખર્ચાઓ સાથે જાહેરાતો કરે છે. જે જાહેરાતો રણમાં મૃગજળ જેવી છેતરામણી છે, તેનો પ્રત્યક્ષ દાખલો શિનોર તાલુકાના સાધલી મુકામે આશરે 1 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી કાયમી ડોક્ટર ના હોવાના કારણે આયુષ ડોક્ટર દ્વારા એલોપેથી દવાઓ અપાય છે, જે મેડિકલ સાયન્સ ના કાયદાની વિરુદ્ધ છે. અધુરામાં પૂરું સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ 1 એપ્રિલ 2026 ના રોજ જાહેર થઈ ત્યારથી પ્રતિ નિયુક્તિથી અઠવાડિયામાં માત્ર બે દિવસ મુકાયેલ ડોક્ટર પણ આવતા નથી અને છેલ્લા ઘણા દિવસથી આયુષ મેડિકલ ઓફિસર પણ રજા ઉપર ગયા છે, જેથી હાલમાં આ દવાખાનું ચૂંટણીના સમયે શ્રીરામ ભરોસે ચાલી રહ્યું છે, અને બીમારી ધરાવતા દર્દીઓને દવાખાને આવીને ધરમ ધક્કા થાય છે, અને લીલા તોરણે પાછું જવુ પડે છે.ચૂંટણી ચૂંટણી જાહેર થયા પછી કર્મચારીઓ કે અધિકારીઓની રજા મંજૂર કરાતી નથી, તો સાધલી મુકામે મેડિકલ ઓફિસરોની રજા કોને મંજૂર કરી તે તપાસનો વિષય બનેલ છે ,અને દર્દીઓને ભગવાન ભરોસે કેમ છોડી દીધા ,તેની તપાસ પણ જરૂરી છે. ચૂંટણીમાં વ્યસ્ત નેતાઓ તથા અધિકારીઓને આ બાબતે હાલ કંઈ પડી નથી, તે દેખાઈ આવે છે. આરોગ્ય તંત્ર વહેલી તકે ડોક્ટરની નિમણૂક કરે એવી માંગ છે.



