ભુજ ખાતે કૃષિ ડેરી પ્રદર્શન – ૨૦૨૩નું ઉદ્ઘાટન કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

કચ્છના ખેડૂતો પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નવા વિક્રમો સર્જી રહ્યા છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
દુનિયાભરમાં નવીન ખેતીની પદ્ધતિઓ થકી કચ્છના ખેડૂતો જાણીતા બન્યા છે : સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા
ભુજ: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજના મિરજાપર ખાતે ૧૩મા કૃષિ ડેરી પ્રદર્શન – ૨૦૨૩ને ખુલ્લુ મૂક્યું હતું. આ કૃષિ પ્રદર્શન ૭ એપ્રિલથી ૧૦ એપ્રિલ સુધી યોજાશે. જેનું આયોજન સંયુક્ત રીતે નેશનલ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને કચ્છમિત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
કૃષિ અને ડેરી પ્રદર્શનના શુભારંભ પ્રસંગે ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, કચ્છના ખેડૂતોના જળ સંચય, ખેતીની સમૃદ્ધિ માટેના પ્રયાસો અનેરા છે. તેઓએ ખેતીના ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશે સૌ ઉપસ્થિતોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, કચ્છ પ્રદેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રિય પ્રદેશ બની રહ્યો છે. વર્ષ ૨૦૦૧ના ભૂકંપ પછી વડાપ્રધાનશ્રીએ કચ્છ નિર્માણનો જે સંકલ્પ લીધો હતો, તેના જ પરિણામે આજે કચ્છ વૈશ્વિક સ્તરે જાણીતું બન્યું છે. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’; આ માન્યતા આજે સાર્થક બની છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું કે, કચ્છના પ્રગતિશીલ ખેડૂતોએ અવનવા પ્રયોગો થકી કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી દીધી છે. કચ્છની વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં અનાજ અને ફળોનું વાવેતર કરીને ખેડૂતોએ સમગ્ર પ્રદેશને હરિયાળો બનાવ્યો છે. રાજ્યપાલશ્રીએ મંચ પરથી કૃષિક્ષેત્રે ઈતિહાસ બનાવવા બદલ કચ્છના ખેડૂતોને અભિનંદન પાઠવી કચ્છના ખેડૂતો પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નવા વિક્રમો સર્જી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સૌને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. રાસાયણિક ખેતીથી કેવી રીતે આપણી ફળદ્રુપ જમીન બિનઉપજાઉ બની રહી છે તેના વિશે તેઓએ વિગતવાર સમજણ આપી હતી. રાજ્યભરમાં વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈને નિરોગી જીવન જીવે એ દિશામાં કામગીરી કરવા તેમણે સૂચન કર્યું હતું. ગૌમુત્ર-ગાયના છાણનો ખાતર તરીકે ઉપયોગ વગેરે બાબતોને ઉદાહરણ સાથે રાજ્યપાલશ્રીએ સમજાવી હતી. તેઓએ પ્રાકૃતિક ખેતીથી કેવી રીતે કોઈપણ પ્રકારના ખર્ચ વિના ઉત્પાદન વધારી શકાય તેના વિશે સમજણ આપી હતી. દેશમાં આજે પ્રાકૃતિક ખેતીની આવશ્યકતા ઉપર ભાર મૂકીને ગાય આધારિત ખેતી કરવા માટે રાજ્યપાલશ્રીએ સૌ ઉપસ્થિત ખેડૂતોને શપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે કચ્છ-મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પ્રથમ કૃષિ પ્રદર્શનને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખુલ્લું મૂક્યું હતું. આજે ૧૩મા પ્રદર્શનનું આયોજન થઈ રહ્યું છે જે આપણા સૌ કચ્છીઓ માટે ગૌરવની વાત છે. કચ્છના ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે રાજ્યપાલશ્રી વારંવાર કચ્છની મુલાકાતે પધારે છે. નવીન ખેતીની પદ્ધતિઓ થકી કચ્છના ખેડૂતો આજે દુનિયાભરમાં જાણીતા બન્યા છે.
રાજ્યપાલશ્રીના હસ્તે પ્રાકૃતિક કૃષિક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા ખેડૂતોનું પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કચ્છમિત્રના તંત્રી શ્રી દિપકભાઈ માંકડે કર્યું હતું. કાર્યક્રમના સ્થળે માનનીય રાજ્યપાલશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ કૃષિ પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને વિગતવાર જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારૂલબેન કારા, ધારાસભ્ય સર્વશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા શ્રીમતી નીમાબેન આચાર્ય, પૂર્વ રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિર, પૂર્વમંત્રી શ્રી બાબુભાઇ શાહ, સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, ઉપપ્રમુખશ્રી રેશ્માબેન ઝવેરી, અગ્રણી સર્વ શ્રી ઉદ્યોગપતિ શ્રી દિપેશભાઈ શ્રોફ, શ્રી પ્રશાંતભાઈ પટેલ, કચ્છ કલેકટર શ્રી અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કે.ઓ.વાઘેલા, ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી વિવેક બારહટ, આગેવાન શ્રી હરેશભાઈ ઠક્કર, શ્રી શૈલેષભાઈ કંસારા, નિખિલભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.