સુરત: સિવિલ કેમ્પસમાં આવેલી ફિઝિયોથેરાપી હોસ્ટેલમાં મોડી રાત્રે આત્મહત્યા કરે તે પહેલા ખટોદરા પોલીસે ફિઝિયોથેરાપીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને બચાવી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વોટ્સએપના સ્ટેટસમાં ‘પંખા સાથે દોરડું બાંધેલો’ ફોટો મૂક્યો હતો. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી.
મોડી રાત્રે ફિઝિયોથેરાપી હોસ્ટેલમાં પોલીસની દોડાદોડી
મોડી રાત્રે પોણા એક વાગ્યાના આસપાસ સિવિલ કેમ્પસમાં આવેલી ફિઝિયોથેરાપી હોસ્ટેલમાં પોલીસની દોડાદોડી જોઈ બીજી વિદ્યાર્થિનીઓ અને સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. હોસ્ટેલની રૂમમાં એક વિદ્યાર્થિની આત્મહત્યા કરનાર હોવાનું સાંભળી અહીંના કર્મચારીઓના હોશ ઊડી ગયા હતા.
દહેરાદૂનમાં રહેતા મિત્રએ સ્ટેટસ જોઈ કોલ કર્યો
અંકલેશ્વરની વતની અને સિવિલ સ્થિત ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ તેણીના વોટ્સએપ સ્ટેટ્સમાં પંખા સાથે દોરડું બાંધેલો’ ફોટો મૂક્યો હતો. ગણતરીના બેત્રણ જણાને દેખાય તે રીતે તેણીએ સ્ટેટસમાં સેટિંગ કર્યું હતું. દરમિયાન દહેરાદૂનમાં રહેતા મિત્રએ સ્ટેટસ જોઇ તેણીને ફોન કર્યો હતો.
પોલીસ કંટ્રોલમાં જાણ કરતા ટીમ દોડી ગઈ
વિદ્યાર્થિનીની સાથેની વાતચીત બાદ તેણીએ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હોવાનું અંદાજો આવી ગયો હતો. જેથી મિત્રએ થોડા પણ સમયનો બગાડ કર્યા વિના કોલ કટ થતાની સાથે સુરત શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં આ મામલે જાણ કરી હતી. આ અંગેની જાણ થતાં જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને એક ટીમને મોકલી આપી હતી.
રૂમ પર જઈ દરવાજે ઊભા રહી પોલીસે કાઉન્સેલિંગ કર્યું
કંટ્રોલ રૂમમાંથી વર્દી મળતા નાઈટ પેટ્રોલિંગની ગાડીમાં એએસઆઈ સુશીલાબેન, પો.કો. ભરતભાઈ અને પો.કો. મનિષાબેનને ફિઝિયોથેરાપી હોસ્ટેલે દોડી ગયા હતા. વિદ્યાર્થિનીની રૂમ પર જઈ દરવાજે ઊભા રહી પોલીસ ટીમે તેણીનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેણીની વાતો પરથી પરીક્ષાને લઈ તણાવમાં હોવાનું જણાઈ આવ્યું હતું.
પેપર ખરાબ જતા ડિપ્રેશનમાં આવી ગઈ હતી
પીઆઇ આર.કે. ધુળીયાએ જણાવ્યું હતું, હાલ વિદ્યાર્થિનીની પરીક્ષા ચાલી રહી છે. પેપર ખરાબ ગયા હોય ડિપ્રેશનમાં આવી ગઈ હતી. જેને લીધે આત્મહત્યા કરવા વિચારી રહી હતી. જોકે, પોલીસની સમજાવટ બાદ તેણીએ દરવાજા ખોલતા રાહત અનુભવી હતી. વિદ્યાર્થિનાં માતા- પિતાને જાણ કરતા તેઓ પણ હોસ્ટેલ દોડી આવ્યા હતા. ત્યારબાદ માતા પિતા દીકરીને લઈને અંકલેશ્વર જતાં રહ્યાં હતાં.