રત્નકલાકાર પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, પત્નીનું મોત

સરથાણાના પરિવારના 4 સભ્યે આર્થિક તંગીમાં પગલું ભર્યાની આશંકા
સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા પી સામૂહીક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ પત્નીનું મોત નિપજ્યું છે. આર્થિક સંકડાામણના કારણે પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.
સરથાણા વિજય નગર સોસાયટીમાં રહેતા અને મુળ ભાવનગરના શિહોરના વતની વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા(55)હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમનો 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ચારેયને સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ મોડી રાત્રે શારદાબેનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા હોસ્પિટલ દોડી ગયેલી પોલીસે તપાસ શરૂ કરી હતી.
જેમાં વિનુભાઈ હીરાના કારખાનામાં કામ કરતા હોય અને હાલમાં હીરામાં મંદી પ્રવર્તી રહી છે તેથી આર્થિક સંકડામણના કારણે તેમણે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને પરિવારના આત્યાંતિક પગલા બાબતે તપાસ શરૂ કરી છે.
પિતરાઈને કહ્યું, દીકરા-દીકરીને સાચવી લેજે
એલ્યુમિનીયમ ફોસ્ફેટ પીધા બાદ વિનુભાઈએ પિતરાઈ ભાઈને ફોન કરી ઘરે હાજર એક દિકરા અને એક દિકરીને સાચવી લેવાનું કહ્યું હતું. જેથી પિતરાઈ ભાઈએ ઘટના સ્થળે દોડી જઇ ચારેયને હોસ્પિટલ ખસેડ્યા હતા.