અમદાવાદ ખાતે અદાણી – PGTI ગોલ્ફ તાલીમ એકેડેમીનો શુભારંભ

અમદાવાદ ખાતે અદાણી – PGTI ગોલ્ફ તાલીમ એકેડેમીનો શુભારંભ
બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે કપિલ દેવે અદાણી ગ્રુપને અભિનંદન આપ્યા
‘અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025’ ના લોન્ચ સાથે અદાણી ગ્રુપ ભારતીય વ્યાવસાયિક ગોલ્ફમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. અમદાવાદમાં બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે અદાણી-PGTI ગોલ્ફ તાલીમ એકેડેમીનો શુભારંભ કરવામાં આવ્યો છે. ભારતમાં પુરુષોના વ્યાવસાયિક ગોલ્ફની સત્તાવાર મંજૂરી આપતી સંસ્થા પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (PGTI) સાથે ભાગીદારીમાં અદાણી ગ્રુપની આ પહેલનો ઉદ્દેશ્ય ગોલ્ફની પહોંચને પ્રોત્સાહન અને વિસ્તૃત કરી મુખ્ય પ્રવાહની રમત તરીકેનો દરજ્જો વધારવાનો છે.
અમદાવાદના બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે અદાણી-પીજીટીઆઈ સંયુક્ત ગોલ્ફ તાલીમ એકેડેમીની સ્થાપના પ્રસંગે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવ હાજર રહ્યા હતા. કપિલ દેવે આ પહેલ માટે અદાણી ગ્રુપને અભિનંદન આપતા કહ્યું હતુ કે, “આ રીતે ગોલ્ફને પ્રોત્સાહન આપવા બદલ અદાણી ગ્રુપનો આભાર માનું છું. ક્રિકેટ ઉપરાંત દેશમાં અન્ય રમતોનો રીતે પ્રચાર થઈ રહ્યો છે એ જોઈને આનંદ થાય છે. દરેક ટુર્નામેન્ટ પ્રોત્સાહન આપે છે. સારા લોકો જોડાશે… સારી કંપનીઓ જોડાશે. અમે પણ એ જ ઈચ્છીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે આવી ટુર્નામેન્ટમાં મોટા કોર્પોરેટ્સ આવે અને રમતનો પ્રચાર થાય. જેમ જેમ પ્રમોશન થશે તેમ તેમ ખેલાડીઓ આગળ આવશે.
તેમણે ઉમેર્યુ હતું કે, જો દરેક શહેરમાં આવા તાલીમ કેન્દ્રો હશે, તો આવનારા સમયમાં આપણે સારા ગોલ્ફરો મેળવી શકીશું. ક્રિકેટ છે કારણ કે ક્રિકેટ એકેડેમી વધુ છે. હવે અન્ય રમતોમાં પણ આવું જ થઈ રહ્યું છે.”
કપિલ દેવે કહ્યું હતું કે, “અદાણી ગ્રુપે આવતીકાલના સ્ટાર્સને તકો આપવાની જવાબદારી લીધી છે. અદાણી ગ્રુપ ખેલાડીઓને પ્રતિભા દર્શાવવાની વ્યાપક તકો આપી રહ્યું છે. અમે બધાને આ વિશે વાત કરીએ છીએ. પરંતુ અદાણી ગ્રુપે જવાબદારી લઈ ગોલ્ફ ટ્રેનીંગ ક્રિકેટ એકેડમી શરૂ કરી છે, જે અદ્ભુત છે. મને આશા છે કે અહીંથી ઘણા ખેલાડીઓ ઉભરી આવશે અને વિશ્વમાં પોતાનું નામ રોશન કરશે.”
અદાણી ગ્રુપની આ પહેલથી ગોલ્ફની સુલભતાને પ્રોત્સાહન અને વિસ્તાર મળવાની સાથે તેને મુખ્ય પ્રવાહની રમતમાં દરજ્જો વધશે, અને ભારતમાંથી વૈશ્વિક ચેમ્પિયનની આગામી પેઢીના રમતવીરોનો ઉછેર થશે.