અદાણી વિદ્યામંદિરના તેજસ્વી તારલાઓ બોર્ડના પરિણામોમાં ઝળક્યા!
અદાણી વિદ્યામંદિરના તેજસ્વી તારલાઓ બોર્ડના પરિણામોમાં ઝળક્યા!
ધોરણ 10 અને 12માં શાળાનું 100% પરિણામ
અદાણી વિદ્યામંદિર- અમદાવાદ (AVMA) ના વિદ્યાર્થીઓ CBSE ધોરણ 10 અને 12 બોર્ડના પરિણામોમાં ઝળક્યા છે. નબળી આર્થિક પરિસ્થિતી ધરાવતા કુટુંબના બાળકોએ બોર્ડના પરિણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી પરિવાર અને શાળાનું નામ રોશન કર્યુ છે. ધોરણ 12 મા અભ્યાસ કરતો મીત કોલડીયા 97.20% સાથે ટોપર રહ્યો છે, જ્યારે 95.60% સાથે ઉમામા શેખે ધો. 10માં મેદાન માર્યું છે. આ તેજસ્વી તારલાઓની જવલંત સિદ્ધિ જોઈ તેમના ગુરૂજનો અને પરિવારજનોનો હરખ સમાતો નથી.
AVMA માં અભ્યાસ કરતા ધોરણ 12 ના 108 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 10 ના 104 વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ગુણાંક મેળવી ઉત્તીર્ણ થયા છે. 100% પરિણામ સાથે શાળાએ ફરી એકવાર પોતાની પરિણામલક્ષી શિક્ષણ પદ્ધતિનો પરિચય કરાવ્યો છે. શાળાના અડધો-અડધ વિદ્યાર્થીઓએ 85 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે.
ધો.12ના ટોપર મીતની વાત કરીએ તો, સામાન્ય પરિવારમાંથી આવતા મીત કોલડીયા ટ્યુશન વગર માત્ર વિદ્યામંદિરમાં અપાતા શિક્ષણ પર જ નિર્ભર હતો. તેની માતા ઘરકામ અને પિતા વ્યવસાય કરે છે. મીતની મહેચ્છા પરિવારમાં પ્રથમ ડોક્ટર બનવાની છે. તે પોતાની સફળતાનો શ્રેય શાળામાં અપાતા શિક્ષણ અને શિક્ષકોના માર્ગદર્શનને આપે છે.
ધો.12 કોમર્સમાં 96.8% સાથે ઉત્તીર્ણ વિદ્યાર્થિની લબ્ધી સંઘવી પણ આર્થિક ભીંસના કારણે ટ્યુશન કરાવી શકી નહતી. સિંગલ પેરેન્ટ તરીકે તેની માતા ઘરકામ કરી આજીવિકા રળે છે. જો કે સખત મહેનતના કારણે તેણે ઈકોનોમિક્સમાં 99 અને એકાઉન્ટ્સમાં 98 માર્કસ મેળવ્યા છે. લબ્ધીનું સપનું સીએસ બનવાનું છે. લબ્ધીએ બનાવેલી મહત્વના પ્રશ્નોની નોટ્સ તેને પરીક્ષામાં ખુબ જ ઉપયોગી નીવડી હતી.
સ્ટેશનરી પ્રિંટીંગમાં કારીગરનું કામ કરતા પિતાની પૂત્રી પ્રિયાંશી પટેલે 94.80% હાંસલ કરી જ્વલંત સિદ્ધિ મેળવી છે. આઈટી ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાની મહેચ્છા ધરાવતી પ્રિયાંશીએ પણ ટ્યુશન વિના માત્ર શાળામાં અપાતા શિક્ષણથી આ સફળતા પ્રાપ્ત કરી છે.
ઉમામા શેખ એક ઓટો રિક્ષાચાલકની દિકરીએ શાળાના અભ્યાસ બાદ સેલ્ફસ્ટડી પર વધુ ધ્યાન આપ્યું હતું. તેની મહેનત રંગ લાવી અને ધો.10 માં 95.6% મેળવી ટોપર્સમાં સામેલ થઈ છે. જ્યારે પ્યૂનની નોકરી કરતા પિતાનો પૂત્ર અપૂર્વ 95.20% મેળવી ટોચના ક્રમે સફળ રહ્યો છે.
શ્રમજીવી પરિવારમાંથી આવતી પૂર્વા રાઠોડની સફળ વાર્તા પણ અનેક બાળકો માટે પ્રેરણાસ્ત્રોત છે. માતા ઘરકામ અને પિતા મશીન રિપેરીંગનું કામ કરી ગુજરાન ચલાવે છે. આર્થિક ભીંસના કારણે ટ્યુશન ન કરાવી શકી પણ શાળામાં મળેલા શિક્ષણ થકી તેણીએ 94% પ્રાપ્ત કરી નામ રોશન કર્યું છે.
અદાણી વિદ્યામંદિર સમાજના આર્થિક રીતે નબળા વર્ગોના વાર્ષિક 1000 થી વધુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ, ભોજન, ગણવેશ, પુસ્તકો, સ્ટેશનરી અને વાહનવ્યવહારની સુવિધા પ્રદાન કરે છે. AVMA યુનેસ્કો તરફથી પ્રતિષ્ઠિત યુનેસ્કો મોડલ એસ્પનેટ સ્કૂલનું પ્રમાણપત્ર મેળવનારી ગુજરાતની પ્રથમ ખાનગી શાળા છે.