દિવાળીના તહેવારમાં એસટી નિગમની તિજોરી છલકાઈ !
દિવાળીના તહેવારમાં એસટી નિગમની તિજોરી છલકાઈ !
24 થી 30 ઓક્ટોબર દરમિયાન એસટી નિગમને 5.93 કરોડ આવક થઇ
દિવાળીના તહેવારમાં લાખોની સંખ્યામાં લોકોની અવર-જવર થઈ છે. બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોને સારી સુવિધા મળે તે માટે એસટી નિગમ દ્વારા તમામ ડિવિઝનમાંથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે મુસાફરોને સારી સુવિધા મળી રહી. તહેવારમાં ભારે ભીડના કારણે સીટ મળતી નથી. જેના કારણે લોકો ઓનલાઈન બુકિંગ કરાવી લે છે. આવામાં એસટી નિગમે ઓનલાઈન બુકિંગનો રેકોર્ડ બનાવ્યો છે.
એસટી નિગમના સીએસઓ અને સીએલઓ આર.ડી.ગલચરે જણાવ્યું હતું કે, ૨૪થી ૩૦ ઓક્ટોબરમાં કુલ ૬૬૧૭ એક્સ્ટ્રા ટ્રિપોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૯ લાખ મુસાફરોએ લાભ લીધો હતો. જેના કારણે એસટી નિગમને કુલ ૫.૯૩ કરોડની આવક થઈ છે. દિવાળીના તહેવારમાં સૌથી વધુ સુરત ડિવિઝનમાંથી ૧૩૫૯ એક્સ્ટ્રા ટ્રિપોનું સંચાલન કરવામાં આવ્યું હતું. ૮૬૫૯૯ જેટલા મુસાફરોએ લાભ લીધો હતો અને ૨.૭૫ કરોડની આવક થઈ છે.
આર.ડી. ગલચરે વધુમાં જણાવ્યું છે કે, દિવાળીના તહેવારો દરમિયાન એસટી નિગમ દ્વારા મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસોની ફાળવણી કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરો દ્વારા ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરી શકે. ત્યારે ૪ નવેમ્બરના મુસાફરો દ્વારા કરવામાં આવેલ એડવાન્સ બુકિંગ નિગમના અત્યાર સુધીના કુલ બુકિંગમાં સૌથી વધારે બુકિંગ થયું હતું. ૪ નવેમ્બરના એક દિવસના ૧,૪૧,૪૬૮ સીટોનું બુકિંગ થયું હતું અને ઓનલાઈન બુકિંગનો રેકોર્ડ બનાવ્યો છે. જે ગત દિવાળીના તહેવારમાં ૧,૩૨,૧૮૬ સીટનો બુકિંગનો રેકોર્ડ હતો. જે ચાલુ વર્ષે નવો રેકોર્ડ બનાવ્યો છે. જેમાં મોબાઈલ પરથી ૮૫૨૪૭ સીટનું બુકિંગ કરવામાં આવ્યું છે. જાકે એડવાન્સ બુકિંગના કારણે એસટી નિગમ દ્વારા પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવું સરળ રહ્યું છે.