ગુજરાત

મહારાષ્ટ્રના ખેડૂત પરિવારની વ્હારે આવ્યું નવી સિવિલ હોસ્પિટલ તંત્ર

  • મહારાષ્ટ્રના ખેડૂત પરિવારની વ્હારે આવ્યું નવી સિવિલ હોસ્પિટલ તંત્ર
  • મહારાષ્ટ્રના ૩૮ વર્ષિય અમોલ બોરસેના ડાબા પગ, પાંસળી અને હાથના અંગુઠા-આંગળી મળીને કુલ ૧૫થી વધુ ફ્રેક્ચરની નવી સિવિલના ઓર્થો વિભાગના તબીબોએ સફળ સર્જરી કરી
  • મા એક ના એક દીકરાની સારવાર કરાવવા જમીન વેચવા તૈયાર થઈ હતી: રૂ.૧૪થી ૧૫ લાખની સારવાર સિવિલમાં નિઃશુલ્ક થઈ
  • ડાબા પગના ફ્રેક્ચરનું જટિલ ઓપરેશન કરીને એકના એક દિકરાને ઉગાર્યો:
    મહારાષ્ટ્રના મોહાળી ગામના સામાજિક અગ્રણી ભાવિની રામચંદ્ર પાટીલે બિરદાવી નવી સિવિલના તબીબોની સેવા
    મહારાષ્ટ્રના ખેડૂત બોરસે પરિવારના એક ના એક દીકરાને રોડ અકસ્માતમાં હાથ, પગ અને પાંસળીના ૧૫થી વધુ હાડકાના ફ્રેક્ચરનું જટિલ સફળ ઓપરેશન કરી નવી સિવિલના સર્જરી અને ઓર્થો વિભાગના તબીબોની ટીમને મોટી સફળતા મળી છે. ૩૮ વર્ષિય અમોલ બોરસેના ડાબા પગમાં ફ્રેક્ચર, પાંસળીના હાડકાનું ફ્રેક્ચર અને હાથના અંગુઠા અને આંગળીના ફ્રેક્ચરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પ્રાઈવેટ હોસ્પિટલમાં થતી લાખ્ખોની સારવાર નવી સિવિલમાં વિનામૂલ્યે થવાથી મહારાષ્ટ્રના મોહાળી ગામના સામાજિક અગ્રણી ભાવિની રામચંદ્ર પાટીલે નવી સિવિલના તબીબોની સેવાને બિરદાવી હતી.
    અમોલ દત્તાત્રેય બોરસેના પરિવારમાં માતા, પત્ની અને ૧૦ વર્ષનો દીકરો અને ૬ વર્ષની દીકરી સાથે રહીને ખેતી કરીને ગુજરાન ચલાવે છે.
    મૂળ મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લાના સોય ગામના ખેડૂત અમોલ બોરસે સાંજે ખેતરેથી ઘરે પાછા જતી વખતે રોડ અકસ્માતમાં પોતાના ડાબા પગ પર ગાડીનું ટાયર ફરી જતા પગમાં ૧૦થી ૧૨ ફ્રેક્ચર અને હાથના અંગુઠા-આંગળી અને પાંસળીમાં કુલ ૧૫થી વધુ ફ્રેક્ચર થયા હતા. જેઓને અત્યંત ગંભીર હાલતમાં મહારાષ્ટ્રના જલગાંવની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાંમાં ગત તા.૧૩મી નવેમ્બરના રોજ દાખલ કર્યા હતા.
    સર્જરી વિભાગના પ્રોફેસર ડો.બીના વૈદ્યના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડો. તેજસ પટેલે જણાવ્યું હતું કે, ગત તા.૧૩મી નવેમ્બરે રાત્રે અમોલ બોરસેને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેની હાલત અત્યંત ગંભીર હતી. રોડ એક્સિડન્ટમાં અમોલને પાંસળીના હાડકામાં ફ્રેક્ચરના કારણે છાતીમાં લોહીનો ભરાવો થવાથી ન્યુમો થોરેક્સ થયું હતું. નળી વડે લોહીનો બગાડ બહાર કાઢવામાં આવ્યો અનેપાંસળીના હાડકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ૩ દિવસ ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સ્વાસ્થ્ય સ્થિર થતા પગ, હાથના હાડકાના ઓપરેશન માટે ઓર્થો વિભાગમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
    નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમારના વડપણ હેઠળ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાની તત્પરતા અને સર્જરી વિભાગના પ્રોફેસર ડો.બીના વૈદ્ય અને અર્થો યુનિટ-૩ના ડો.મનીષ પટેલ અને તેમની ટીમ સાથે નર્સિંગ સ્ટાફના અથાગ પ્રયત્નથી ૨૦ દિવસની સારવાર કરી અમોલને મોતના મુખમાંથી ઉગાર્યો હતો.
    અમોલ દત્તાત્રેયના ઓપરેશન માટે નર્સિંગની ટીમ સહિત સંજય પરમાર અને બિપીન મેકવાને સિવિલ બ્લડ બેન્ક અને સુરત રક્તદાન કેન્દ્રમાંથી છ યુનિટ રક્તથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરી મદદરૂપ થયા હતા.
    આ સર્જરી અને ઓપરેશન પ્રાઇવેટમાં રૂ. ૧૫ લાખ રૂપિયાનો સુધીનો ખર્ચ થાય છે. જે નવી સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે થઈ છે.
    માળી સારો હોય તો બાગમાં ફુલો અને હરિયાળી ખીલે જ એમ જણાવતા નવી સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કરતા અમોલના સાળા દિવાકર ચૌધરીએ કહ્યું હતું કે, પ્રાઈવેટ હોસ્પિટલમાં સંપૂર્ણ સારવારનો ખર્ચ રૂ.૧૫ લાખ કહેતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. એક નો એક દીકરો અને પરિવારના મોભીની ગેરહાજરી એટલે મજબૂર માતા તો વહાલસોયાની સારવાર માટે જમીન વેચવા તૈયાર થઈ ગઈ હતી. પણ કરીએ તો કરીએ શું? પણ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નિ:શુલ્ક સારવાર આપી પરિવાર પર આવતી આર્થિક સંકટને અટકાવીને અમોલને નવી જીંદગી આપી છે એ બદલ અમે અને અમારો પરિવાર ઋણી છીએ.
    વધુમાં દિવકારે જણાવ્યું હતું કે, મોહાળી ગામના પૂર્વ સરપંચ અને સામાજિક અગ્રણી અને જનસેવામાં સમર્પિત રામચંદ્ર પાટીલ અને ભાવિની રામચંદ્ર પાટીલે સારવાર માટે સુરત નવી સિવિલનો માર્ગ બતાવ્યો હતો. એટલે રાત્રે જ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા સાથે ફોન કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવાનું નક્કી કર્યું. અને એમણે વિશ્વાસ સાથે કહ્યું હતું કે, અહીંયા તમને તમામ પ્રકારની સારવાર મળી રહેશે અને સાવ સાજા થઈ ને ઘરે જશો, એમ તેમણે કહ્યું હતું. આજે ૨૦ દિવસની સારવારમાં જટિલ ઓપરેશન કરીને મારા બનેવીને મોતના મુખમાંથી ઉગાર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button