આજીવન કેદની સજાના બીજા જ દિવસે લાજપોર જેલમાં હત્યાના કેદીનો આપઘાત, જેલમાં ચકચાર

આજીવન કેદની સજાના બીજા જ દિવસે લાજપોર જેલમાં હત્યાના કેદીનો આપઘાત, જેલમાં ચકચાર
પ્રેમસંબંધમાં શંકા રાખી મહિલાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી હત્યા કરવાના કેસમાં ગઈકાલે જ કોર્ટે ફટકારી હતી આજીવન કેદની સજા
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ કેંદીએ આજે સવારે યાર્ડ નંબર સી/૨/૧ના કોમન સંડાસની બારીનાં ભાગે કપડાની દોરી વડે ગળેફાંસો આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. આપઘાત કરનાર કેદીએ વર્ષ ૨૦૨૪માં પ્રેમસંબંધમાં શંકા રાખી મહિલા પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવતા તેને ગઈકાલે જ સુરતની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. અને સજા મળ્યાના બીજા જ દિવસે મોતને વ્હાલું કરી લીધું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ઝાલોર તાલુકાના ભોપોત ગામનો વતની ૩૭ વર્ષીય શંભુલાલ કમલાનાથ આડા સુરતના કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી નજીક ફૂટપાથ પર રહેતો હતો. શંભુલાલને રાધાબેન સાથે છેલ્લા આઠેક વર્ષથી પ્રેમસંબંધ હતો. જોકે, રાધાબેનને અન્ય શ્યામલાલ સાથે ફરી સંબંધ હોવાની શંકા રાખીને આરોપી શંભુલાલે તેણી સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તા.૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ બપોરે ૧:૩૦થી ૨ વાગ્યાની આસપાસ કતારગામની લલિતા ચોકડી પાસે આવેલા સંતકૃપા પેલેસ બિલ્ડિંગનાં પહેલા માળે આરોપીએ પેટ્રોલ ભરેલી બોટલ લાવી રાધાબેન પોતાની દીકરી સાથે સૂતાં હતાં ત્યારે તેમના શરીર તથા ગોદડા પર પેટ્રોલ છાંટયું હતું અને માચીસથી આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં રાધાબેનનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે કતારગામ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપી શંભુલાલની ધરપકડ કરી તેની સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં આરોપીને ગઈકાલે ૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વીડિયો કોર્ટ મારફતે તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, દરમિયાન સુરતની ૧૧મી એડિશનલ સેશન્સ કોર્ટે દ્વારા તેને આજીવન કેદની સજા અને ૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. સજાના હુકમના બીજા જ દિવસે કેદી શંભુલાલે લાજપોર મધ્યસ્થ જેલમાં યાર્ડ નંબર સી/૨/૧ના કોમન સંડાસની બારીના ભાગે કપડાની દોરી વડે ગળેફાંસો આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સચીન પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથનો ગુનો નોંધી આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.



