ગુજરાત

તિરંગાના રંગે સુરતનો કાપડ ઉદ્યોગ રંગાયો

તિરંગાના રંગે સુરતનો કાપડ ઉદ્યોગ રંગાયો
ભારતના સ્વાભિમાનની ઓળખ સમા રાષ્ટ્રધ્વજનું કાપડ ‘સિલ્ક સિટી’ સુરતમાં પણ તૈયાર થાય છે
દેશના વિવિધ રાજ્યોમાં દર વર્ષે ૧.૫ થી ૨ કરોડ તિરંગાનો સપ્લાય અને વર્ષે રૂ.૫૦ થી ૬૦ કરોડનો વેપાર થાય છે: કાપડ વેપારી ધ્રુવ ગાડિયા
૧૫મી ઑગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને સમગ્ર દેશમાં દેશભક્તિનો અનેરો માહોલ છવાયો છે, ત્યારે ભારતની આન, બાન અને શાન સમાન ત્રિરંગા ધ્વજના નિર્માણમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગે અગ્રણી ભૂમિકા ભજવી છે. ‘સિલ્ક સિટી’ તરીકે ઓળખાતું સુરત આજે માત્ર દેશનું જ નહીં પણ વિશ્વનું એવું મુખ્ય કેન્દ્ર બન્યું છે, જ્યાંથી દેશના ખૂણે-ખૂણે લહેરાતા કરોડો રાષ્ટ્રીય ધ્વજનું નિર્માણ થાય છે. કેન્દ્ર સરકારના ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે સુરતની ટેક્સટાઇલ મિલો અને પ્રોસેસિંગ યુનિટ્સ રાત-દિવસ ધમધમી રહ્યા છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફેબ્રિક, ચોક્કસ કલર ડાઇંગ અને પ્રોસેસિંગ ટેક્નોલોજીના બળે સુરતના વેપારીઓએ કરોડો મીટર ધ્વજનું કાપડ તૈયાર કરીને રાષ્ટ્રપ્રેમનું અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુરતના કાપડ વેપારી ધ્રુવ ગાડિયા જણાવે છે કે, દાદાજી અને અંકલ બાદ હવે તેઓ છેલ્લા ૨૫ વર્ષથી વધુ સમયથી સુરતમાં કાપડના વ્યવસાય સાથે જોડાયેલો છે. સુરતમાં કાપડના કાચા માલથી લઈને પ્રોસેસિંગ, પ્રિન્ટિંગ, ડાઈંગ અને ફિનિશ્ડ કાપડ બનાવવાનું તમામ કામ એક જગ્યાએ થાય છે. કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન બાદ સુરતમાં તિરંગાની માંગમાં વિરાટ ઉછાળો આવ્યો છે. છેલ્લા ૩-૪ વર્ષોમાં સુરતે દેશને કરોડો રૂપિયાનો તિરંગા બિઝનેસ આપ્યો છે. હાલમાં સુરતમાંથી દર વર્ષે અંદાજે ૧.૫ થી ૨ કરોડ તિરંગા દેશના વિવિધ રાજ્યોમાં સપ્લાય કરવામાં આવે છે, જેનાથી અંદાજિત રૂ.૫૦ થી ૬૦ કરોડનો વેપાર થાય છે. ‘હર ઘર તિરંગા’ માટે ખાસ કરીને ૨૦x૩૦ ઇંચની સાઈઝના ધ્વજ સૌથી વધુ લોકપ્રિય છે.
વધુમાં ધ્રુવે ગાડિયાએ કહ્યું હતું કે, ૧૫મી ઓગસ્ટે દેશભરમાં લહેરાનારા ત્રિરંગાના નિર્માણ પાછળ સુરતના લાખો ટેક્સટાઇલ શ્રમિકો અને ઉદ્યોગકારોનો પરિશ્રમ છુપાયેલો છે. ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘હર ઘર ત્રિરંગા’ના વિઝનને સાકાર કરવામાં સુરતે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અહીંની મિલોમાં વણાટથી લઈને કટીંગ, પ્રિન્ટિંગ અને સિલાઈ સુધીની પ્રક્રિયા અત્યંત સુગ્રથિત રીતે કરવામાં આવે છે. ધ્વજના ત્રણેય રંગો કેસરી, સફેદ અને લીલાની સચોટતા જળવાઈ રહે તે માટે ખાસ પ્રકારના મજબૂત ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે છે. સુરતથી રોડ, રેલવે અને હવાઈ માર્ગે રોજના લાખો ધ્વજ દેશમાં કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધીના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે. સુરતના આ યોગદાનથી પૂરવાર થાય છે કે ટેક્સટાઇલ હબ સુરત કાપડ ઉત્પાદનની સાથે દેશના ગૌરવ અને રાષ્ટ્રીય અસ્મિતાને બુલંદ કરવામાં પણ દેશમાં મોખરે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, દ્વારકાથી લઈને અરુણાચલ પ્રદેશ અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક ઘરો પર લહેરાતા કરોડો ત્રિરંગામાંથી મોટાભાગના ધ્વજનું મૂળ સુરતની ટેક્સટાઇલ મિલોમાં રહેલું છે. ધ્વજ સંહિતાના તમામ નીતિ-નિયમો અને અશોક ચક્રના ચોક્કસ માપદંડોનું ચુસ્તપણે પાલન કરીને સુરતી કારીગરો ધ્વજનું નિર્માણ થાય છે. આ રીતે, સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ આર્થિક પ્રગતિનું એન્જિન સાથે દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક સમાન ત્રિરંગાને દેશવ્યાપી બનાવવા માટેનું મુખ્ય શક્તિપીઠ પણ સાબિત થઈ રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button