ઉદવાડામાં લોકો પર પથ્થરમારો કરતી મનોરોગી મહિલાના પરિવારને શોધી ૧૮૧ અભયમે કબજો સોંપ્યો

- ઉદવાડામાં લોકો પર પથ્થરમારો કરતી મનોરોગી મહિલાના પરિવારને શોધી ૧૮૧ અભયમે કબજો સોંપ્યો
- — પથ્થર મારતી મહિલા પાછળ કેટલાક યુવાનો દોડતા મહિલા અન્ય એક મહિલાના ઘરે પહોંચી હતી, ત્યાંથી ૧૮૧ને જાણ કરાઈ
- — ૨ માસ અગાઉ જ આધેડ મહિલા યુપીથી આવી હતી, રાત્રિ દરમિયાન ઘરેથી ચાલી નીકળી હતી
વલસાડ તા. ૩૧ માર્ચ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે એક મનોરોગી મહિલાને મદદ કરવાની ભાવનાથી એક સેવાભાવી મહિલાએ 181 મહિલા હેલ્પલાઈનને કોલ કર્યો હતો. જેથી વલસાડ અભયમ રેસ્કયુ ટીમ સ્થળ પર પહોંચી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, ૫૫ વર્ષીય અજાણી મહિલા માનસિક અસંતુલન ગુમાવી ચુકી હોવાથી લોકો પર પથ્થરમારો કરી રહી હતી. તેને અટકાવવા માટે કેટલાક છોકરા પાછળ દોડ્યા હતા જેથી ગભરાઈ ગયેલી અજાણી આધેડ મહિલા એક મહિલાના ઘરે જઈને બેસી ગઈ હતી. ઘરમાં રહેતા સેવાભાવી મહિલાએ આ આધેડ મહિલાને તેના નામઠામ અંગે પૂછ્યુ પણ તેની ભાષા સમજમાં ન આવતા અભયમની ટીમે મનોરોગી મહિલાને સાંત્વના આપી શાંતિથી તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેણે રહેવાનું સ્થળ તરીકે ઉત્તરપ્રદેશના ગાજીયાબાદનું નામ આપ્યું હતું. ત્યારબાદ પરિવાર સહિતની માહિતી મેળવવા પ્રયાસ કર્યા પણ માનસિક અસંતુલનના કારણે આધેડ મહિલા જવાબ આપી શકી ન હતી. જેથી અભયમની ટીમે સખી વન સ્ટોપ સેન્ટરમાં આ મહિલાને આશરો આપવાના ઈરાદા સાથે ગાડીમાં બેસાડી નીકળી હતી ત્યારે રસ્તામાં ઉદવાડા ફાટક પાસે ટ્રાફિક પોલીસના જવાન ઉભા હતા તેઓને આ આધેડ મહિલા વિશે માહિતી આપતા અભયમની ટીમે જણાવ્યું હતું કે, આ મહિલાનું કોઈ પરિવાર મળી આવે તો અભયમ અથવા તો સખી વન સ્ટોપ સેન્ટરનો સંર્પક કરવા કહેજો. આ વાતચીત ચાલુ હતી તે દરમિયાન એક વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યો હતો અને કહ્યું કે, બે ભાઈ છેલ્લા ૨ દિવસથી માજીને શોધી રહ્યા છે જેથી ૧૮૧ અભયમે આ વ્યક્તિને બોલાવતા આધેડ મહિલાનો પુત્ર આવી પહોંચ્યો હતો અને ત્યારબાદ મહિલાના પતિને પણ બોલાવ્યો હતો. જેઓએ જણાવ્યું કે, તેઓ તેમના પરિવારજનો સાથે બગવાડા ટોલનાકા પાસે બ્રિજની કામગીરી કરી રહ્યા હતા. તેમની પત્ની ૨ માસ અગાઉ જ યુપી થી અહીં આવી હતી અને રાત્રિ દરમિયાન રહેણાંક સ્થળેથી ચાલી નીકળી હતી. ૧૮૧ ટીમે મહિલાનો આધાર કાર્ડ સહિતના પુરાવા પતિના પુરાવા સાથે મેચ કર્યા હતા. પૂરાવા સાચા જણાયા બાદ મહિલાનો કબજો તેના પરિવારને સોંપ્યો હતો. પરિવારજનો પણ મહિલાને શોધી રહ્યા હોવાથી તેમણે અભયમ ટીમનો આભાર માન્યો હતો. અભયમ દ્વારા મહિલાને યોગ્ય સારવાર કરાવવા અને કાળજી લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મનોરોગી મહિલાને પરિવારને શોધી સોંપવા અથવા સુરક્ષિત આશ્રય અપાવવો એ ઘણી કપરી કામગીરી છે છતાંય અભયમ ટીમ માનસિક અસ્થિર મહિલાઓને મદદ પહોંચાડી માનવતાની મહેક પ્રસરાવી રહી છે.