સુરત જિલ્લાના ૮૯ ગામોના આદિમજૂથોના કુલ ૨૪૩૨ પરિવારોને પીએમ જનમન યોજના હેઠળ સર્વેમાં આવરી લેવાયા
પીએમ જન-મન અભિયાન વિશેષ
સુરત:બુધવાર: દેશ અને રાજ્યના આદિમ જૂથોના વિકાસ માટે “PM JANMAN -PVTG ડેવલપમેન્ટ મિશન” હેઠળ નાણાંકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘પીએમ જનમન’ અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસની મુખ્ય ધારામા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે, ત્યારે ‘પીએમ જન મન’ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના આદિમજુથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભુત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને સમાજની મુખ્યધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેયમંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે કમર કસી છે.
‘પીએમ જન મન’ કાર્યક્રમ હેઠળ સુરત જિલ્લામાં મહુવા, ઉમરપાડા, માંડવી, બારડોલી તાલુકામાં વસતા કોટવાળીયા, કાથોડી, કાથુડીયા અને કોલધા જેવા આદિમજૂથોના સમાવેશ થાય છે. ખાસ કરીને નબળા આદિવાસી જૂથ- પીવીટીજીના લાભાર્થીઓના જીવનશૈલીમાં સુધાર કરવાના ઉમદા આશય સાથે આદિમજુથની વસ્તી ધરાવતા ગામોમાં જનજાગૃતિ-આઈઈસી પ્રવૃતિઓ હાથ ધરી આદિમજૂથોને જાગૃત કરીને યોજનાના લાભ હેઠળ આવરીને સો ટકા સંતૃપ્તિ હાંસલ કરવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસો હાથ ધરાયા છે.
‘પીએમ જન મન’ કાર્યક્રમ હેઠળ સુરત જિલ્લાના ૮૯ ગામોના આદિમજૂથોના કુલ ૨૪૩૨ પરિવારોને લાભાન્વિત કરવા પીએમ જનમન યોજના હેઠળ સર્વેની કામગીરી શરૂ છે. આ ૨૪૩૨ પરિવારોમાં કુલ ૯૮૫૪ નાગરિકોનો સમાવેશ થાય છે.